મૃત્યુ પછી મૃતદેહને માનભેર સ્મશાન કે કબ્રસ્તાનમાં લઇ જઇ તેને પંચમહાભૂતમાં વિલિન કરાય છે,જે અગ્નિ સમર્પણ કે ધરતી સમર્પણ સ્વરુપે આરોગ્યની દ્રષ્ટીએ સુરક્ષિત રીતે થતું હોય છે. એકવીસમી સદીમાં એક વધુ નવુ સ્વરુપ પણ અમલમાં આવ્યું છે અને તે છે દેહદાન. લોકોમાં હવે જાગૃતતા આવી છે. અને લોકો દેહ દાનને પ્રોત્સાહન આપી રહ્યા છે. ત્યારે આવામાં દાહોદ જિલ્લામાં રવિવારના રોજ એક દંપતી દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો જે ચોક્કસપણે હૃદયસ્પર્શી તો છે, પરંતુ સાથે જ પીડાદાયી પણ છે. અહીં એક માતા-પિતાએ જન્મના માત્ર બે દિવસ પછી મૃત્યુ પામનાર દીકરાનું શરીર મેડિકલના અભ્યાસ માટે દાન કરી દીધું છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં આજે રવિવારે એક જીવંત બોધ કથા જેવી ઘટના બની હતી. જેમાં દાહોદ જિલ્લાના જ સોનલબેન ડામોરને પ્રસુતિ માટે દાખલ કરવામાં આવ્યાં હતાં અને તારીખ 27 મેના રોજ તેમણે બાળકને ઓપરેશન (સીઝેરીયન) દ્વારા જન્મ આપ્યો હતો. આ બાળકને જન્મથી શારીરિક તકલીફો હોવાની જાણ થતાં આ બાળકની સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ કમનસીબે આ બાળક આજે રવિવારે મૃત્યું પામ્યું હતું.
મૃતક નવજાતના પિતા સુનિલ રામસિંહ ડામોર ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં બસ કન્ડક્ટર તરીકે કામ કરે છે. તે દેવગઢ બારિયા બસ ડેપો પર કાર્યરત છે. જ્યારે માતા સોનલ ગૃહિણી છે. દાહોદના ઝાલોદ તાલુકાના વારોડ ગામમાં રહેતા સુનિલ જણાવે છે કે, દેહ દાન મહા દાન છે. અમે આ નિર્ણય એટલા માટે લીધો કે, આ સિવાય અન્ય વિકલ્પ એ હતો કે અમે અમારા દીકરાના અંતિમ સંસ્કાર કરતા. પરંતુ જો તેને હોસ્પિટલમાં સોંપીએ તો, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને કંઈક નવુ શીખવા તો મળશે.

આ બાળકના પિતા સુનિલભાઇ ડામોરે આ અંગે જણાવ્યું હતું કે અમારા બાળકને જે તકલીફ હતી તેના વિશે કોલેજ અને હોસ્પિટલવાળા જાણી શકે તેના માટે બાળકનું દેહદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ આજની ઘટનાથી કેટલાયે કહેવાતા શિક્ષણવિદો અને સમાજ સેવકો પણ અવાક રહી ગયા હતા.
‘મંતવ્ય ન્યૂઝ’ દ્વારા “અંગદાન મહાદાન અભિયાન” ચલાવવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત છેવાડાના માનવી સુધી પણ અંગદાન અંગેની જાગૃતતા ફેલાઈ તેવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે દાહોદમાં માતા-પિતા દ્વારા પોતાના સંતાનના બે દિવસનાપાર્થિવ શરીરને મેડીકલ અભ્યાસ માટે દાન કરવાના નિર્ણયને મંતવ્ય ન્યૂઝ આવકારે છે. આ ઉદાહરણ અન્ય માટે પણ પ્રેરણાદાયક બને તેવી આશા સેવે છે.
નોંધ: સમાજમાં અંગદાન અંગેની જાગૃતતા ફેલાવા અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે મંતવ્ય ન્યૂઝ દ્વારા એક અનોખી પહેલા કરવામાં આવી રહી છે. “અંગદાન મહાદાન અભિયાન” હેઠળ ગુજરાતભરમાં 3 જુન 2022 ના રોજ વિશ્વ સાઈકલ દિવસના દિવસે “મંતવ્ય સાયક્લોથોન”નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી શુક્રવારે દરેક ગુજરાતી સાયકલ ચલાવી એક નવી શરૂઆત કરશે અને ‘મંતવ્ય ન્યૂઝ’ના “અંગદાન મહાદાન અભિયાન”ને વેગવંતુ બનાવવા પ્રયાસ કરશે.
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના પુલવામામાં અથડામણ, એક આતંકવાદી ઠાર
આ પણ વાંચો: ભારતમાં નવા COVID-19 કેસમાં 4.3% ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 2,706 કેસ
આ પણ વાંચો:વિદેશમંત્રી બન્યા ગુજરાતના મહેમાન : આજથી બે દિવસમાં વિવિધ કાર્યક્રમોમાં જોડાશે

