ચૂંટણી પંચે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં મત મામલે ફરિયાદ નોંધાવી છે. વાસ્તવમાં આ ફરિયાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક મેસેજને લઈને કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે “ચૂંટણી પંચ દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે કે જે નાગરિક મતદાન નહીં કરે તેના બેંક ખાતામાંથી 350 રૂપિયા કાપવામાં આવશે.” ચૂંટણી પંચની ફરિયાદ પર દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સાયબર યુનિટે મામલાની તપાસ શરૂ કરી દીધી છે,”જો તમે વોટ નહીં કરો તો તમારા બેંક ખાતામાંથી 350 રૂપિયા કપાશે”
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને આપવામાં આવેલી ફરિયાદમાં ચૂંટણી પંચ તરફથી કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા વોટ્સએપ પર એક ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે, જેના હેડિંગમાં લખ્યું છે કે જો વોટ નહીં આપવામાં આવે તો બેંક એકાઉન્ટ 350 રૂપિયાનું કમિશન કપાશે. ચૂંટણી પંચનું કહેવું છે કે આ મેસેજ એકદમ ફેક છે અને તે અંગે ચૂંટણી પંચના પ્રવક્તાએ સ્પષ્ટતા પણ કરી છે.
ચૂંટણી પંચે દિલ્હી પોલીસને આપેલી ફરિયાદમાં તેમણે આરોપીને જલ્દી પકડવાની અને આ મેસેજ ફરતા કરવા પાછળનો હેતુ શોધવાની વિનંતી કરી છે. ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે, આવી સ્થિતિમાં ચૂંટણી પંચે પણ આવા મેસેજ વાયરલ થવાને ગંભીરતાથી લીધો છે, ત્યારબાદ દિલ્હી પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે
