મંતવ્ય ઇમ્પેક્ટ/ ગાંધીનગર મ્યુનિ. ને હાઇકોર્ટે ફટકારી નોટિસ

મંતવ્ય વેબમાં અમે 21/02/2022 ના રોજ સાબરમતીમાં ઠલવાતા ગંદા પાણી અંગે હાઇકોર્ટે કાઢેલી ઝાટકણીના મથાળા હેઠળ પ્રસિદ્ધ થયેલાં સમાચારમાં જણાવ્યું હતું કે, ‘આ બાબતમાં ગાંધીનગર મ્યુનિ. અને ગુડાને પણ સાંકળવા જેવા છે, કેમ કે ગાંધીનગરની હદમાંથી પણ ગટરનું ગંદુપાણી ટ્રીટ કર્યા વગર જ ઠલવાય છે’, હવે હાઇકોર્ટે ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનને પણ પક્ષકાર બનાવી રિપોર્ટ કરવા આદેશ કર્યો છે.

Ahmedabad Gujarat Mantavya Exclusive
હાઇકોર્ટે

@પ્રફુલ્લ ત્રિવેદી 

ગુજરાત હાઇકોર્ટે સૂઓમોટો કરી સાબરમતી નદીમાં રોજેરોજ ઠલવાતા ગંદા પાણીના પ્રશ્ને લાલ આંખ કરી છે. પર્યાવરણની રખેવાળીની દ્રષ્ટિએ આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે. હમણાં ખનીજ ચોરીના કેસમાં મદ્રાસ હાઇકોર્ટે પણ કહ્યું હતું કે, ‘બીજો ગ્રહ શોધવા કરતાં આ પૃથ્વીને જ જીવવા જેવી રહેવા દો’. નાણાંની બિભત્સભૂખમાં પર્યાવરણને નુકશાન પહોંચાડનાર માટે આ શબ્દો છાતી સોંસરવા નીકળી જાય તેવા છે. હાઇકોર્ટ આદેશ કરે તે પછીય તેનો અમલ કરનાર ભ્રષ્ટ અને બિનસંવેદનશીલ તંત્રો કેટલાં ઉણા ઉતરે છે, તે આપણો સૌ કોઈનો કાયમી અનુભવ છે.

સાબરમતીને સ્વચ્છ બનાવવા કેન્દ્ર સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે. ગટરનું ગંદુ પાણી ટ્રીટ કર્યા વગર નદી કે તળાવ જેવા કોઈ પણ જળસ્ત્રોતમાં છોડી ના શકાય તેવો કડક કાયદો છે, પરંતુ મ્યુનિ.ના નિભંર અધિકારીઓ અને એન્જિનિયરો તેનું લેશમાત્ર પાલન કરતાં નથી, કાયદાનું કોઈ અસ્તિત્વ જ ના હોય તેવી બેજવાબદાર સ્થિતિ પ્રવર્તે છે. આ બાબતની દેખરેખ રાખવા બેસાડેલા ‘ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ’ પણ તદ્દન બિનઅસરકારક સાબિત થયેલ છે. જાણે કે ‘નિયંત્રણ’ શબ્દ જ ઊડી ગયેલ છે.માત્ર નદી જ નહીં અમદાવાદના તળાવોમાં પણ બેફામ ગંદુ પાણી છોડાય છે. અને પછી તળાવોને સાફ કરવાના કોન્ટ્રાક્ટ અપાય છે. જેમાંથી એન્જિનિયરો અને હેલ્થના ટોચના અધિકારીઓ બેફામ હપ્તા ઉઘરાવે છે. તળાવ સાફ કરાવવાના કોન્ટ્રાક્ટ લેવા માટે તગડી કમાણી થતી હોવાથી પડાપડી અને ઝગડા થાય છે. આ બાબત જ બતાવે છે કે, કેટલાં કૌભાંડ થાય છે?

હાલ નદીમાં ગંદુ પાણી ઠલવાય છે. તેમાં સૌથી વધુ દોષિત મ્યુનિ.ના એન્જિનિયરો અને હપ્તાખાવ STP ડિપાર્ટમેન્ટ છે. હાઇકોર્ટના દબાણથી જે ઉદ્યોગોના ગટરોના જોડણો કપાયા તેઓ સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈ આવ્યા સુપ્રીમ કોર્ટે પણ પર્યાવરણને થતાં નુકશાનના મુદ્દે કડક વલણ અખત્યાર કર્યું! કોર્ટના વલણને સલામ, પણ તંત્રો તેમની ચોરીઓ છુપાવવા અને ઢાંકપિછોડો કરવામાં ગળાડૂબ છે.

બીજી તરફ તાપી અને નર્મદાને લિંક કરવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ કેન્દ્ર સરકારે હાથ ધર્યો છે. નદીઓનું જોડાણ કરીને પાણીનો પ્રશ્ન ઉકેલવાની દિશામાં આ આશાસ્પદ પ્રયોગ છે, પરંતુ આ પ્રકારના પ્રોજેક્ટની સાથે જ નદીઓના શુધ્ધી કરણનો અને ફરી તેમાં ગંદકી ઠલવાય નહીં તેવી ચુસ્ત વ્યવસ્થા ગોઠવવાનો સમય પાકી ગયો છે, બાકી આવતા વર્ષોમાં પીવાના શુધ્ધ પાણીના ફાફા પડી જવાના છે.

આ પણ વાંચો :28 માર્ચે CM ભુપેન્દ્ર પટેલ જશે ગોવા, CMની શપથવિધિમાં રહેશે ઉપસ્થિત

આ પણ વાંચો :કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત પ્રવાસે, અમિત શાહ વિકાસ કાર્યોનું લોકાર્પણ…

આ પણ વાંચો :રાજકોટમાં ફરી સીંગતેલનાં ભાવ વધ્યા, જાણો નવા ભાવ…

આ પણ વાંચો :  નીતિ આયોગના નિકાસ તૈયારી સૂચકાંકમાં ગુજરાત ટોચ પર, મહારાષ્ટ્ર અને કર્ણાટક બીજા અને ત્રીજા સ્થાને