ભોપાલ,
ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં બાળકોના ગુમ થવા બાબતે એક ચોકાવનારી વિગતો સામે આવી છે. સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (SCRB)ના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશમાં એક દિવસમાં ૨૨ બાળકો ગુમ થઇ રહ્યા છે. જેમાં ૧૫ છોકરીઓનો સમાવેશ થાય છે જેની વય ૧૪-૧૮ વર્ષ વચ્ચેની છે.
ચાઈલ્ડ રાઈટ્સ એન્ડ યુ (ક્રાઈ) અને એક બિનસરકારી સંગઠન દ્વારા કરવામાં આવેલી RTIના જવાબમાં આ ચોકાવનારો ખુલાસો થયો હતો. આંતરરાષ્ટ્રીય મિસિંગ ચાઈલ્ડ દિવસ નિમિત્તે સામે આવેલા આ ચોકાવનારા આંકડાથી રાજ્ય સરકાર સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.
SCRBના રિપોર્ટ મુજબ ગત વર્ષે ૮૦૫૯ બાળકો ગુમ થયા હતા જેમાં ૫૭૪૦ છોકરીઓ છે જયારે ૨૩૧૯ છોકરાઓ છે. આ RTIના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે, ૨૦૧૦માં ૫૦૦૦૦થી વધુ રાજ્યમાં ગુમ થયા હતા. જયારે ૨૦૧૦ થી ૨૦૧૪ વચ્ચે ૪૫,૩૯૧ બાળકો ગુમ થયા છે. જેમાં ૧૧,૮૪૭ બાળકોનો કોઈ માહિતી મળી નથી અને આ બાળકોમાં સૌથી વધુ છોકરીઓ છે.
RTIના જવાબમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, ૨૦૧૦ થી ૨૦૧૫ વચ્ચે ગુમ થયેલા ૫૩,૧૮૮ બાળકોમાંથી ૬૦ ટકા માત્ર છોકરીઓ છે. ૨૦૧૦ થી ૨૦૧૪ વચ્ચે ગુમ થયેલા બાળકોમાંથી ૭૨ ટકાનો કોઈ અતોપતો હાથ જડ્યો નથી. આ ગુમ થયેલી છોકરીઓમાંથી ૯૦ ટકા ગ્વાલિયર, બાલાઘાટ અને અનૂપપુરમાંથી ગાયબ થયા છે.
બીજી બાજુ આ અંગે છોકરાઓના અધિકાર માટે લડી રહેલા સામાજિક કાર્યકર પ્રશાંત દુબેએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગુમ થઇ રહેલા બાળકોમાંથી કેટલાકને દેહ વ્યાપાર માટે ધકેલવામાં આવી રહ્યા છે તેમજ કેટલાક એવા કિસ્સાઓ પણ જેમાં છોકરીઓને વિદેશમાં વેચવામાં આવી રહી છે તેમાં ઈરાનમાં લગ્ન માટે ખાસ છે.
