Gandhinagar News : આગામી તહેવારો હોળી, ધૂળેટી અને રમઝાનને અનુલક્ષીને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યભરના પોલીસ કમિશનરો અને પોલીસ અધિક્ષકો સાથે વિડિયો કોન્ફરન્સ યોજી હતી. આ બેઠકમાં તહેવારો દરમિયાન રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યના નાગરિકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આજે તમામ પોલીસ કમિશનરશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સાથે એક વિડિઓ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો હોળી, ધૂળેટી અને રમજાનને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા શાંતિ અને સલામતીનું વાતાવરણ કાયમ રહે તે હેતુથી આ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
આ બેઠકમાં તહેવારો દરમિયાન સુરક્ષા અને શાંતિ જાળવવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ વિડિઓ કોન્ફરન્સમાં સ્થાનિક સ્તરે શાંતિ સમિતિઓ સાથે બેઠકો યોજી સમન્વય અને સહકાર સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ અપાઈ હતી. તે ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં વિવિધ સમુદાય સાથે સંવાદ સાધી જરૂરી તકેદારી રાખવા પણ જણાવાયું હતું.
રાજ્યના પોલીસ વ઼ડાએ વીડિયો કોન્ફરન્સમાં તાકીદ કરી હતી કે, ભીડભાડવાળી જગ્યાઓ અને ધાર્મિક સંસ્થાઓ પર જરૂરી બંદોબસ્ત રાખવો અને સંવેદનશીલ સ્થળોએ પૂરતી પોલીસ ફોર્સ મૂકીને સુરક્ષા વધારવી. ખોટી માહિતી અને અફવાઓને રોકવા માટે સ્થાનિક લેવલથી સોશિયલ મીડિયા મોનિટરિંગ રાખવા અને આવા કારણોસર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અસર ન પડે તે માટે સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવા પણ સૂચના આપવામાં આવી હતી.
શહેર ગ્રામ્ય વિસ્તારમાં નાકા પોઇન્ટ્સ પર સઘન વાહન ચેકીંગ કરવા તેમજ ભીડવાળા વિસ્તારોમાં ખાસ શી ટીમો તૈનાત કરી નિરીક્ષણ વધારવા અને સતત પેટ્રોલિંગ અને પોલીસ વાહનોની હાજરી દ્વારા લોકોમાં સુરક્ષાની ભાવના જાળવવા રાજ્યના પોલીસ વડાશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ અધિકારીઓને આ મુદ્દાઓના આધારે યોગ્ય આયોજન કરી, સંકલન સાધીને સલામતીના પગલાં લેવા તાકીદ કરી હતી. તહેવારોના સમયે રાજ્યમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે સુનિશ્વિત કરવા સૂચના આપવામા આવી હતી.
આ પણ વાંચો: સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર
આ પણ વાંચો: દાણચોરોએ મુંદ્રાના બદલે કંડલા પસંદ કરવા છતાં કસ્ટમ્સે સોપારીની દાણચોરી પકડી
આ પણ વાંચો: નાસિકમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલા ચોરોનો આતંક, 5 લાખનું સોનું અને કેળાની કરી ચોરી
