Dharma/ અપ્રાપ્ત વસ્તુની ઇચ્છા નથી કરતો અને ન્યાયના માર્ગે મળેલી વસ્તુનો ઉપયોગ કરે છે તે મનુષ્ય સંતોષી કહેવાય

જે મનુષ્ય અપ્રાપ્ત વસ્તુની ઇચ્છા નથી કરતો અને ન્યાયના માર્ગે મળેલી વસ્તુનો ઉપયોગ કરે છે તે મનુષ્ય સંતોષી કહેવાય છે.

Religious Dharma & Bhakti
cm 9 અપ્રાપ્ત વસ્તુની ઇચ્છા નથી કરતો અને ન્યાયના માર્ગે મળેલી વસ્તુનો ઉપયોગ કરે છે તે મનુષ્ય સંતોષી કહેવાય

જે મનુષ્ય અપ્રાપ્ત વસ્તુની ઇચ્છા નથી કરતો અને ન્યાયના માર્ગે મળેલી વસ્તુનો ઉપયોગ કરે છે તે મનુષ્ય સંતોષી કહેવાય છે. સંતોષ જ પરમ ધન છે.

Image result for moksh

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, “જ્ઞાાનયોગનો સાધક ચાર સાધનોથી સંપન્ન હોવો જોઈએ.” આ ચાર સાધન છે- વિવેક, વૈરાગ્ય, ષટ્સંપત્તિ અને મુમુક્ષત્વ. ષટ્સંપત્તિ એટલે મન અને ઇન્દ્રિયોનો નિગ્રહ. રામાણયમાં મુમુક્ષ પ્રકરણમાં મોક્ષની ઇચ્છા રાખનાર સાધક માટે મુક્તિના દ્વારે લઈ જનારાં ચાર સાધનોનું વર્ણન આવે છે. શત, સંતોષ, સત્સંગ અને વિચાર એ ચાર સાધન મોક્ષના ચાર દ્વારપાળ છે.

01 શમઃ મોક્ષનો એક દ્વારપાળ શમ છે. શમ એટલે મનને રોકવું. જેની પાસે શમ છે તેને શાંતિ અનાયાસે જ મળે છે. ‘મન એવ મનુષ્યે કારણાત્’ બધાં જ દુઃખનું જડ એટલે મન. મન જ્યારે ખોટી જગ્યાએ જતું હોય ત્યારે તેને જોવું. તેની સાથે ભળી જઈ આપણે હસ્તાક્ષર ના કરવા. મનના દુરાગ્રહે સહમત ન થવું જોઈએ. મનને રોકવાથી વાસનાઓ ક્ષીણ થાય છે. જેમ જેમ ઇચ્છાઓને પ્રભુમાર્ગે ઢાળશું તેમ તેમ શાંત થતું જશે. મનની વૃત્તિ બદલાવો. વાસના તરફથી ખેંચી વાસુદેવ તરફ મનને વાળો. મનની શાંતિ અને હૃદયની પ્રસન્નતા પ્રાપ્ત થવાથી ઇન્દ્રિયો પણ શાંત થાય છે. જેને શાંતિ પ્રાપ્ત થાય છે એનું મન જગતનાં આકર્ષણોથી અથવા જગતના સારા-ખોટા વ્યવહારથી ચલિત થયું નથી. મનની શાંતિથી જેટલું સુખ મળે છે એટલું સુખ બીજા કશાથી મળતું નથી. જેને મનની શાંતિ પ્રાપ્ત થાય છે એ જગતમાં સૂર્યની જેમ પ્રકાશે છે. જેમ જેમ મન શાંત થાય છે તેમ તેમ એ પરમ પદમાં સ્થિર થતો જાય છે અને શીઘ્ર મોક્ષની પ્રાપ્તિ કરી લે છે. મનની શાંતિને પામેલા મહાપુરુષો શાંત ચિત્તે સહજ ભાવે વ્યવહાર કરે છે.

Image result for moksh

02 સત્સંગઃ સત્સંગથી મનુષ્યનું પરમ કલ્યાણ થાય છે. સત્સંગ જીવતા જ મુક્તિનો અનુભવ કરાવી શકે છે. સંત તુલસીદાસે સત્સંગ વિશે કહ્યું છે કે, “એક ઘડી આધી ઘડી આધી મેં પુની આધ,તુલસી સંગત સાધુ કી દૂર કરે કોટી અપરાધ.” સત્સંગમાં મહાપુરુષોના જીવનની કંઈક અદ્ભુત યુક્તિઓ મળી જાય છે. એના લીધે મનુષ્ય સદાચારના નિયમોનું પાલન કરીને ઉન્નત થતો જાય છે અને સત્ય સ્વરૂપ આત્માનું પણ જ્ઞાાન પામી શકે છે. સત્સંગ એવું મેઘધનુષ છે જેનાં કિરણો બધે જ રંગબેરંગી બનાવે છે, જેનું કેન્દ્ર ઈશ્વર છે. સત્સંગથી વિવેક અને બુદ્ધિરૂપી સૂર્યનો ઉદય થાય છે. જેનાથી અંતરનો અજ્ઞાાનાંધકાર દૂર થાય છે. મનને વશ કરીને માયાનું આવરણ દૂર થાય છે. મનને વશ કરીને માયાનું આવરણ દૂર કરવામાં સત્સંગ ઉત્તમ ઉપાય છે. સત્સંગ અને સંતનો સમાગમ એવી મજબૂત નૌકા સમાન છે કે જે જીવને સંસાર સાગરથી પાર કરીને શિવત્વમાં પહોંચાડી દે છે.

