Not Set/ પોતાનું ઝાડ અને ધારાસભ્યો પોતે જ સાચવવા પડે

પોતાનું ઝાડ અને ધારાસભ્યો પોતે જ સાચવવા પડે

Mantavya Exclusive
WhatsApp Image 2021 03 20 at 6.31.30 PM 3 પોતાનું ઝાડ અને ધારાસભ્યો પોતે જ સાચવવા પડે
  1. સરકારી ઇજનેરી કોલેજમાં 50 ટકાથી વધુ જગ્યા ખાલી

 

વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય કનુ બારૈયાએ રાજ્યની સરકારી ઇજનેરી કોલેજોમાં મંજુર મહેકમ પૈકી ખાલી જગ્યાઓ મુદ્દે પ્રશ્ન કર્યો હતો. આ અંગે શિક્ષણમંત્રી એ લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારી ઇજનેરી કોલેજોમાં વર્ગ-1 નું મંજુર મહેકમ 534ની સામે 296 જગ્યા ખાલી છે. વર્ગ-2નું મંજુર મહેકમ 1467 ની સામે 139 અને વર્ગ-3ના મંજુર મહેકમ 488 સામે 278 જગ્યા ખાલી છે.

 

  1. પ્રશ્નોતરીકાળમાં અધ્યક્ષ આકરા પાણીએ

 

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામાન્ય રીતે અત્યંત ધીરજપૂર્વક અને મૃદુતાથી ગૃહનું તટસ્થતાથી સંચાલન કરતા હોય છે, પણ આજે અધ્યક્ષનો અલગ જ મિજાજ જોવા મળ્યો. પ્રશ્નોત્તરીકાળમાં બન્ને પક્ષના સભ્યો રાજકીય અવલોકનો સાથે પ્રશ્ન અને જવાબની રજૂઆત કરતા હોય, તેના કારણે પ્રશ્નોતરીના પ્રજાલક્ષી પ્રશ્નો માટે સમયનો અભાવ સર્જાતો હતો. અધ્યક્ષે બે દિવસ પહેલા જ જાહેરાત કરી કે વધુને વધુ પ્રશ્નો આવરી લેવાનો પ્રયાસ કરાશે અને આ માટે સભ્યો પ્રશ્નો ટૂંકાવશે અને મંત્રીઓ જવાબ ટૂંકાવશે. જેના પગલે અગાવ પ્રશ્નોતરીકાળમાં પાંચ-સાત પ્રશ્નો જ સમાવી શકાતા હતા તેના બદલે બે દિવસથી સમાવિષ્ટ પ્રશ્નોનો આંકડો 11-12 સુધી જઈ રહ્યો છે. કોંગ્રેસના સભ્યો લાંબા પ્રશ્નો કરી રહયા હતા ત્યારે આજે અધ્યક્ષે પ્રથમ વખત જ ઉંચા અવાજે સભ્યોને બેસી જવા આદેશ કર્યાં હતાં. બિનજરૂરી પ્રશ્નો અને લંબાણપૂર્વકના જવાબને અધ્યક્ષે સ્વયં દરમિયાનગીરી કરી અટકાવ્યા હતા.

 

  1. ધારાસભ્યોની ભરતી છ માસમાં, તો કોલેજોમાં ક્યારે

 

રાજ્યની સરકારી ઇજનેરી કોલેજોમાં મંજુર મહેકમ સામે ખાલી જગ્યા સંદર્ભના પ્રશ્ન પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલે પ્રશ્ન કર્યો કે, ધારાસભ્યનું અવસાન થાય કે ધારાસભ્ય પક્ષપલટો કરે તો તરત જ આપણે છ મહિનામાં ચૂંટણી પ્રક્રિયા સહિતની વ્યવસ્થા કરી જગ્યા ભરી લઈએ છીએ. સરકારી કોલેજોમાં અનેક જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે તો તેને ભરવા સરકાર કોઈ વ્યવસ્થા ગોઠવવા માગે છે કે કેમ?

 

  1. પોતાનું ઝાડ અને પોતાના ધારાસભ્યો પોતે જ સાચવવા પડે

 

