Gujarat Weather Update: ગુજરાતમાં હાલ હવામાનનો મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન છે, તો બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ભેજના પ્રમાણમાં વધારો થતાં આગામી દિવસોમાં વાતાવરણમાં વધુ પલટો જોવા મળી શકે છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આજે તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિત દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન પણ ફૂંકાઈ શકે છે, જેના કારણે સ્થાનિક સ્તરે તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાઈ શકે છે.
બીજી તરફ રાજ્યના મોટા ભાગના શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યાં મહત્તમ તાપમાન 42.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભાવનગરમાં 41.6, ગાંધીનગરમાં 41.5, સુરેન્દ્રનગરમાં 41.3 અને વડોદરામાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ ઉપરાંત અમરેલીમાં 40.1, રાજકોટમાં 40, ડીસામાં 39.4, કંડલામાં 38.6 અને ભુજમાં 38.2 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ભારે બફારો અને ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે. વાદળછાયા વાતાવરણ અને વધેલા ભેજને કારણે આગામી બે દિવસ સુધી ગરમી સાથે બફારામાં વધારો થવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાતોના અનુમાન પ્રમાણે 13 જૂન બાદ રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન વરસાદની શરૂઆત થવાની અને લોકોને ગરમીમાંથી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : નર્મદા નહેરોમાં 11 જૂનથી સિંચાઈનું પાણી છોડવાનો નિર્ણય
આ પણ વાંચો : અમદાવાદમાં સગીરને નગ્ન કરી દોડાવ્યો,જૂના ઝઘડાનો તાલિબાની બદલો
આ પણ વાંચો : સુરતના નાસીરનગર ‘ભૂતિયા ડિમોલિશન’ મામલે હંગામો
