Surat News: પાણી ન ભરાયા હોત તો મારો પુત્ર જીવતો હોત, આ શબ્દો છે એક પિતાના જેમણે ભરાયેલા પાણીના લીધે પોતાનો પુત્ર ગુમાવ્યો છે. આ ઘટના સુરતના લિંબાયતના કમરુનગરની છે. માતા સાથે સુતેલું બે વર્ષનું બાળક કોઈની જાણ બહાર જ ઉઠીને જતું રહ્યું હતું. તેના પછી પરિવારે શોધખોળ કરતાં તે ઘરના ફળિયામાં ભરાયેલા ચારથી પાંચ ફૂટ પાણીમાંથી બાળક મળ્યું હતું.
તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાતાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. સુરતમાં રવિવારથી શરૂ થયેલા અનરાધાર વરસાદમાં અત્યારસુધીમાં બેનાં પાણીમાં ડૂબી જવાથી મોત થયાં છે, જ્યારે બે યુવકનો છેલ્લા બે દિવસથી પાણીમાં ગુમ થયા બાદ પત્તો લાગ્યો નથી.
લિંબાયત વિસ્તારમાં આવેલા કમરુનગર આવાસમાં નઝીમ ખાન પરિવાર સાથે રહે છે. પરિવારમાં માતા-પિતા, પત્ની, બે દીકરા અને એક દીકરી છે. પૈકી સૌથી નાનો દીકરો અલ્ફાઝ ખાન 23 મહિનાનો હતો. નઝીમ ખાન મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. ગતરોજ સાંજના સમયે પૂરની સ્થિતિને પગલે લાઈટ ન હોવાથી ઘરમાં અંધારું હતું. એ સમયે તેની પત્નીના પડખામાં સૂતેલો બે વર્ષનો પુત્ર અલ્ફાઝ ક્યારે ઊઠીને જતો રહ્યો એ કોઈને જાણ નહોતી.
પૌત્ર ન દેખાતાં દાદીએ જ્યારે પૂછ્યા બાદ તમામ પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. એમાં દાદી નીચે ઊતરતાં એક બાળક પાણીમાં પડ્યું હોવાનું જણાતાં તેને બહાર કાઢતાં તેનો જ પૌત્ર અલ્ફાઝ હોવાનું સામે આવ્યું હતું. દાદીની બૂમાબૂમથી આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને સામે જ આવેલા એક દવાખાનામાં તેને લઈ જવામાં આવ્યો હતો. જોકે તબીબે તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ પરિવાર બાળકને લઈને સ્મિમેર હોસ્પિટલ દોડીને પહોંચ્યું હતું. ત્યાં પણ બાળકને તપાસીને બાળકનું મોત થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું.
પિતાએ ભારે હૈયે ડોક્ટરોને આજીજી કરી હતી કે તમે મારી સામે એકવાર તપાસ કરી લો, મારો દીકરો જીવતો તો નથી ને? ત્યાર બાદ તબીબે તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ સાથે જ તંત્ર સામે પોતાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો.
આ મામલે નઝીમ ખાને જણાવ્યું હતું કે છેલ્લા પાંચ દિવસથી કમરુનગર પાણીમાં ડૂબેલું છે, ખૂબ જ કપરી પરિસ્થિતિમાં દિવસો કાપી રહ્યા છીએ. તંત્ર માત્ર આવીને જોઈને જતું રહે છે, પણ કોઈ મદદ કરતું નથી. છેલ્લા પાંચ દિવસથી લાઈટ પણ જતી રહી છે.
આ પણ વાંચો: મુંબઈથી ઈરાન મોકલવામાં આવેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહીને 9.76 લાખની છેતરપિંડી
આ પણ વાંચો: બનાસ ડેરી રૂ. 250 કરોડના ખર્ચે પાંચ બાયો CNG પ્લાન્ટ સ્થાપશે
આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કેસોમાં ઉછાળો, એક જ દિવસમાં 14 કેસ વધ્યા
આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસને લઈ કેન્દ્રના નિષ્ણાતોની ટીમના ગુજરાતમાં ધામા
