IAF Wing Commander Arrested: દિલ્હી પોલીસે ભારતીય વાયુસેનાના એક વિંગ કમાન્ડરની(IAF Wing Commander) આશરે બે મહિના પહેલાં ધરપકડ કરી હતી. તેમના પર સંવેદનશીલ સંરક્ષણ માહિતી કથિત રીતે શેર કરવાનો આરોપ છે. અધિકારી સામે સત્તાવાર ગુપ્ત માહિતી અધિનિયમ (Official Secrets Act) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને હાલ તેઓ ન્યાયિક હિરાસતમાં છે.
દિલ્હી પોલીસને શંકા છે કે આ મામલો માત્ર એક અધિકારી સુધી સીમિત નથી. તપાસમાં સંરક્ષણ અને સુરક્ષા સંબંધિત વ્યૂહાત્મક માહિતી મેળવવા માટે સક્રિય મોટા જાસૂસી નેટવર્કની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર મહિલાએ અધિકારીનો વિશ્વાસ જીત્યો
તપાસમાં સામે આવ્યું છે કે વિંગ કમાન્ડર પોતાના અંગત જીવનમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા મારફતે તેમની એક મહિલા સાથે વાતચીત શરૂ થઈ હતી. ધીમે ધીમે બંને વચ્ચેની વાતચીત વીડિયો કૉલ સુધી પહોંચી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલાએ પહેલા અધિકારીનો વિશ્વાસ જીત્યો અને ત્યારબાદ તેમની પાસેથી સૈન્ય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી માહિતી માંગવાનું શરૂ કર્યું. આરોપ છે કે વિંગ કમાન્ડરે સૈન્યની વિવિધ એકમોની અવરજવર, તહેનાતી અને અન્ય સંવેદનશીલ વિગતો મહિલા સાથે શેર કરી હતી.
પોલીસને શંકા છે કે આ મહિલા પાકિસ્તાની ગુપ્તચર તંત્ર માટે કામ કરતી હોઈ શકે છે અને અધિકારીને કથિત રીતે હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા હતા.

સંવેદનશીલ ફોટા, વીડિયો અને દસ્તાવેજો માંગ્યા હોવાનો આરોપ
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, મહિલાએ અધિકારીને સૈન્ય એકમોની તહેનાતી અને અવરજવર સાથે જોડાયેલા ફોટા, વીડિયો અને દસ્તાવેજો મોકલવા માટે કહ્યું હતું. આ ઉપરાંત તપાસમાં વધુ એક ગંભીર બાબત સામે આવી છે. મહિલાએ કથિત રીતે વિંગ કમાન્ડરને(IAF Wing Commander) તેમના એક સાથીદારના મોબાઇલ ફોનમાં એક ખાસ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે પણ કહ્યું હતું. તપાસ એજન્સીઓને શંકા છે કે આ એપ્લિકેશન જાસૂસી માટેના સોફ્ટવેર અથવા મોબાઇલમાં દૂરથી પ્રવેશ મેળવતા હાનિકારક સોફ્ટવેર સાથે જોડાયેલી હોઈ શકે છે. તેના દ્વારા માહિતી ચોરી, સ્થાનની જાણકારી મેળવવા અથવા વાતચીત પર નજર રાખવાનો પ્રયાસ થઈ શકે છે.
આથી તપાસનો એક મહત્વપૂર્ણ ભાગ એ પણ છે કે શું અન્ય સંરક્ષણ કર્મચારીઓના મોબાઇલ અને માહિતી સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ સાથે જોડાણની શંકા
દિલ્હી પોલીસને શંકા છે કે સોશિયલ મીડિયા પર અધિકારીના સંપર્કમાં આવેલી મહિલા પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સના નિર્દેશો હેઠળ કામ કરતી હોઈ શકે છે.તપાસ એજન્સીઓ આ સમગ્ર મામલાને મોટા કથિત હની-ટ્રેપ નેટવર્ક સાથે જોડીને પણ તપાસી રહી છે. જોકે આ તમામ બાબતો અંગે તપાસ હજુ ચાલુ છે.
31 મેના રોજ IAF Wing Commanderની ધરપકડ
ભારતીય વાયુસેનાની ગુપ્તચર શાખા તરફથી મળેલી ચોક્કસ માહિતીના આધારે દિલ્હી પોલીસે કાર્યવાહી કરી હતી. ત્યારબાદ 31 મે, 2026ની રાત્રે વિંગ કમાન્ડરની (IAF Wing Commander) ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા હતા.
હાલ તિહાડ જેલમાં છે અધિકારી
હાલ આરોપી વિંગ કમાન્ડર (IAF Wing Commander)તિહાડ જેલમાં ન્યાયિક હિરાસતમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ કેસમાં પોલીસ હવે ડિજિટલ પુરાવાઓ અને વાતચીતની વિગતોની તપાસ કરી રહી છે. અધિકારી અને મહિલાએ કયા માધ્યમથી વાતચીત કરી, બંને વચ્ચે કેટલી માહિતીની આપ-લે થઈ અને આ માહિતી આગળ કોના સુધી પહોંચી તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સાથે જ તપાસ એજન્સીઓ એ પણ તપાસી રહી છે કે કથિત રીતે શેર કરવામાં આવેલી માહિતી કેટલી સંવેદનશીલ હતી અને તેનાથી દેશની સુરક્ષા સામે કોઈ ગંભીર જોખમ ઊભું થયું હતું કે નહીં. આ કેસની તપાસ આગળ વધતા કથિત જાસૂસી નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં અને સંરક્ષણ સંબંધિત માહિતી ક્યાં સુધી પહોંચી છે, તે અંગે વધુ વિગતો સામે આવી શકે છે.
આ પણ વાંચો: કાવતરા ઘડીને નરવણેનું અપ્રકાશિત પુસ્તક લીક કરાયું, દિલ્હી પોલીસે ષડયંત્રની FIR નોંધાવી!
આ પણ વાંચો:દિલ્હી પોલીસે કર્યો મોટો આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ, 8 શંકાસ્પદોની ધરપકડ
આ પણ વાંચો: NEET પેપર લીક કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની પ્રથમ સુનાવણી અટકી, CBIના વકીલ હાજર ન રહેતા કાર્યવાહી ટળી
