ગણેશ મંદિર/ ગણપતપુરામાં સિદ્ધિવિનાયક સ્વરૂપે સાક્ષાત બિરાજે છે બાપ્પા

વિક્રમ સંવત 933ના અષાઢ વદ ચોઠને રવિવારનાં દિવસે હાથેલ ગામમાં કેરડાંના ઝાડ અને જમીન વચ્ચે ખોદકામ કરતા ગણેશજીની મૂર્તિમળી આવી હતી

Dharma & Bhakti Navratri 2022

સમગ્ર દેશમાં ગણપતિ બાપ્પાના મંદિરો આવેલા છે. તેમાં મુંબઇના સિદ્ધિવિનાયક મંદિરનું ખુબ જ મહત્વ રહેલુ છે. એવી જ રીતે ગુજરાતમાં ધોળકા તાલુકામાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરનો પણ આગવો ઇતિહાસ છે. કહેવાય છે કે આ મંદિરની કથા એક હજાર વર્ષ કરતા પણ પૌરાણિક છે. મહિનામાં એકવાર આવતી વદ ચોથ એટલે કે સંકટ ચોથના દિવસે ભાવિકો દૂર દૂરથી દર્શન કરવા આવતા હોય છે. તેમાં પણ મંગળવારે આવતી અંગારિકા ચોથનું તો અનુરુ મહત્વ રહેલુ છે.  અન્ય ગણેશ મંદિરોથી આ મંદિર વિશેષ છે. કારણકે, સામાન્ય રીતે ભગવાન ગણેશજી ડાબી બાજુ સુંઢ સાથેની મુદ્રામાં જોવા મળતા હોય છે. પરંતુ આ મંદિરમાં વિધ્નહર્તા જમણી સુંઢ સાથે બિરાજે છે.

મંદિરનો ઇતિહાસ

એવી લોકવાયકા છે કે અહીં બિરાજમાન સિદ્ધિવિનાયક ગણનાયક દેવ સ્વંયભૂ પ્રગટ થયા છે. વિક્રમ સંવત 933ના અષાઢ વદ ચોઠને રવિવારનાં દિવસે હાથેલ ગામમાં કેરડાંના ઝાડ અને જમીન વચ્ચે ખોદકામ કરતા ગણેશજીની મૂર્તિમળી આવી હતી. જેમણે માથે મુગટ, હાથમાં કડલા, કાનમાં કુંડળ અને પગમાં સોનાનાં તોડા ધારણ કરેલા હતા. ગણેશદાદાની મૂર્તિના સ્થાપન માટે ત્રણ ગામ એટલે કે કોઠ,રોજકા અને વણફૂટાની વચ્ચે ઘણો વિખવાદ થયો, પણ જ્યારે બાપ્પાને ગાડામાં મૂકવામાં આવ્યા ત્યારે સ્વંયમ દુંદાળા દેવ ગણપતિપુરાના ટેકરા પર જઇને ઉભું રહ્યું. અને ત્યાં જ ભગવાન ગણપતિનું મંદિર બનાવવામાં આવ્યું. આ ગામ ત્યારથી ગણપતપુરાના નામથી જાણીતું બન્યું.

મંદિરનો મહિમા

ગણપતિ દાદાના આ મંદિરે લોકો દૂર દૂરથી આસ્થા સાથે આવે છે, અને પોતાની મુશ્કેલીનો હલ શોધે છે. ઘણા ભાવિકો ચોથ ભરવાની બાધા રાખે છે, તો ઘણા ઉંધા સાથિયા કરી માનતા માને છે, અને સમસ્યાનું નિવારણ થતા બાપ્પાના ધ્વારે આવી સીધો સાથિયો કરીને ગણુ દાદાના આર્શિવાદ માની ઘન્યવાદ કરે છે. કહેવાય છે કે આજ સુધી બાપ્પાના દરબારમાં પોતાના દુઃખ લઇને ગયેલા કોઇ ભક્તો નિરાશ નથી થયા. આમ તો અન્ય મંદિરોમાં ગણપતિજીની મૂર્તિ સોમ્ય હોય છે પરંતુ ગણપતપુરામાં દાદાનું થોડા ગંભીર સ્વરૂપના દર્શન થાય છે. છતા તેમના દર્શન કરી મનને અનેરી શાંતીનો અહેસાસ થાય છે. ગણેશચોથના દિવસે સવારે ચાર વાગ્યાથી ભાવિકો બાપ્પાની એક ઝલક જોવા લાઇનમાં ઊભા રહે છે. અંગારિકા ચોથના દિવસે તો મંદિરની બહાર બેથી ત્રણ કીલો મીટર લાંબી લાઇન લાગે છે. માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી ભક્તો ગણપતપુરાના ગણેશજીના દર્શન કરવા આવે છે.

પગમાંથી નિકળે છે લોહીની ધારા

એક લોકવાયકા પ્રમાણે એક દિવસ કોઇ ભક્તે દાદા સ્વંયમ બિરાજમાન છે અને તે મારી વાત સાંભળી શકે છે કે નહીં તેવી પરિક્ષા લેવા માટે તેમના પગમાં થોડી ઇજા પહોંચાડી અને ગણપતદાદાના પગમાંથી લોહીની ધારા વહેવા લાગી હતી. બાપ્પાની પરિક્ષા લીધા બદલ તે ભાવિક ખુબ જ દુઃખી થયો અને તેને પસ્તાવો થવા લાગ્યો. ત્યારે બાપ્પાનો અવાજ સંભાળો કે હું અહીં જ છુ અને તારી પીડા પણ જોવુ છુ. તુ રહીશ નહીં બધુ જ સારું થશે. બાપ્પાના આવા તો અનેક ચમત્કારો અને ભક્તોને તેમના હાજરાહજૂર હોવાના પરચા મળ્યા છે.

મંદિરમાં ચાલે છે અન્નક્ષેત્ર

ચોથના દિવસે ગણપતિદાદાને પ્રિય એવા બુંદીના લાડુ અને ચૂરમાના લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે.  મંદિરની પાછળ ભોજન માટે અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. સવારના 10.30થી બપોરના 1.00 વાગ્યાસુધી અન્નક્ષેત્રમાં રોજ ભકતો પ્રસાદીનો લાભ લે છે. જમવામાં દાળ, ભાત, શાક, રોટલી તેમજ વાર-તહેવારના દિવસે પૂરી, મિષ્ટાન, દાળ, ભાત આપવામાં આવે છે. દર ચોથના દિવસે અન્નક્ષેત્રમાં એક લાખથી સવા લાખ લોકો મોરૈયો અને કઢીનો પ્રસાદ લે છે. હાલમાં મંદિરનો જીણોદ્વાર કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં ગણેશપુરાની કેળાં ની વફેર વખણાય છે.

ગણેશઉત્સવમાં બાપ્પાના દર્શન કરવા ભાવિકોની ભીડ જામે છે અને ગણપતપુરામાં ઉત્સવનો માહોલ જોવા મળે છે. ખાણીપીણીથી લઇને બાપ્પાના દરબારમાં મેળો ભરાય છે. તો ચાલો આ ગણેશઉત્સવમાં આપણે પણ જઇએ દાદાના દર્શન કરવા.