મહારાષ્ટ્રમાં 3 નવેમ્બરે અંધેરી પૂર્વ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે સતત ખેચતાણ ચાલી રહી છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ દ્વારા ઉદ્ધવ ઠાકરે જૂથને મશાલ ચૂંટણી ચિન્હ આપવામાં આવ્યું છે. આ સાથે ઉદ્ધવ જૂથને ‘શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે’ નામ મળ્યું છે. એકનાથ શિંદેના પક્ષને હાલ માટે ‘બાલાસાહેબાંચી શિવસેના’નું નામ મળ્યું છે.
પંચે શિવસેનાના હરીફ જૂથોના દાવાને પણ નકારી કાઢ્યો હતો કે ધાર્મિક અર્થને ટાંકીને ચૂંટણી પ્રતીકો તરીકે ‘ત્રિશૂલ’ અને ‘ગદા’ ફાળવવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે એ પણ ધ્યાન દોર્યું હતું કે બંને જૂથો દ્વારા માંગવામાં આવેલ ‘ઉગતા સૂર્ય’ ચૂંટણી પ્રતીક તમિલનાડુ અને પુડુચેરીમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) માટે આરક્ષિત છે. પંચે શિંદે જૂથને મંગળવારે સવારે 10 વાગ્યે ત્રણ ચૂંટણી પ્રતીકોની સૂચિ ફાઇલ કરવા માટે કહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનરે રાજકીય પક્ષોને ધાર્મિક અર્થ ધરાવતા ચૂંટણી પ્રતીકોની ફાળવણીના મામલે કડક વલણ અપનાવ્યું હોવાનું માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે ઠાકરેએ પંચને પેટાચૂંટણી પહેલા વિલંબ કર્યા વિના ત્રિશુલ, મશાલ અને ઉગતા સૂર્ય ત્રણ પ્રતીકોમાંથી એક પ્રતીક અને નામ ફાળવવા વિનંતી કરી હતી. ઠાકરે છાવણી આ પેટાચૂંટણી લડી રહી છે. શિંદે કેમ્પની સહયોગી ભારતીય જનતા પાર્ટીએ પણ આ પેટાચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 14 ઓક્ટોબર છે.
ચૂંટણી પંચે સૌથી પહેલા આ ચિન્હોની તપાસ કરી, જેથી કરીને અન્ય કોઈ પક્ષ તેનો ઉપયોગ ન કરી રહ્યો હોય. પંચે એ પણ તપાસ કરી છે કે શું તેણે આ પ્રતીકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. ચૂંટણી પંચના એક પૂર્વ અધિકારીએ કહ્યું કે, ચૂંટણી ચિહ્નની ફાળવણી કરવી તે પંચનો વિશેષાધિકાર છે. આવા કિસ્સાઓમાં, તે (કમિશન) એક પ્રતીક ફાળવી શકે છે જે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) પાસે ઉપલબ્ધ સ્વતંત્ર પ્રતીકોની સૂચિમાં શામેલ નથી.શિંદેએ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ સામે બળવો કર્યો અને દાવો કર્યો કે તેમની પાસે શિવસેનાના 55માંથી 40 ધારાસભ્યો અને 18 લોકસભા સભ્યોમાંથી 12નું સમર્થન છે. ઉદ્ધવના રાજીનામા પછી, શિંદેએ ભાજપની મદદથી સરકાર બનાવતી વખતે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.