ડાંગ અને નવસારી જિલ્લામાં પડી ગયેલા તથા સૂકા વૃક્ષો ના નિકાલથી સરકારને થયેલી આવક અંગે ધારાસભ્ય વજેસિંગ પણદાએ પ્રશ્ન કર્યો હતો. આ પ્રશ્નમા પેટા પ્રશ્ન પૂછવા કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ ઉભા થયા અને તેમણે ઉમેર્યું કે, તેમના ગામમાં લોકો ચંદનના ઝાડને 25 વર્ષ ઉછેરી બાદમાં કાપવા માટે પોલીસની પરવાનગી લેવા જાય છે. એ વખતે પોલીસ આવીને ઝાડ પર નિશાન કરી જાય છે અને બીજા દિવસે…આટલું બોલતા જ અધ્યક્ષે તેમને અટકાવ્યા હતા અને કહ્યું કે, પ્રશ્ન લાગુ નથી પડતો. પોતાના ઝાડનું ધ્યાન પોતે જ રાખવાનું હોય. 25 વર્ષ સાચવ્યું તો એક દિવસ પણ સાચવી લેવું જોઈએ. જોકે ભગાભાઈએ વાક્ય પૂરું કર્યું કે, બીજા દિવસે ચંદન ચોર ગેંગ આવીને ઝાડ કાપી જાય છે. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ હળવા સ્વરમાં કટાક્ષ કરતા કહ્યું, પોતાના ધારાસભ્યો નું ધ્યાન પણ પોતે જ રાખવું પડે, ઝાડ શુ… તેમના આ વાક્યથી ભાજપના સભ્યોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. જોકે તેમ છતાં ભગાભાઈએ બોલવાનું ચાલુ રાખતા પ્રથમ વખત જ અધ્યક્ષ ગૃહમાં ઊંચા અવાજે બોલ્યા હતા અને ભગાભાઈને બેસી જવાની સૂચના આપી પ્રશ્નોતરી આગળ ધપાવવા કહ્યું હતું.

 

  1. ગૃહમાં 20 વર્ષે કોંગ્રેસને પ્રોટેમ સ્પીકર પદ મળ્યું

 

અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભા અધ્યક્ષ બન્યા બાદ અનેક ફેરફાર કર્યા છે. ગૃહમાં સવારની બેઠકનો સમય 8 વાગ્યાથી બદલીને 10 વાગ્યાનો કરવાથી માંડીને ગૃહમાં મોબાઈલ વપરાશ અને પાણી પીવા સુધીની હળવાશ ધારાસભ્યોને કરી આપી છે. વિપક્ષના ધારાસભ્યોને પણ વાત રજૂ કરવાનો પૂરતો સમય આપીને અધ્યક્ષે અનેક વખત તેમની તટસ્થતા દર્શાવી છે, પણ આજે અધ્યક્ષે કરેલી અનોખી પહેલે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અધ્યક્ષે 12 વાગ્યે અચાનક જ પોતાના સ્થાન પર પ્રોટેમ સ્પીકર તરીકે કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારાને બેસાડતા સૌની આંખો પહોળી થઇ ગઇ હતી. સામાન્ય રીતે અધ્યક્ષ બહાર જાય ત્યારે શાસક પક્ષના સિનિયર નેતા જ તેમના સ્થાને બેસતા હોય છે પણ 20 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસના સભ્યને આ ખુરશી મળતા કોંગ્રેસીઓની છાવણીમાં આનંદ છવાઈ ગયો હતો.

 

  1. વિકાસ ક્યાંક ગોટે ચઢ્યો છે…

 

શ્રમ અને રોજગાર વિભાગની માગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરે કહ્યું કે, સરકારના રોજગારી અપાવ્યાના આંકડા અને વાસ્તવિકતા અલગ છે. ભાજપનું સૂત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ. પણ વિકાસ ક્યાંક ગોટે ચઢ્યો હોય તેવું લાગે છે, માટે સૂત્ર બદલી સૌનું કલ્યાણ કરવાની જરૂર છે.

 

  1. જીગ્નેશ મેવાણીને ગૃહમાં ન બોલવા દેવાયા

 

માગણીઓ પરની ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન શ્રમ અને રોજગાર મંત્રી બોલવા ઉભા થતા અચાનક જ અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ઉભા થયા હતા અને બે મિનિટ બોલવા દેવાની પરવાનગી અધ્યક્ષ પાસે માગી હતી. મેવાણીએ કાપ દરખાસ્ત રજૂ કરવાની પરવાનગી માગતા અધ્યક્ષે કહ્યું, કાપ દરખાસ્ત હોય એટલે બોલવું જરૂરી નથી અને ઉભા રહેવું પણ જરૂરી નથી, તમે બેસી જાવ. છતાં મેવાણીએ પોતાની વાત કહેવાનું ચાલુ રાખતા અધ્યક્ષે તેમને ટપાર્યા હતા અને કડક શબ્દોમાં કહ્યું કે, તમે સમજુ છો એવું હું માનુ છું, માટે તમે બેસી જાવ. બાદમાં મેવાણી બેસી ગયા હતા. મંત્રીનું વક્તવ્ય પૂર્ણ થયા બાદ મેવાણીને બોલવાની તક અપાતા તેમણે સર્કિટ હાઉસ અને એમએલએ કવાર્ટરમાં કામ કરનારા સુરક્ષકર્મીઓ અને સફાઈકર્મીઓને મિનિમમ વેજીસ નહિ મળતા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.