Ahmedabad News/ અમદાવાદના સુભાષ બ્રિજના સંપૂર્ણ ડિમોલીશન પર આજે નિર્ણય શક્ય, એપ્રિલ 2027 સુધી લંબાઈ શકે પ્રોજેક્ટ

અમદાવાદના સુભાષ બ્રિજ (Subhash Bridge) ને સંપૂર્ણ તોડી પાડવાનો નિર્ણય આજે લેવાઈ શકે છે. બ્રિજમાં ગંભીર તિરાડો અને માળખાકીય ખામીઓ સામે આવતા AMC અને ટેક્નિકલ નિષ્ણાતોની બેઠકમાં નવા બ્રિજના નિર્માણ અંગે મહત્વપૂર્ણ ચર્ચા થશે.

Top Stories Gujarat
Subhash Bridge

Subhash Bridge Ahmedabad: અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા સુભાષ બ્રિજના ભવિષ્યને લઈને આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. બ્રિજમાં ગંભીર માળખાકીય ખામીઓ સામે આવ્યા બાદ હવે માત્ર સ્પાન નહીં પરંતુ સમગ્ર બ્રિજ, જેમાં પિલ્લરનો પણ સમાવેશ થાય છે, તેને તોડી પાડવાનો વિકલ્પ તંત્રના વિચારાધીન છે.

મળતી માહિતી અનુસાર, બ્રિજના ડિમોલીશન અંગે આજે સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને ટેક્નિકલ નિષ્ણાતો વચ્ચે બેઠક યોજાશે. બેઠકમાં બ્રિજના હાલના માળખાની સ્થિતિ અને ડિમોલીશનની પ્રક્રિયા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.

સુભાષ બ્રિજના બે સ્પાન તોડી પાડ્યા બાદ બ્રિજના ગર્ડર તેમજ અન્ય ભાગોમાં તિરાડો જોવા મળી હોવાનું સામે આવ્યું છે. કન્સલ્ટન્ટ એજન્સીઓએ બ્રિજ 60 વર્ષથી વધુ જૂનો હોવાથી માત્ર સુપરસ્ટ્રક્ચર નહીં પરંતુ પિલ્લર સહિત સમગ્ર માળખું તોડી નવો બ્રિજ બનાવવાની ભલામણ કરી છે. જો આ નિર્ણય લેવામાં આવશે તો પ્રોજેક્ટના ખર્ચમાં અંદાજે 4થી 5 કરોડ રૂપિયાનો વધારો થઈ શકે છે.

બ્રિજની સ્થિતિ અંગે અભિપ્રાય આપવા માટે ગાંધીનગર IIT, IIT રૂડકી અને એમ. ટંડન સહિતની નિષ્ણાત સંસ્થાઓની મદદ લેવામાં આવી છે. નિષ્ણાતોના મત મુજબ હાલની સ્થિતિમાં આંશિક ડિમોલીશન કરતાં સંપૂર્ણ ડિમોલીશન વધુ સુરક્ષિત વિકલ્પ બની શકે છે.

ઉલ્લેખનીય છે કે, 4 ડિસેમ્બર 2025ના રોજ સુભાષ બ્રિજના એક સ્પાનનો ભાગ બેસી જવાની અને તિરાડો દેખાવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરી તેની તકનિકી તપાસ હાથ ધરવામાં આવી હતી. IIT રૂડકી, IIT મુંબઈ અને SVNIT સહિતની સંસ્થાઓ દ્વારા બ્રિજની મજબૂતાઈ અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અગાઉ રૂ. 235 કરોડના ખર્ચે નવો અને વધુ પહોળો સુભાષ બ્રિજ બનાવવા મંજૂરી આપી હતી. શરૂઆતમાં જાન્યુઆરી 2027 સુધીમાં નવો બ્રિજ કાર્યરત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જોકે, હવે જો સમગ્ર બ્રિજ તોડવાનો નિર્ણય લેવાશે તો પ્રોજેક્ટ પૂર્ણ થવામાં વધુ સમય લાગી શકે છે અને નવો બ્રિજ એપ્રિલ 2027 સુધી તૈયાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : અમદાવાદના 25 અંડરબ્રિજ ચોમાસામાં બનશે જોખમી, મનપાની ચેતવણીથી ઉઠ્યા સવાલ

આ પણ વાંચો : અમદાવાદમાં અનુપમ બ્રિજ 5 દિવસ બંધ રહેશે,બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મેગા ટ્રાફિક બ્લોક જાહેર

આ પણ વાંચો : આણંદના અડાસમાં બની રહેલો રેલવે ઓવરબ્રિજ ધરાશાયી, બાંધકામની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