03 વિચારઃ આત્મ વિચારથી સત્ય જ્ઞાાનનું દર્શન થાય છે. વારંવાર વિચાર કરો કે ‘હું કોણ છું? જગત શું છે? ઈશ્વર શું છે?’આ પ્રકારના વિચાર કરવાથી અજ્ઞાાનનો નાશ થતાં બ્રહ્મજ્ઞાાનનો ઉદય થાય છે અને મુક્તિ પ્રાપ્ત થાય છે. આત્મવિચારથી જ ઉત્તમ સાધક અજ્ઞાાનરૂપી વાદળોને હટાવીને જ્ઞાાનસૂર્યનો પ્રકાશ પામી શકે છે. જન્મ-મરણનાં ચક્રથી છોડાવનારો મિત્ર વિચાર છે. આત્મવિચારથી અન્ય વિચારોને, વાસનાઓને, કલ્પનાઓને દૂર કરો અને દિવ્ય આનંદ તથા શાશ્વત શાંતિને પ્રાપ્ત કરો. આત્મવિચાર મોટાં મોટાં સંકટોમાં, ભયમાં, આપત્તિકાળમાં સહાયક સિદ્ધ થાય છે. આથી સદૈવ તેનું સેવન કરો અને આત્માનંદની પ્રાપ્તિ કરો. વિચારરૂપી ક્રાંતિ, મનોમંથનના મેદાનમાં લડાવશો તો મોક્ષ અને શાંતિરૂપી વિજયધ્વજ જરૂર લહેરાશે.

04 સંતોષઃ જે મનુષ્ય અપ્રાપ્ત વસ્તુની ઇચ્છા નથી કરતો અને ન્યાયના માર્ગે મળેલી વસ્તુનો ઉપયોગ કરે છે તે મનુષ્ય સંતોષી કહેવાય છે. સંતોષ જ પરમ ધન છે. સંતોષરૂપી ધનથી કલ્યાણ અને શાંતિ પ્રાપ્ત થાય છે. સંતોષી પુરુષને ભોગવાસના વધારનારાં સાધન-વૈભવની પરવા રહેતી નથી. એ સંતુષ્ટ નર બાહ્ય દૃષ્ટિએ ગરીબ હોય છતાં એ વિશ્વનો સમ્રાટ છે. જે કંઈ અનાયાસ આવી મળે એમાં જે સંતુષ્ટ રહે છે એને ચિંતા, લોભ, તૃષ્ણા સતાવતાં નથી, કારણ કે આ મહારોગોની ઉત્તમ ઔષધીરૂપ સંતોષ એની પાસે છે. આવા સંતોષી પુરુષનું ચિત્ત નિર્મળ થઈ જાય છે. એવા પુરુષનાં દર્શનમાત્રથી આનંદની પ્રાપ્તિ થાય છે. સંત કબીરે કહ્યું છે કે, “જો પાવે સંતોષધન, સબ ધન ધુરી સમાન.” સંતોષ અમૂલ્ય સુખ અને શાંતિ આપે છે.

Image result for moksh

મોક્ષના આ ચાર દ્વારપાળો સાથે મૈત્રી કરશો તો મોક્ષ મંદિરના દ્વાર ખોલી નાખશે અને તમને આત્મરાજ્યમાં પ્રવેશ અપાવશે. જે પુરુષ શાસ્ત્ર, ગુરુ અને સ્વાનુભાવની એકાત્મતા કરે છે એ આત્મસાક્ષાત્કાર કરી લે છે.

સંતોષ, આત્મવિચાર, સત્સંગ અને શમનું ખરા જ્ઞાાનથી પાલન કરવાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશની પરમાનંદ પ્રાપ્તિ થાય છે. જેના સાક્ષાત્ દાખલા આપણી સામે છે. મીરાંબાઈ, સંત તુલસીદાસ, નરસિંહ મહેતા, ગોરા કુંભાર, એકનાથ, જ્ઞાાનદેવ, સંત નામદેવ,શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, ગુરુનાનક, સંત કબીર, સંત સૂરદાસ આવા અસંખ્ય માનવો મોક્ષ પામ્યા. એમનાં જીવન ચરિત્રોમાંથી પ્રેરણા લઈ આપણે મોક્ષના ચાર દ્વારપાળને અંતઃકરણપૂર્વક જગાડવા જોઈએ.

આ પણ વાંચો:છેલ્લી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવીને શ્રેણી પણ જીતી,વિરાટ અને સૂર્યકુમારની વિસ્ફોટક ઇનિંગ્સ

આ પણ વાંચો:અજય માકન રાજસ્થાનના ધારાસભ્યો સાથે વન ટુ વન વાત કરશે,સોનિયા ગાંધીએ આપ્યા નિર્દેશ

આ પણ વાંચો: પિતા કરી શકે છે દીકરી સાથે લગ્ન, અહીં મહિલાઓ માટે છે ખૂબ જ ભયાનક કાયદો