Surat News : સુરતમાં ચકચારી આસારામ અને નારાયણ સાંઈ કેસના સાક્ષીઓ પર હુમલા કરનાર આરોપી તામરાજની પોલીસે ધરપકડ કરી છે. આરોપી પોલીસથી બચવા માટે ધર્મ પરિવર્તન કરી ક્રિશ્ચિયન બની ગયો હતો. તેણે પોતાનું નામ બદલી નાખ્યું હતું અને એક મિશનરી શાળાની નજીક રહેતો હતો. આરોપી પોલીસથી બચવા માટે ઢોંસા વેચવાનું કામ કરતો હતો. તે સામાન્ય ક્રિશ્ચિયન માણસ જેવો દેખાતો હતો, જેથી કોઈને તેના પર શંકા ન જાય.
તામરાજ આસારામનો ઘનિષ્ઠ સાધક હતો અને તેણે આસારામ વિરુદ્ધ અવાજ ઉઠાવનાર લોકોને ટાર્ગેટ કર્યા હતા. તેણે પોતાના ટાર્ગેટ લિસ્ટમાં ઘણા લોકોનો સમાવેશ કર્યો હતો. તામરાજ એસિડ એટેક, જીવલેણ હુમલા અને હત્યાના ગુનાઓમાં વોન્ટેડ હતો. તે છેલ્લા 10 વર્ષથી મોસ્ટ વોન્ટેડ આરોપી હતો.
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દેશભરમાં આસારામ અને નારાયણ સાંઈ વિરૂદ્ધ દાખલ થયેલા દુષ્કર્મ અને બળાત્કાર કેસોના સાક્ષીઓ પર એસિડ એટેક, જીવલેણ હુમલા અને હત્યાઓમાં સંડોવાયેલા મોસ્ટ વોન્ટેડ આરોપી તામ્રધ્વજ ઉર્ફે તામરાજ ઉર્ફે રાજ ઉર્ફે સ્ટીફન (ઉ.વ. 37, પુત્ર હરીરામ શાહુ)ને ઉત્તર પ્રદેશના નોઈડા શહેરમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી છત્તીસગઢના રાજનાથગાંવ જિલ્લાની ડોંગરયાંવ પોલીસ સ્ટેશન હદમાં આવેલા બડભૂમ ગામનો મૂળ રહેવાસી છે. તામરાજ પર હરિયાણા સરકારે 50,000નું ઇનામ જાહેર કર્યું હતું.
સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે યુપીના નોઈડાથી તામરાજને ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમ સિંગ ગહેલોતે જણાવ્યું કે, તામરાજ એક ખતરનાક ગુનેગાર છે અને તેની ધરપકડ એક મહત્વપૂર્ણ સફળતા છે. પોલીસે તામરાજની પૂછપરછ શરૂ કરી છે અને તેની પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. તામરાજની ધરપકડથી આસારામ અને નારાયણ સાંઈ કેસના સાક્ષીઓને ન્યાય મળવાની આશા વધી છે. આ કેસમાં અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવશે, તેમ પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો:સુરતના રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયાનક આગ
આ પણ વાંચો:સુરતમાં શિવ શક્તિ ટેક્સ્ટાઈલ માર્કેટમાં લાગેલી આગમાં મૃતક ભુલાયા
આ પણ વાંચો:સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ બેકાબૂ
