Gondal News : ગોંડલના રીબડા ગામે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના ‘રીબડા પેટ્રોલિયમ’ પર 24 જુલાઈની રાત્રે બે અજાણ્યા બુકાનીધારી શખસે ફાયરિંગ કરતાં સનસનાટી મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. આ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે 11 ઓગસ્ટના રોજ કુખ્યાત હાર્દિકસિંહ જાડેજાને કેરળથી ઝડપી પાડ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 1 ઓગસ્ટના રોજ રાજકોટ રૂરલ LCBની ટીમે બે સગાભાઈ સહિત ફાયરિંગ કરનારી 4 વ્યક્તિને ઉત્તરપ્રદેશથી ઝડપી પાડી હતી. જેમાં ઇરફાન ઉર્ફે સીપા મોહમ્મદ રઇસ કુરેશી (ઉં.વ.32), અભિષેક કુમાર પવનકુમાર જિંદલ/અગ્રવાલ (ઉં.વ.28), પ્રાન્સુકુમાર પવનકુમાર જિંદલ/અગ્રવાલ (ઉં.વ.29) અને વિપિનકુમાર વિરેન્દ્રસિંહ જાટ(ઉં.વ.26)નો સમાવેશ થાય છે. ઇરફાન પર અમદાવાદમાં 4 પાસા સહિત 27 ગુના નોંધાયેલા છે.
પ્રાથમિક પૂછપરછમાં હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી ફાયરિંગ કર્યું હોવાની આરોપીઓએ કબૂલાત આપી હતી. આ શખસોએ હાર્દિકસિંહ જાડેજા સાથે મિત્રતા હોવાથી ફાયરિંગ કર્યું હોવાનું જણાવ્યું હતું. વિપિન કુમાર જાટને 5 લાખમાં સોપારી આપી હતી. ફાયરિંગ કર્યા બાદ બંને શખસ બસ અને ટ્રેન મારફત ઉત્તરપ્રદેશ પહોંચ્યા હતા. જ્યારે ફાયરિંગ કરાવનાર આરોપી હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા ફરાર હતો, જેને સ્ટેટ મોનિટરિંગ સેલે આજે પકડી પાડ્યો છે.રૂ.4000ની લેતીદેતીમાં જુલાઈ 2022 દરમિયાન હાર્દિકસિંહ જાડેજાએ દીપ લાઠિયા સાથે મળી મૌલિક ઉર્ફે ભોલો ચંદુભાઈ કાકડિયા નામના યુવક પર હુમલો કર્યો હતો. આ જીવલેણ હુમલામાં ભોગ બનનારનું સારવાર દરમિયાન મોત થયું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો.
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક નજીક રિયલ પ્રાઇમ એપાર્ટમેન્ટ બી વિંગ ફ્લેટ નંબર 304માં રહેતા મૌલિક ઉર્ફે ભોલો ચંદુભાઈ કાકડિયા(ઉં.વ.33) નામના યુવાન પર જુલાઈ 2022 સમી સાંજના અક્ષર માર્ગ પાસે શિવ પાન નજીક હાર્દિકસિંહ જાડેજા તથા દીપ લાઠિયા નામના શખસે ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો.જેમાં યુવાનને પડખાના ભાગે, હાથના ભાગે મળી કુલ છરીના ત્રણ જેટલા ઘા ઝીંકી દીધા હતા. દરમિયાન યુવાનને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્ર દિવ્યેશને પણ આરોપીઓએ મારમાર્યો હતો. યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જોકે યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મૌલિક ઉર્ફે ભોલો મિત્ર દિવ્યેશ સાથે બાઈક પર જઈ રહ્યો હતો. દરમિયાન હાર્દિકસિંહ જાડેજાનો ફોન આવ્યો હતો અને તેણે યુવાનને અક્ષર માર્ગ પાસે શિવ પાન પાસે બોલાવ્યો હતો. મૌલિક ઉર્ફે ભોલાને હાર્દિકસિંહ પાસેથી રૂ.4000 લેવાના હોય આ બાબતે તેણે તેને બોલાવ્યો હતો, જેમાં યુવાન અને તેનો મિત્ર અહીં આવ્યા બાદ થોડીવારમાં હાર્દિકસિંહ અને દીપ લાઠિયા આવ્યા હતા. આ બંનેએ પૈસા બાબતે યુવાન સાથે બોલાચાલી શરૂ કરી દીધી હતી. ત્યાર બાદ ઉશ્કેરાઇ હાર્દિકસિંહે છરી કાઢી યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો.હાર્દિકસિંહ જાડેજા સામે અગાઉ પણ એ.ડિવિઝન પોલીસ મથકમાં બળજબરીથી વસ્તુ પડાવી લેવા અંગેનો, માલવિયાનગરમાં હત્યાનો ગુનો નોંધાઈ ચૂક્યો છે.
આ પણ વાંચો: Ahmedabad News/વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં ગુજરાત યુનિ. બહાર NSUI કાર્યકરોનું વિરોધ પ્રદર્શન, કાર્યકરોની ટીંગાટોળી કરાઈ અટકાયત, રાજ્યભરમાં આંદોલન ચાલુ રાખવાની ચીમકી
આ પણ વાંચો: અમદાવાદમાં ફી વધારા સામે NSUIના કાર્યકર્તાઓનો ભારે વિરોધ
આ પણ વાંચો: નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે NSUIના કાર્યકરોનો વિરોધ
