છોટાઉદેપુર,
છોટાઉદેપુરથી વડોદરા તરફ આવી રહેલી કાર સાથે ટેન્કર અથડાતા ત્રણ બાળકો સહિત સાત વ્યક્તિના કમકમાટીભર્યા મોત નીપજવાની ગમખ્વાર ઘટના બની છે. આ ઘટનામાં એક જ પરિવારના પાંચ વ્યક્તિના મોત નીપજતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.
Gujarat: 7 people of a family died after the car they were travelling in collided with a tanker, in Chhota Udaipur's Rangpur.
— ANI (@ANI) May 9, 2018
આ અંગે પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના કુક્ષી તાલુકાનો એક પરિવાર વડોદરા હોસ્પિટલના કામ સબબ કારમાં આવી રહ્યો હતો. આ સમયે આ કાર છોટાઉદેપુરના રંગપુર ગામ પાસે પહોંચી હતી ત્યારે સામેથી આવી રહેલ એક ટેન્કર આ કારની સાથે ધડાકાભેર અથડાયું હતું. જેના કારણે કારમાં બેસેલા લોકોની ચિચિયારીઓથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

આ ગમખ્વાર અને ગોઝારા અકસ્માતમાં ત્રણ બાળકો, બે મહિલા અને બે પુરુષના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ બનાવ અંગે જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે.
આ બનાવ વધુ વિગતો મેળવવા માટે સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
