અમદાવાદ,
હાલ ચાલી રહેલા લગ્નગાળાના કારણે શહેરમાં હજારો પરિવારોના ઘરે માંડવો બંધાયો છે.જો કે આ હજારો લગ્નોની સાઇડ ઇફેક્ટ એવી આવી છે, કે શહેરની પોલિસ પણ તેમાં વ્યસ્ત થઇ ગઇ છે. માની ના શકાય, પરંતું અમદાવાદમાં અનેક પોલિસકર્મીઓને વીવીઆઇપી મેરેજમાં કામે લગાડવામાં આવ્યા છે.
ચાલુ દિવસોમાં શહેરમાં ટ્રાફિક નિયમના ઉલ્લંઘન મામલે દંડ વસુલતી પોલીસ છેલ્લા ત્રણ દિવસથી વિવિધ નેતાઓને ત્યાં લગ્ન પ્રસંગે ચોકીદારી કરી રહ્યા છે. જેને કારણે રીંગરોડ, એસજી હાઇવે, શહેરના અંદરના રસ્તાથી લઈને કલોલ-મેહસાણા હાઇવે ઉપર ઠેર ઠેર ટ્રાફિકમાં રસ્તા ચક્કાજામ થતા વાહનચાલકો ફસાઈ રહ્યા છે.
શહેરમાં શનિવારથી જ લગ્નગાળાનો માહોલ જણાઈ રહ્યો છે, આવા સમયે ટ્રાફિક નિયમન કરતી પોલીસ પણ ગાયબ છે. જેનું એક માત્ર કારણ છે, કે અમદાવાદ અને ગાંધીનગરની પોલીસને ભાજપના નેતાઓમાં હાજર રહેતા વીવીઆઈપી મેહમાનોને સાચવવાની જવાબદારી સોપાઈ છે.
શહેરના એક જાણીતા પાર્ટી પ્લોટમાં આવી રહેલી જાન ટ્રાફિકમાં ફસાઇ હતી. જાન જે રસ્તા પર ટ્રાફિકમાં ફસાઇ હતી ત્યાં પોલિસ જોવા મળતી નહોતી. ટ્રાફિકમાં ફસાયેલી જાનની હાલત એટલી કફોડી બની હતી, કે હસ્તમેળાપનો સમય પણ વીતી ગયો હતો.
જોવાની વાત એ હતી કે, ટ્રાફિક પોલિસના જવાનોને એક રાજકારણીના લગ્નમાં ‘બંદોબસ્ત’ માટે મુકવામાં આવ્યા હતા. અમદાવાદમાં ૭૦ લાખથી પણ વધુ લોકો રહે છે. શહેરમાં રહેતા પબ્લિક માટે માત્ર ૧૨૦૦ જ પોલીસ છે. જેમાંથી ૨૦ ટકા જેટલી તો વીવીઆઈપીની સેવામાં જ વ્યસ્ત હોય છે.
