Gandhinagar News: ગાંધીનગરના દહેગામમાં રોગચાળાની સ્થિતિ વકરી રહી હોવાનું સામે આવ્યું છે. દહેગામમાં 20 થી વધુ લોકો ઉલ્ટી અને ઝાડાથી પીડાઈ રહ્યા છે. ત્રણ લોકોના કોલેરાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. દહેગામ અર્બન વિસ્તાર, ચિલોડા – શિહોલી મોટી, ઉપરાંત રામદેવપુરાવાસ કલોલ અને નવા વણકરવાસ પેથાપુરમાં કોલેરાના કેસ મળતા જિલ્લા કલેકટર મેહુલ દવેએ તાત્કાલિક અસરથી ગામના 2 કિલોમીટરના વિસ્તારને ત્રણ મહિના માટે કોલેરાગ્રસ્ત જાહેર કર્યો હતો.
ગાંધીનગર જિલ્લા કલેકટરે રૂબરૂ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ દર્દીઓ અને તેમના પરિવારજનોની સારવારની સુવિધાઓ અંગે પૂછપરછ કરી હતી અને દર્દીઓના પરિવારજનોએ હોસ્પિટલની સુવિધાઓ અને સારવાર અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. જેના પગલે તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી જરૃરી કાર્યવાહી હાથ ધરાઈ હતી.
સામાન્ય રીતે પીવાના પાણી સાથે ગટરના કે અન્ય દૂષિત પાણી ભળી જતા કોલેરાને કેસ નોધાતા હોય છે. એક સાથે 6 થી વધુ વિસ્તારોમાં કોલેરાના કેસ જોવા મળતા સર્વેલન્સની કામગીરી શરુ કરવામાં આવી છે અને દુષિત પાણી અંગેની પણ તપાસ શરુ કરવામાં આવી છે.
વહીવટી તંત્રએ સાવચેતીના પગલારૂપે કલોલમાં એક અને દહેગામમાં બે આઈસ ફેક્ટરી તાત્કાલિક અસરથી બંધ કરી દીધી છે. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ ગઈકાલથી કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય તે માટે સખત મહેનત કરી રહી છે અને જરૂર પડ્યે શુદ્ધ પાણી અથવા ઉકાળેલા પાણીનો ઉપયોગ કરીને કોલેરાથી કેવી રીતે બચી શકાય તે અંગે લોકોને જાગૃત કરી રહી છે.
અગાઉ 30 ડિસેમ્બરે પણ ગાંધીનગર જીલ્લા કલેકટર દ્રારા તાત્કાલિક જાહેરનામુ બહાર પાડીને કલોલના અનેક ગામ, ઉવારસદ, કર્ણાવતી વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા હતા અને 20થી વધુ આરોગ્ય ટીમો દ્વારા ઘરે ઘરે ફરીને લોકોના આરોગ્યની ચકાસણી પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે ગેમઝોનના માલિકોની વધુ એક કરતૂતનો પર્દાફાશ
આ પણ વાંચો: આજથી ગાંધીનગરમાં વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનો પ્રારંભ
આ પણ વાંચો: સિદ્ધપુર હાઇવે પર ટ્રેલરમાં આગ, જાનહાનિ ટળી
