Ahmedabad News/ અમદાવાદનો 53 વર્ષ જૂનો સુભાષબ્રિજ તોડાશે, તેની જગ્યાએ બનશે અદ્યતન નવો બ્રિજ

અમદાવાદના સાબરમતી નદી પર આવેલા 53 વર્ષ જૂના Subhash Bridgeમાં તિરાડો દેખાતા AMCએ તેને તોડી નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો છે. તજજ્ઞોની ભલામણ બાદ હવે નવા પ્રોજેક્ટની ડિઝાઇન અને ખર્ચ અંગે કામગીરી શરૂ થઈ છે.

Top Stories Ahmedabad Gujarat
અમદાવાદ (Ahmedabad)ના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા સુભાષ બ્રિજ (Subhash Bridge)ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે

Ahmedabad News : અમદાવાદ (Ahmedabad)શહેરના લાખો વાહનચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સાબરમતી નદી પર આવેલો અને શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતો 53 વર્ષ જૂનો સુભાષબ્રિજ (Subhash Bridge) હવે તોડી પાડવામાં આવશે. તેની જગ્યાએ વધુ સુરક્ષિત અને આધુનિક સુવિધાઓથી સજ્જ નવો બ્રિજ બનાવવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લેવામાં આવ્યો છે.

તાજેતરમાં સુભાષબ્રિજના કેટલાક પિલરમાં તિરાડો જોવા મળતા AMC દ્વારા તાત્કાલિક બ્રિજ નિષ્ણાતોની ટીમને તપાસ સોંપવામાં આવી હતી. નિષ્ણાતોએ બ્રિજની રચના, પિલર અને સબ-સ્ટ્રક્ચરની વિગતવાર તપાસ કર્યા બાદ રિપોર્ટ તૈયાર કર્યો હતો. રિપોર્ટમાં જણાવાયું હતું કે બ્રિજના પિયર્સનું આયુષ્ય લગભગ 53 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે અને લાંબા ગાળાની સલામતી માટે માત્ર મરામત પૂરતી રહેશે નહીં.

તજજ્ઞોના અભિપ્રાયના આધારે સર્વસંમતિથી એવો નિર્ણય લેવાયો છે કે જૂના પિયર્સ અને સબ-સ્ટ્રક્ચરને સંપૂર્ણપણે દૂર કરીને નવી ડિઝાઇન સાથે નવો બ્રિજ તૈયાર કરવામાં આવે. AMCના આ નિર્ણયને શહેરની સલામતી અને ભવિષ્યના ટ્રાફિક વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

અગાઉ AMC દ્વારા સુભાષબ્રિજના રિપેરિંગ માટે અંદાજે ₹236 કરોડનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો હતો અને મરામત કામગીરી માટે લગભગ 9 મહિનાનો સમયગાળો અંદાજવામાં આવ્યો હતો. પરંતુ હવે સંપૂર્ણ નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાતા પ્રોજેક્ટના ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. સાથે જ નિર્માણ કાર્ય માટે વધુ સમય પણ લાગી શકે છે.

હાલમાં AMC દ્વારા નવા બ્રિજની ડિઝાઇન, ખર્ચ, પ્રોજેક્ટની અવધિ, ટેકનિકલ માળખું અને ટ્રાફિક મેનેજમેન્ટ સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં પ્રોજેક્ટની વિગતવાર યોજના જાહેર કરવામાં આવશે.

સુભાષબ્રિજ (Subhash Bridge)અમદાવાદના સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંનો એક છે, જ્યાંથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે. તેથી નવા બ્રિજનું નિર્માણ શહેરના વિકાસ અને વાહન વ્યવહારની સુવિધાને વધુ મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : અમદાવાદ મનપાએ સુભાષ બ્રિજના નવનિર્માણ માટે ₹232.80 કરોડનો ટેન્ડર બહાર પાડ્યો

આ પણ વાંચો : અમદાવાદના સુભાષ બ્રિજના સંપૂર્ણ ડિમોલીશન પર આજે નિર્ણય શક્ય, એપ્રિલ 2027 સુધી લંબાઈ શકે પ્રોજેક્ટ

આ પણ વાંચો : સુભાષ બ્રિજ મુદ્દે મોટો નિર્ણય!, CM તરફથી મહત્વની સૂચનાઓ, અહેવાલ સુપરત