યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ભારતીય ટેલિવિઝનના સૌથી લાંબા ચાલનારા શો પૈકીનો એક છે. આ શોમાં વધુ એક જનરેશન લીપ આવવાનો છે. આ સીરિયલની હાલની ઓનસ્ક્રીન જોડી કાર્તિક (એક્ટર મોહસીન ખાન) અને નાયરા/સીરત ટૂંક સમયમાં જ શોમાંથી વિદાય લેવાના છે. ત્યારે હવે શોમાં નવા ચહેરાઓની એન્ટ્રી થશે.
શિવાંગી અને મોહસીન શો છોડી રહ્યા છે ત્યારે નવા લીડ એક્ટર્સ કોણ હશે તેની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી ચાલી રહી છે. આવું જ એક નામ છે ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના હાર્ટથ્રોબ હર્ષદ ચોપડાનું. એક્ટરના ફેન તેને સ્ક્રીન પર જોવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો હર્ષદ ચોપડા ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં કાયરવના રોલમાં જોવા મળશે. અગાઉ નમિક પૌલનું નામ આ રોલ માટે ચર્ચામાં હતું. જોકે, હવે મેકર્સે હર્ષદ ચોપડાને ફાઈનલ કરી લીધો હોવાનું કહેવાઈ રહ્યું છે. શોના મેકર્સ કે હર્ષદ તરફથી આ અંગે હજી સુધી પુષ્ટિ કરવામાં આવી નથી.
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની વાર્તા હવે મોટા થઈ ગયેલા કાયરવ, અક્ષરા અને આરોહી સાથે આગળ વધવાની છે. અગાઉ એવા રિપોર્ટ્સ પણ આવ્યા હતા કે, એક્ટ્રેસ પ્રણાલી રાઠોડનો સંપર્ક આ શો માટે કરવામાં આવ્યો છે. એક્ટ્રેસે કહ્યું હતું કે, તેનો સંપર્ક મેકર્સે કર્યો છે પણ હજી તેણે અંતિમ નિર્ણય લીધો નથી.
