Not Set/ બાળકની યાદશક્તિ કઈ રીતે વધારવી ?

ચાણક્ય ઉર્ફે ‘ગુગલ બોય’ કે આરાધ્યા ઉર્ફે ‘વન્ડર ગર્લ’ એવા બે બાળકોના નામ છે કે જેના નામને કોઈ પરિચયની આવશ્યકતા નથી….

Health & Fitness Lifestyle

ચાણક્ય ઉર્ફે ‘ગુગલ બોય’ કે આરાધ્યા ઉર્ફે ‘વન્ડર ગર્લ’ એવા બે બાળકોના નામ છે કે જેના નામને કોઈ પરિચયની આવશ્યકતા નથી. આ નામ સાંભળતાની સાથે જ સૌની આંખમાં છ વર્ષની આસપાસના બાળકો આવી જાય છે કે જેમના વિડીયો કે ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયામાં પર ખૂબ ધૂમ મચાવી ચૂક્યા છે. તેનું કારણ છે તેમની અસાધારણ યાદશક્તિ. ચાણક્ય એ ગુગલ બોય છે કે જેણે વિશ્વભરના ભૌગોલિક સ્થળો તેના મનના નકશામાં ફીટ કરી દીધા છે. બે-ત્રણ વર્ષો પૂર્વે જ મોટાભાગની ન્યૂઝ ચેનલોમાં ચાણક્ય ચર્ચાનો વિષય બન્યો હતો. તો આરાધ્યાના વીડિયો એ પણ યુટ્યુબ પર ધૂમ મચાવી હતી. જોયા પછી દરેક માબાપને પોતાનાં બાળક તેના જેવા થાય તેવી મહેચ્છા થાય તે સ્વાભાવિક છે. પરંતુ બધા જ બાળકોની યાદશક્તિ તેના જેવી હોય તે અશક્ય છે. પરંતુ હા, બાળકની યાદશક્તિ કેમ વધારવી તે માતા-પિતાના હાથમાં જ છે. મારા માતૃત્વના તેમજ વ્યક્તિ વિકાસ કેન્દ્રના પ્રશિક્ષક હોવાના અનુભવના આધારે અહીં સૌપ્રથમ યાદ શક્તિ વધારવા માટે કેટલાક વાલીઓમાં ઉદ્ભવતા પ્રશ્નોને ઉદાહરણ દ્વારા સમજીએ.

Reading aloud to yourself may boost memory | Lifestyle News,The Indian  Express

મીની એક ચાર વર્ષની બાળકી છે હાલમાં જ નર્સરી પાસ કરીને જુનિયર કે.જી.માં આવી છે. એક વખત તેની પરીક્ષા પૂર્વે તેના પરિજનો રંગો યાદ ન રહેતા હોવાની ફરિયાદ કરતા હતા. ત્યારે પડોશમાં રહેતા હીનાબેને રંગોને બે-બે ની જોડીમાં ગોઠવી એક કવિતા બનાવી. એ જ પ્રકારની લઢણમાં તેને ગવડાવી જોઈ. એટલું જ નહીં ગાતી વખતે જે રંગોના નામ ઉચ્ચારવામાં આવે તેના પર આંગળી મૂકીને તેને બતાવતા ગયા. આ બાબત મીનીને ખૂબ જ ગમી. ત્રણ દિવસ સુધી રોજ એક બે વખત આ રીતે ગવડાવ્યા બાદ તેને તમામ રંગો યાદ રહી ગયા.

પિંકીના મમ્મીને તેની પુત્રીને સ્કૂલમાં અભ્યાસક્રમમાં આવતી વાર્તાઓના વાર્તાકથન માટે યાદ રખાવવામાં નાકે દમ આવી ગયો પરંતુ તેમને તેમાં સફળતા ન જ સાંપડી. આ સમસ્યા જાણ્યા બાદ તેના પાડોશમાં રહેતા શિક્ષકે પાડોશી ધર્મ બજાવ્યો, અને તેમની પાસે શીખવા માટે મોકલવા માટે જણાવ્યું. હાવભાવ સાથે પિંકી તેમની પાસે બે દિવસની અંદર ત્રણ વાર્તાઓ બોલતી થઈ ગઈ. એના માટે તે શિક્ષકે દરેક વાર્તાની દરેક લીટીમાં એક એક્શન બેસાડી હતી.તેઓ જે એક્શન કરે તે લાઈન ફટ દઈને બોલી જાય. આમ કરતાં તેને વાર્તા પાક્કી થઇ ગઈ.

બે વર્ષનો ચિન્ટુ આલ્ફાબેટ શીખે તે માટે તેની મમ્મીએ આલ્ફાબેટના ખાસ સાઈઝના બનાવેલા ફ્લેશકાર્ડ પર આલ્ફાબેટ લખ્યા હતા. તેમજ તેને શોધીને ટ્રેનની જેમ ગોઠવવા માટે જણાવ્યું હતું. આ રીતે એક અઠવાડિયામાં 26 માંથી 23 આલ્ફાબેટ ઓળખતો થઈ ગયો હતો. આ પ્રકારની પઝલ પણ બજારમાં મળતી હોય છે તેનો ઉપયોગ પણ કરી શકાય. બાળક માટે કંઈક સર્જનાત્મક કરવાથી તેનો વિકાસ વધારે સારો થાય છે.

