Gandhinagar News: રાજ્યમાં પ્રાથમિક અને અનુદાનિત શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવા ગુજરાત શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયક (પ્રાથમિક) યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કર્યા છે. નવા સુધારા મુજબ હવે જ્ઞાન સહાયક (Gyan Sahayak Gujarat) માટે અરજી કરવાની મહત્તમ વયમર્યાદા 40 વર્ષમાંથી વધારીને 48 વર્ષ કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ઠરાવ મુજબ ભરતી પ્રક્રિયા, મેરીટ યાદી તૈયાર કરવાની પદ્ધતિ તેમજ ખાલી જગ્યાઓ ભરવાના નિયમોમાં પણ મોટા સુધારા કરવામાં આવ્યા છે.
Gyan Sahayak Gujarat: વયમર્યાદામાં 8 વર્ષનો વધારો
અત્યાર સુધી જ્ઞાન સહાયક (Gyan Sahayak Gujarat) માટે ઉમેદવારની મહત્તમ ઉંમર 40 વર્ષ નક્કી કરવામાં આવી હતી. હવે સરકારે તેમાં 8 વર્ષનો વધારો કરીને 48 વર્ષ સુધીના ઉમેદવારોને અરજી કરવાની મંજૂરી આપી છે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી વધુ અનુભવી અને લાયક ઉમેદવારોને તક મળશે તેમજ શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ઝડપથી ભરવામાં મદદ મળશે.


TET-1 અને TET-2ના ગુણથી તૈયાર થશે મેરીટ
નવા નિયમો મુજબ ધોરણ 1 થી 5 માટે TET-1 અને ધોરણ 6 થી 8 માટે TET-2માં મેળવેલા ગુણોના આધારે જિલ્લાવાર મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ આ નવી પદ્ધતિથી ભરતી પ્રક્રિયા વધુ પારદર્શક અને ગુણ આધારિત બનશે.
ઉમેદવાર માત્ર એક જ જિલ્લો પસંદ કરી શકશે
નવી જોગવાઈ મુજબ ઉમેદવારે અરજી કરતી વખતે માત્ર એક જ જિલ્લાની પસંદગી કરવાની રહેશે. તે જિલ્લામાં તૈયાર થતી મેરીટ યાદીના આધારે ઉમેદવારને પસંદગીનો મોકો મળશે.જિલ્લાવાર ખાલી જગ્યાઓની વિગતો ઓનલાઈન પોર્ટલ પર જાહેર કરવામાં આવશે.
ઓનલાઈન પ્રક્રિયા અને કરાર આધારિત નિમણૂક
જિલ્લા શિક્ષણ સમિતિઓ દ્વારા ખાલી જગ્યાઓની માહિતી પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. ત્યારબાદ મેરીટ પ્રમાણે ઉમેદવારોને પસંદગીની તક આપવામાં આવશે.પસંદગી પામેલા ઉમેદવારોને શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) દ્વારા કરાર આધારિત નિમણૂક આપવામાં આવશે.
કાયમી શિક્ષક આવતા જ કરાર પૂર્ણ થશે
સરકારે સ્પષ્ટ કર્યું છે કે જ્ઞાન સહાયક (Gyan Sahayak Gujarat)ની નિમણૂક સંપૂર્ણપણે કરાર આધારિત રહેશે. જો શાળામાં નિયમિત શિક્ષકની ભરતી, બદલી અથવા પુનઃસ્થાપના થશે તો જ્ઞાન સહાયકનો કરાર આપોઆપ સમાપ્ત થઈ જશે.આવા સંજોગોમાં ઉમેદવારનું નામ પ્રતીક્ષા યાદીમાં રાખવામાં આવશે.
પ્રતીક્ષા યાદીની પણ વ્યવસ્થા
ભરતી પ્રક્રિયા દરમિયાન મેરીટમાં આવેલા પરંતુ પસંદગી ન પામેલા ઉમેદવારો માટે પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે. જો કોઈ નવી જગ્યા ખાલી પડે અથવા પસંદ થયેલો ઉમેદવાર હાજર ન થાય તો પ્રતીક્ષા યાદીમાંથી ઉમેદવારને તક આપવામાં આવશે.
શિક્ષકોની અછત ઘટાડવાનો પ્રયાસ
શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર ન થાય તે માટે જ્ઞાન સહાયક (Gyan Sahayak Gujarat) યોજના અમલમાં છે.નવા નિયમો દ્વારા ભરતી પ્રક્રિયા વધુ અસરકારક બનશે અને શિક્ષકોની અછત ઘટાડવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં ધરાશે હાથ
આ પણ વાંચો:અમદાવાદમાં TET-1ના બે પરીક્ષાર્થીને અકસ્માત: મેથ્સ પેપર અઘરું લાગતાં ઉમેદવારો મૂંઝવણમાં
આ પણ વાંચો:TET-1 પાસ ઉમેદવારોની માંગણીઓનો ઉકેલ ન આવતા ગાંધીનગરમાં આંદોલન, પોલીસે ટીંગાટોળી કરી અટકાયત
