અમદાવાદ શહેરમાં હવે ધીમા પગલે ઠંડીની શરૂઆત થઈ ચુકી છે. શહેરમાં વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. જાકે, બપોરના સમયે હજી પણ સુર્ય નારાયણ પોતાના ઉગ્ર સ્વરુપે જાવા મળી રહ્યા છે, જેના કારણે વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે ગરમી એમ અત્યારે મિશ્ર હવામાનનો અનુભવ લોકો કરી રહ્યા છે. શિયાળાની કડકડતી ઠંડીનો ખરો અનુભવ તો ૧૫ નવેમ્બર બાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં અત્યારે હવામાન ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યુ છે. સામાન્ય રીતે તો દિવાળી શરુ થતાની સાથે જ ઠંડીની શરૂઆત થઈ જાય છે. જાકે ચાલુ વર્ષે હજી સુધી વહેલી સવારને બાદ કરતા ઠંડીનો અનુભવ જાઈએ તેવો થઈ રહ્યો નથી. સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે, જાકે ત્યારબાદ ધીરે ધીરે તાપમાનમાં વધારો થવાની શરૂઆત થઈ જાય છે અને બપોરના સમયે તાપમાનનો પારો હજી પણ ૩૫ ડિગ્રીનો આંકડો વટાવી જાય છે જેના કારણે લોકોને ગરમીનો અનુભવ કરવો પડે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં શિયાળાની શરૂઆત ૧૫ નવેમ્બર બાદ થશે, ત્યાં સુધી લોકોએ આ પ્રકારના વાતાવરણનો અનુભવ કવો પડશે. સામાન્ય રીતે વાતાવરણમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. દરમિયાન આજે અમદાવાદનુ લઘુત્તમ તાપમાન ૧૮ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે ગાંધીનગર ૧૬ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનુ સૌથી ઠંડુ શહેર રહ્યુ હતું.
