Gandhinagar News: ગુજરાત સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના માર્ગદર્શન હેઠળ ધોરણ 1થી 8ની શાળાઓમાં નવી મૂલ્યાંકન પદ્ધતિ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ નવી પદ્ધતિ 360° સર્વગ્રાહી મૂલ્યાંકન પર આધારિત છે, જે વિદ્યાર્થીઓના શૈક્ષણિક, બોધાત્મક, ભાવનાત્મક અને મનોગામિક વિકાસને ધ્યાનમાં રાખશે. આ માળખું ચાલુ શૈક્ષણિક વર્ષથી તબક્કાવાર લાગુ થશે.
કયા મુખ્ય ફેરફારો
એકમ કસોટીમાં ફેરફાર
દર સપ્તાહે લેવાતી એકમ કસોટીનું સ્વરૂપ બદલાશે, જે હવે વધુ સરળ અને વિદ્યાર્થી-કેન્દ્રિત હશે. આ કસોટીઓનો બોજ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત થયું છે.
ત્રિમાસિક કસોટી
દર ત્રણ મહિને શાળાઓમાં ત્રિમાસિક કસોટી લેવામાં આવશે, જેમાં લેખિત, ક્રિયાત્મક અને મૌખિક મૂલ્યાંકનનો સમાવેશ થશે.
પ્રવૃત્તિ આધારિત મૂલ્યાંકન
વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ-આધારિત કામગીરી, જેમ કે વર્ગખંડની પ્રવૃત્તિઓ, સહયોગ અને વર્તન,નું મૂલ્યાંકન થશે.
હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ (HPC)
આ કાર્ડ શિક્ષક, સહપાઠી, વાલી અને વિદ્યાર્થી દ્વારા તૈયાર થશે. આમાં શૈક્ષણિક પ્રદર્શન ઉપરાંત વિદ્યાર્થીના કૌશલ્યો, મૂલ્યો, સર્જનાત્મકતા અને સ્વ-જાગૃતિનું મૂલ્યાંકન થશે.
શિક્ષક દ્વારા: શૈક્ષણિક પ્રદર્શન, વર્ગખંડની પ્રવૃત્તિઓ અને વર્તનનું અવલોકન.
સહપાઠી દ્વારા: ટીમ વર્ક, સહકાર અને સામાજિક વર્તનનું મૂલ્યાંકન.
વાલી દ્વારા: ઘરે વિદ્યાર્થીના શોખ, રસ અને વર્તનનો પ્રતિસાદ.
સ્વ-મૂલ્યાંકન: વિદ્યાર્થી પોતાની શક્તિઓ અને સુધારણાના ક્ષેત્રોનું મૂલ્યાંકન કરશે.
શિક્ષકને આપવામાં આવશે તાલીમ
શિક્ષકોને નવી પદ્ધતિના અમલ માટે વિશેષ તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ HPC અને પ્રવૃત્તિ-આધારિત મૂલ્યાંકનને અસરકારક રીતે અમલમાં મૂકી શકે.
શિક્ષણ વિભાગની સૂચનાઓ
શાળાઓને તબક્કાવાર માર્ગદર્શન આપવામાં આવશે, જે NCERT અને PARAKH દ્વારા તૈયાર કરાયેલા સર્વાંગી વિકાસ પત્રક પર આધારિત હશે.
આ ફેરફારના ઉદ્દેશ્યો
પરંપરાગત માર્ક્સ-આધારિત મૂલ્યાંકનથી આગળ વધીને જીવન માટે જરૂરી કૌશલ્યો, જવાબદારી અને સ્વ-જાગૃતિ વિકસાવવા.
શિક્ષકોની ડેટા એન્ટ્રીનો બોજ ઘટાડવો અને વિદ્યાર્થીઓ પર લેખિત કસોટીઓનું દબાણ ઓછું કરવું.
શિક્ષણને વધુ સમાવેશી અને વ્યાપક બનાવવું, જે ભવિષ્યના પડકારો માટે વિદ્યાર્થીઓને તૈયાર રહે.
આ પણ વાંચો:ગાંધીધામમાં લુંટના ઈરાદે જીવલેણ હુમલો કરનારા ત્રણ આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા
આ પણ વાંચો:ગાંધીધામમાં ગુંડારાજ ! ફિલ્મી સ્ટાઈલમાં કરાયું અપહરણ
આ પણ વાંચો:કચ્છમાં ગાંધીધામ નજીક તળાવમાં બે યુવાનોનાં ડૂબી જતાં મોત
