Ahmedabad News: ગુજરાતીઓનું વિદેશમાં જવાનું ઘેલું એટલું છે કે તેના માટે તેઓ કોઈ કાયદાની તમા કરતા નથી. આવા જ એક અમદાવાદીએ 2019માં મુંબઈથી કેનેડામાં વિઝિટર વિઝા દ્વારા જવાના નિષ્ફળ પ્રયત્ન પછી 2024માં દિલ્હીથી ગેરકાયદેસર રીતે જવાનો પ્રયત્ન કર્યો હતો.
ઈમિગ્રેશન બ્યૂરોના સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરના રાણીપ વિસ્તારમાંથી ક્રુપેશ પટેલ તરીકે ઓળખાતા એક વ્યક્તિને 22 ઓગસ્ટના રોજ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર બનાવટી અને છેતરપિંડી કરવાના આરોપમાં પકડવામાં આવ્યો હતો.
“પટેલે ડિપાર્ચર ક્લિયરન્સ મેળવવા ઇમિગ્રેશન સત્તાવાળાઓનો સંપર્ક કર્યો હતો. તે ફ્લાઇટ AI 187 પકડવાનો હતો અને તેના વિદેશ જવાના સમર્થનમાં E731696672 નંબર સાથે કેનેડિયન વિઝા રજૂ કર્યા. પટેલના પ્રવાસ દસ્તાવેજોની ચકાસણી દરમિયાન તેના કેનેડિયન વિઝાની પ્રામાણિકતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો, ” એમ દિલ્હીના IGI એરપોર્ટ પોલીસમાં નોંધાયેલી FIRમાં જણાવાયું છે.
એફઆઈઆરમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, “વિઝાના શંકાસ્પદ સ્વભાવને કારણે આ બાબત કેનેડિયન અધિકારીના ધ્યાન પર લાવવામાં આવી હતી. ત્યારબાદ, ALO એ ઈમેલ દ્વારા પુષ્ટિ કરી કે પટેલના કબજામાં રહેલા વિઝા નકલી હતા.”
દિલ્હીમાં IGI પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે પટેલને અગાઉ 10 એપ્રિલ, 2019 ના રોજ મુંબઈ એરપોર્ટ પર કેનેડા જતી ફ્લાઈટમાંથી બોર્ડિંગ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને મુંબઈ પોલીસમાં બનાવટીનો કેસ નોંધવામાં આવ્યો હતો.
બ્યુરો ઓફ ઈમિગ્રેશન દ્વારા આ માહિતીને સમર્થન આપવામાં આવ્યું છે. “મુંબઈમાં કેસ નોંધવામાં આવ્યો હતો જ્યારે પટેલે તે જ નકલી કેનેડિયન વિઝિટર વિઝાનો ઉપયોગ કરીને કેનેડા જવાનો પ્રયાસ કર્યો હતો,” એમ દિલ્હીના IGI એરપોર્ટ પોલીસમાં દાખલ કરવામાં આવેલી FIRમાં જણાવાયું હતું.
દિલ્હી પોલીસના સૂત્રોએ ખુલાસો કર્યો હતો કે જામીન પર છૂટ્યા હોવા છતાં અને મુંબઈમાં ચાલી રહેલી ટ્રાયલનો સામનો કરવા છતાં, પટેલે દિલ્હીના IGI એરપોર્ટ પરથી સમાન બનાવટી વિઝા પર મુસાફરી કરવાનો પ્રયાસ કરવાની જબરી હિંમત કરી હતી.
દિલ્હીના કાયદા અમલીકરણ અધિકારીઓ હાલમાં પટેલને નકલી વિઝા આપનાર વિઝા એજન્ટને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. IGI એરપોર્ટ સત્તાવાળાઓએ પટેલ પર પાસપોર્ટ એક્ટ હેઠળના આરોપો ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા હેઠળ છેતરપિંડી, બનાવટી અને બનાવટી દસ્તાવેજોને અસલી તરીકે રજૂ કરવાની જોગવાઈઓ હેઠળ આરોપ મૂક્યો છે.
આ પણ વાંચો: કેનેડાએ 28 હજાર વિદેશી પ્રવાસીઓને પરત મોકલ્યા!
આ પણ વાંચો: કેનેડા સરકારનો નવો નિયમ ભારતીય વિદ્યાર્થીઓ માટે બની શકે છે મુશ્કેલીનું કારણ
