Lifestyle: પનીર એક એવો ખાદ્યપદાર્થ છે જેને હૅલ્ધી ગણવામાં આવે છે. કેટલાક લોકોને પ્લેન પનીર ખાવું પસંદ હોતુ નથી. ભારતમાં ઠેકઠેકાણે પનીરની ભાત-ભાતની ડિશ બનાવીને લોકો ખાતા હોય છે પણ મહારાષ્ટ્ર્માં એક પનીરની એક વિશેષ વાનગી બને છે એને એનું નામ છે ઠેચા પનીર (Thecha Paneer)..!
દેશી મહારાષ્ટ્રીયન લોકપ્રિય વાનગી
મહારાષ્ટ્રમાં અનેકવિધ વાનગીઓ બને છે જે ભારતભરમાં પ્રખ્યાત છે જેમ કે, પૂરણપોળી, વડાપાઉં, મિસળપાઉં (Puranpoli, Vadapau, Misalpau) વગેરે…પણ પનીરની આ વાનગીની મજા જ કંઇક ઓર છે અને એ ફટાફટ બની જતી ડિશ છે! જો તમે સવારના નાસ્તા (Breakfast)માં સ્વાદ અને સ્વાસ્થ્યનો સંગમ ઇચ્છતા હો તો પ્રોટીન (Protein)થી ભરપૂર ઠેચા પનીર એક બહેતરીન વિકલ્પ છે.

ઘરે મહેમાન આવે તો પણ તમે એને સ્ટાર્ટર ડિશ (Starter Dish) તરીકે સર્વ કરી શકો છો. બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીથી માંડીને મલાઇકા અરોરા (Shilpa Shetty & Malaika Arora, Bollywood Actress) સુધીની અનેક સેલિબ્રિટી આ ઠેચા પનીરની રેસિપીને પસંદ કરે છે. તો ચાલો આ સ્પેશ્યલ રેસિપી (Recipe) બનાવવાની સામગ્રી અને વિધિ અંગે જોઇએ….
ઠેચા પનીર એક મસાલેદાર મરાઠી શૈલીની વાનગી છે જેમાં ભારતીય કોટેજ ચીઝ (Indian Cottage Cheese) એટલે કે પનીરને લીલા મરચાં, લસણ, મગફળી અને જીરું ભેળવીને બનાવેલી ચટણી સાથે મિક્સ કરવામાં આવે છે. આ ચટણીને ઠેચા તરીકે ઓળખવામાં આવે છે અને તેનાથી ગામઠી સ્વાદથી ભરપૂર મસ્ત દેશી પનીર બને છે જેને મોટાભાગે મહારાષ્ટ્રીયન ભાખરી (બાજરી, જુવાર કે ચોખાની બનેલી) અથવા તો રોટલી સાથે પીરસવામાં આવે છે.

વ્યસ્ત જીવનશૈલીમાં પોષણ લેવું જરુરી
આજની વ્યસ્ત જીવનશૈલીમાં કામધંધે જવાની ઉતાવળમાં મોટા ભાગના લોકો સવારનો બ્રેકફાસ્ટ યોગ્ય રીતે લઈ પણ શકતા નથી! વાસ્તવમાં બદલાઇ રહેલી જીવનશૈલી (Lifestyle) અને ભાગમભાગ ભર્યા જીવનમાં લોકો પાસે સમયની કમી હોય છે અને આથી ઘણા લોકો કશું પણ ખાધા વિના જ કામ પર નીકળી જાય છે. જો કે, સવારનું શિરામણ અર્થાત્ નાસ્તો કરવો એક સ્વસ્થ આદત છે. એનાથી તંદુરસ્તી જાળવવામાં સહાયતા મળી રહે છે. આખી રાતના ઉપવાસ પછી સવારમાં હૅલ્ધી બ્રેકફાસ્ટ (Breakfast) કરવાથી શરીરમાં એનર્જી (Energy)નો સંચાર થાય છે અને દિવસભર કામ કરવાની શક્તિ મળી રહે છે અને આખો દિવસ જળવાઇ પણ રહે છે. બાળકો અને વડીલો સૌને આ પનીરની વાનગી પસંદ પડશે.
શી રીતે બનાવશો ઠેચા પનીર (Thecha Paneer) વાનગી?
ઠેચા પનીર બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
200 ગ્રામ તાજું પનીર
8-10 લસણની કળીઓ
2-3 લીલા મરચાં
1 નાની વાડકી સીંગદાણા
1 વાડકી ડાળખા સહિત કોથમીર
1 ચમચી આખુ જીરું
સ્વાદાનુસાર મીઠું
જરુર પ્રમાણે લીંબુનો રસ
આવશ્યકતા અનુસાર સરસવનું તેલ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ 200 ગ્રામ જેટલું તાજુ પનીર (Paneer) લો અને એને જે રીતે પનીર ટિક્કામાં ટુકડા કરીએ એ શેપમાં, લાંબા ક્યુબ્સમાં સમારી લો.
2. હવે આ પનીરને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ પનીર કોટિંગની તૈયારી કરવી.
3. લસણ (Garlic)ની ફોલેલી 8 થી 10 કળીઓ, 2 મરચાં સમારી લો.
4. મગફળી (Peanut)ને શેકી લઇને એના ફોતરા ઉડાડી દો. આ ફોતરા વિનાની મગફળી અને ડાળખી સહિતની સમારેલી કોથમીર (Coriander)ને એક પ્લેટમાં તૈયાર કરીને મૂકો.
5. હવે એક પેનમાં 1 ચમચી સરસવનું તેલ ઉમેરીને ગરમ કરો. તેલ ગરમ થાય એટલે એમાં લસણની કળીઓ અને મરચાને હળવા સાંતળી લો.
6. ગૅસની ફ્લેમ બંધ કરીને એમાં સમારેલી કોથમીર ઉમેરો. આ તમામ વસ્તુને હલાવી લો અને આ મિશ્રણને મિક્સરમાં નાખીને એમાં શેકેલી મગફળી ઉમેરીને વાટી લો. સ્વાદાનુસાર મીઠું, જીરું ઉમેરો અને આ તમામ વસ્તુઓને દરદરું વાટી લો. જરુર જણાય તો 1-2 ચમચી પાણી ઉમેરવું.
7. જો તમારી પાસે ખલદસ્તો હોય તો એમાં વાટવું. થોડી મહેનત પડશે પણ સ્વાદ ગજબનો આવશે! આ તૈયાર મસાલાને બહાર કાઢીને પનીરવાળા બાઉલમાં ઉમેરો અને પનીરને સારી રીતે કોટિંગ કરી લો.
8. હવે આ મસાલામાં કોટ કરેલા પનીરને 10-15 મિનિટ મેરીનેટ થવા દેવું જેથી પનીરની ચારે તરફ મસાલો સારી રીતે લાગી જાય.
9. ગૅસ પર એક નૉનસ્ટિક પેન અથવા લોખંડની તાવડી મૂકીને એને સરસવના તેલ (Mustard Oil)થી ગ્રીસ કરી લો. હવે પનીરના ટુકડા ઉપર ગોઠવીને બંને તરફથી સારી રીતે શેકાવા દો.
10. પનીર ફેરવતા જઈને ગોલ્ડન રંગનું બને ત્યાં સુધી શેકાવા દો. હવે પ્લેટમાં કાઢી લો.
સર્વ કરતી વખતે એના પર થોડો લીંબુનો રસ ઉમેરો અને ગરમાગરમ ખાઓ…આ દેશી ઠેચા પનીર ખાવાનો આનંદ આવી જશે!
આ પણ વાંચો: શિયાળામાં ગોળને અવશ્ય તમારા ડાયેટમાં સામેલ કરો…સ્વાસ્થ્યને મળશે ઘણા લાભ…આ 5 રેસિપીથી!
આ પણ વાંચો: ચટપટું આમળાનું અથાણું, તેલ-મસાલા વગર આ હૅલ્ધી રીતે બનાવો…શિયાળામાં માટે છે સુપરફૂડ…
આ પણ વાંચો: આમળા કેન્ડીનો મુખવાસ, છે ઇમ્યૂનિટી વર્ધક…ઘરે બનાવવાની અત્યંત સરળ રેસિપી…
