કચ્છ,
કચ્છના 13 જેટલા માલધારી પરિવારો 80થી વધુ લોકો અને 1200 જેટલી ગાયો સાથે થોડા દિવસો પૂર્વે મદદની આશામાં રાજકોટ આવી પહોંચ્યા હતા.
શહેરના જામનગર રોડ પરના ન્યારા ગામ ખાતે તમામને માલઢોર સાથે રહેવા માટેની સગવડ કરી આપવામાં આવી હતી.કચ્છથી હિજરત કરીને આવેલા આ પરિવારોને સામાજીક સંસ્થા ઘાસચારો આપીને મદદ કરવામાં આવી છે.
કચ્છી માલધારીઓએ સરકારને પોકાર કરતા જણાવ્યું છે કે, કાં તો સરકાર મદદ કરે, ન કરે તો આપઘાત કરવાની તૈયારી છે રમેશભાઈ નામના માલધારીના જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણેક મહિનાથી કચ્છના માલધારીઓની પરિસ્થિતિ વિકટ છે. હવે એક દિવસ પણ જીવવું મુશ્કેલ બની ગયું છે.
પોતાના બાળકોને આપવા માટે પણ તેમની પાસે ખોરાક નથી. એવામાં 1200 માલઢોરનું પાલન કરવું અશક્ય છે. ત્યારે આવા કપરા સમયમાં સરકાર કોઈ મદદ નહીં કરે તો મરવા સિવાયનો કોઈ વિકલ્પ બચ્યો નથી.
પોતાની જેમ જ અન્ય હજારો માલધારીઓ રાજ્યના જુદા જુદા ભાગોમાં પહોંચ્યા છે. અને તેઓ પણ સરકાર પાસે મદદ મળવાની છેલ્લી આશા લઈને જીવી રહ્યા હોવાનું પણ તેમણે કહ્યું હતું.સરકાર ખેડૂતો અને માલધારીઓને સહાય આપવામાં આવી હોવાના બણગા ફૂંકી રહી છે. પરંતુ આવી કોઈપણ મદદ પોતાના સુધી પહોંચી હોવાનો આ માલધારીઓએ સ્પષ્ટ શબ્દોમાં ઈન્કાર કર્યો હતો.