Sponsor A Child In India | Children International | Sponsorship Program For  Kids From India | Child Sponsorship in Africa, India, South America, & USA

‘એક માતા સો શિક્ષકની ગરજ સારે’ની ઉક્તિ

સાકાર કરતા તમે પોતે જ તમારા બાળકની પ્રતિભાને ઓળખી સતત નવું પીરસતા રહો. અને તમારા આશ્ચર્ય વચ્ચે બાળકમાં તમને 100 ટકા ચમત્કાર જોવા મળશે. એ વાત યાદ રાખજો કે બાળકને કોઇ તાણ ન આવે તે રીતે રમતા-રમતા જ્ઞાનનું ઘડતર કરવું જોઈએ. તમારા બાળકને યાદ શક્તિ વધારવાના સોનેરી સૂચનો આ રહ્યાં…

*બાળકમાં યાદ શક્તિનો વિકાસ માતાના ગર્ભમાંથી જ થવા માંડે છે. એટલે જ તો મહાભારતમાં અર્જુન તેના પુત્ર અભિમન્યુને પત્ની ઉત્તરાના ગર્ભમાં હતા ત્યારે જ યુદ્ધ વેળાએ ‘ચક્રવ્યૂહ’માં પ્રવેશ કરવાની કળા શીખવી શક્યા હતા. માટે જ આપણી સંસ્કૃતિમાં ગર્ભ સંસ્કારનું મહત્વ છે. માટે બાળકને યાદ શક્તિ કેળવવાની શરૂઆત ગર્ભમાંથી જ થાય છે.

* જન્મ થયા બાદ સમયાંતરે બાળકનો વિકાસ યથાયોગ્ય થાય છે કે કેમ તેની ચકાસણી કરતા રહેવી જોઈએ. તેના માટે બાળક કેવો પ્રતિભાવ આપે છે તે નીરખતા રહેવું જોઈએ.

* બાળકને દિવસ તથા રાત્રે ઊંઘ વખતે હાલરડા કે ભજન સાંભળવાની ટેવ પાડવી જોઈએ. અહીંથી જ તેનો શબ્દ સાથેનો પ્રથમ પરિચય કેળવાતો હોય છે.

* બાળક ૧૦ મહિના આસપાસ ઘણું સમજતું થઈ જાય છે. આ સમયે તેની સાથે વાર્તાલાપ કરો. નાની-નાની વાર્તાઓ કહેવાનું શરૂ કરો અને બાળકના હાવભાવ નિહાળતા રહો.

* આ ઉપરાંત આવા જ સમયગાળા દરમિયાન નાના-નાના ‘બાળગીતો’ અને ‘જોડકણા’ ગાઈને સંભળાવો. ભલે તે પ્રતિસાદ ન પણ આપે પણ તે શ્રોતા તો છે જ. જે સાંભળશે… તે યાદ રાખશે અને… તે જ બોલશે…. આ ચક્ર ચાલતું હોય છે જેને યાદ રાખો.

* બાળકની સાથે માતા કે પિતા બેમાંથી એકે તો પુરતો સમય તેને આપવો જ રહ્યો કે જેથી તેની ગ્રહણશક્તિમાં વધારો થાય.

* બાળકને વારંવાર પ્રશ્ન પૂછો અને તેની સાથે યાદશક્તિ વધી શકે તેવી રમતો રમો.

* તમારું બાળક ‘જોનાર’ વર્ગમાં આવે છે કે ‘સાંભળનાર’ વર્ગમાં તેનું નિરીક્ષણ કરો. જોકે કેટલાક બાળકોમાં આ બંનેનું મિશ્રણ પણ હોઈ શકે છે.

* બાળકનો પ્રકાર ઓળખ્યા બાદ તેને અનુરૂપ રમકડા કે સાધનો વસાવવા કે જેથી બાળક તેનો ભરપૂર ઉપયોગ કરે.

* બાળક એક વર્ષનું થાય કે તુરંત જ તેને આસપાસના પ્રાણીઓ, પક્ષીઓ, ફળફળાદી, શાકભાજી, ફૂલો, વાહનો, રંગો, આકારો બધું જ પ્રત્યક્ષ બતાવીને પરિચય કરાવો. અને તેનું શબ્દભંડોળ વધારતા જાવ.

આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અનુસરવામાં આવે તો ખરેખર તમે પણ તમારા બાળકની અંદર માહિતીનો ભંડાર ભરી શકશો અને યાદ પણ રખાવી શકશો. હા, દરેક બાળકની બુદ્ધિ પ્રતિભા સમાન ન હોઈ શકે તે માટે ઉતાવળિયા ન બનતા ધીરજ રાખવી જરૂરી છે. એક સારા માતા-પિતા બનવાની તમારી જવાબદારી નિભાવતા રહો અને રોજ રોજ તેની પાસે નવું નવું નવી પદ્ધતિથી પીરસતા રહેવાથી ક્રમશઃ યાદ શક્તિ ચોક્કસ વધારી શકાય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…