Ilaben Bhatt/ મહિલાઓના ‘વર્ક ફ્રોમ હોમ’ કન્સેપ્ટને સન્માન અપાવતા ઇલાબેન ભટ્ટ

‘વર્ક ફ્રોમ હોમ’ કે રિમોટ વર્કિંગ આજના મોબાઇલ યુગની નવી લાક્ષણિકતા માનવામાં આવે છે. આ સંજોગોમાં જ્યારે કોઈએ વર્ષો પહેલા તેના અંગે વિઝન કે દીર્ઘદ્રષ્ટિ દાખવી હોય તેના અંગે શું કહેવું. હા, આજે વાત થાય છે મહિલાઓની ઘરે થતી એટલે કે ‘વર્ક ફ્રોમ હોમ’ કે રિમોટ વર્કિંગની મહેનતને નામના, વળતર તથા સન્માન અપનાવનાર મહિલા ઇલાબેન ભટ્ટની

Top Stories Gujarat
Ilabhen bhatt 1 મહિલાઓના 'વર્ક ફ્રોમ હોમ' કન્સેપ્ટને સન્માન અપાવતા ઇલાબેન ભટ્ટ
  • મહિલાઓના હુન્નરને બજાર શોધી પહોંચાડવાની સિદ્ધિ મેળવી
  • ઇલાબેને બનાવેલી સેવા સંસ્થાના આજે વીસ લાખથી પણ વધુ સભ્યો
  • વડાપ્રધાન મોદીનો સ્વસહાય જૂથોની પરિકલ્પના ઇલાબેનના જ સ્વસહાય જૂથનું મોડેલ

‘વર્ક ફ્રોમ હોમ’ (Work from Home) કે રિમોટ વર્કિંગ (Remote working) આજના મોબાઇલ યુગની નવી લાક્ષણિકતા માનવામાં આવે છે. આ સંજોગોમાં જ્યારે કોઈએ વર્ષો પહેલા તેના અંગે વિઝન કે દીર્ઘદ્રષ્ટિ દાખવી હોય તેના અંગે શું કહેવું. હા, આજે વાત થાય છે મહિલાઓની ઘરે થતી એટલે કે ‘વર્ક ફ્રોમ હોમ’ કે રિમોટ વર્કિંગની મહેનતને નામના, વળતર તથા સન્માન અપનાવનાર મહિલા ઇલાબેન ભટ્ટ(Ilaben Bhatt)ની, જેમનું આજે 89 વર્ષની વયે નિધન થયું છે.

આજે ‘વર્ક ફ્રોમ હોમ’ કે રિમોટ વર્કિંગની બોલબાલા છે, પણ મહિલાઓ તો વર્ષોથી ‘વર્ક ફ્રોમ હોમ’ કે રિમોટ વર્કિંગ કરતી આવી છે. તેમની આ કલા તેમના જ કુટુંબની અંદર પૂરી થઈને રહી જતી હતી. તેના પર ધ્યાન પડ્યું દીર્ઘદ્રષ્ટા ઇલાબેન ભટ્ટનું. તેમણે મહિલાઓની આ ‘વર્ક ફ્રોમ હોમ’ મહેનતને વળતર અપાવવાનું બીડું ઉપાડ્યુ. તેના પરિણામે આકાર લીધો હાલમાં વટવૃક્ષ બની ગયેલી સેવા સંસ્થાઓ. આ વટવૃક્ષ સમાન સેવા સંસ્થાના આજે વીસ લાખથી વધુ સભ્યો છે.

ela bhatt 1200 મહિલાઓના 'વર્ક ફ્રોમ હોમ' કન્સેપ્ટને સન્માન અપાવતા ઇલાબેન ભટ્ટ

આજીવન લડવૈયા ઇલાબેન

ઇલાબેન ભટ્ટ જાણતા હતા કે દરેક વર્ગની મહિલાઓ એવો ઘણો કસબ જાણે છે જેનું તેમને કોઈ મળતર મળતું નથી. તેથી જો તેમના આ કસબને બજાર (Market) સાથે જોડવામાં આવે તો તેઓ આર્થિક રીતે પગભર થાય, તેમને સન્માન મળે અને તેમના કસબનો લાભ પણ બજારને મળે. અહીં તેમણે પોતાના ગાંધીવાદી અભિગમની મદદથી મહિલાઓનું સ્વસહાય જૂથ બનાવ્યું.

આજે વડાપ્રધાન મોદી (Modi) જેને પ્રોત્સાહન આપી રહ્યા છે તેવા મહિલા સ્વસહાયર જૂથો તેમણે પોતે મહેનત કરીને અને મહિલાઓને સમજાવીને બનાવ્યા. આજે પણ મહિલાઓને બહાર નીકળવા સંઘર્ષ કરવો પડી રહ્યો છે ત્યારે તે સમયે આ કામ કેટલું કઠણ હશે તે તેમની મહેનત પરથી સમજાય છે. આજની જેમ તે સમયે ઇ-કોમર્સ ન હતુ, જેની મદદથી ઘરે બેસીને બજાર સાથે સંપર્ક સાધી શકાય. તે સમયે બજાર સાથે જોડાણ કરવા સંગઠન જરૂરી હોવાનું ઇલાબેન પામી ગયા હતા. આજે પણ મહિલાઓની નાણાકીય સ્વતંત્રતા અંગે સંઘર્ષ જોવા મળે છે, ત્યારે ઇલાબેને તે સમયે મહિલાઓની નાણાકીય સ્વતંત્રતા અંગે વિચાર્યુ હતુ.

ગાંધીવાદી સંસ્કારના લીધે સેવાનો ભાવ નાનપણથી કેળવાયો

સેવાને સાધ્ય અને જ્ઞાનને આરાધ્ય માનતા ઇલાબેનના માતાપિતા સુશિક્ષિત હોવાથી કુટુંબમાં નાનપણથી જ સંસ્કારિતા, શિક્ષણ અને જાગૃતિનો મનોભાવ કેળવાયેલો હતો. તેમણે સુરતની એમટીબી કોલેજમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેના પછી અમદાવાદમાં કાયદાની વિદ્યાશાખામાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેના પગલે તેઓ મહિલાઓને લગતા કાયદાઓના વિશેષ જાણકાર હતા. આ જ સમયથી તેમના મનમાં મહિલાઓની સ્થિતિ સુધારવાની વાત મનમાં ઘોળાતી હતી.

પ્રારંભમાં એસએનડીટી મહિલા યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે નોકરી પછી તેઓ ટેક્સ્ટાઇલ લેબર એસોસિયેશનમાં જોડાયા હતા. આ નોકરી તેમને તેમના જીવનના અંતિમ ધ્યેય સુધી દોરી જવામાં નિમિત્ત થઈ હતી. ટેક્સ્ટાઇલ લેબરના માધ્યમથી તેઓ મજૂરોના પ્રશ્નો અને તેની સાથે મહિલાઓના પ્રશ્નોને લઈને સારી રીતે વાકેફ થયા હતા. તેના પગલે તેમણે લેબર એસોસિયેશનના માધ્યમથી જ સેલ્ફ એમ્પ્લોય્ડ વુમન એસોસિયેશન (સેવા)ની સ્થાપના કરી.

મહિલાઓ માટે આખી જિંદગી સંઘર્ષ કર્યો

ઘરે બેસીને રોજગારી ઇચ્છતી અને હુન્નર જાણતી મહિલાઓને કામ મળે અને સન્માનજનક આવક મળે તે માટે સેવાના માધ્યમથી ઇલા ભટ્ટની વિઝનરી નજર હેઠળ અનેક પ્રોજેક્ટ કાર્યરત છે. આજે તેમની પહેલના લીધે લાખો મહિલાઓને લાભ થયો છે. તેમના પ્રોજેટ્સની નોંધ વિશ્વસ્તરે લેવાઈ છે અને મહિલા ઉત્થાન માટે કામ થઈ રહ્યું છે.

ઇલા ભટ્ટે વિશ્વ મહિલા બેન્ક, વીમેન્સ વર્લ્ડ સમિટ ફાઉન્ડેશન, આયોજન પંચ અને રાજ્યસભામાં પણ પોતાની સેવાઓ આપી છે. તેમના વિઝનના લીધે તેમને યેલ, હાર્વર્ડ, નાતાલ અને સયાજીરાવ ગાયકવાડ જેવી યુનિવર્સિટીઓએ માનદ ડોક્ટરેટની પદવી પ્રદાન કરી છે.