Gujarat Bank Strike Update: દેશભરમાં આજે 11 સપ્ટેમ્બરે બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા હડતાળ તથા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં બેન્કકર્મીઓ હડતાળમાં જોડાયા છે. અમદાવાદ સહિતના શહેરોમાં કર્મચારીઓએ કેન્દ્ર સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરી હતી. હડતાળને કારણે રાજ્યમાં બેન્કિંગ સેવાઓ અને નાણાકીય વ્યવહારો પર વ્યાપક અસર પડી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
75 હજાર કર્મચારીઓ હડતાળમાં જોડાયા
બેન્ક(Bank) યુનિયનોના જણાવ્યા મુજબ ગુજરાતના આશરે 75 હજાર કર્મચારીઓ અને અધિકારીઓ આ હડતાળમાં સામેલ થયા છે. તેમના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં લગભગ 15 હજાર કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો પ્રભાવિત થયા છે. દેશવ્યાપી સ્તરે પણ લાખો બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ આ વિરોધમાં જોડાયા હોવાનું યુનિયનોનું કહેવું છે.
પાંચ દિવસના કામકાજ સહિત અનેક માંગણીઓ
બેન્ક(Bank) કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં અઠવાડિયામાં પાંચ દિવસ બેન્કિંગ કામગીરી લાગુ કરવાનો સમાવેશ થાય છે. કર્મચારીઓનું કહેવું છે કે પાંચ દિવસના કામકાજના બદલામાં તેઓ દરરોજ વધારાનો સમય કામ કરવા તૈયાર છે. આ ઉપરાંત પ્રોફિટ લિંક્ડ ઇન્સેન્ટિવ એટલે કે PLIની ફાળવણીમાં કર્મચારીઓ સાથે સમાનતા રાખવાની અને નીચલા તથા ઉચ્ચ સ્તરના કર્મચારીઓ વચ્ચેનો તફાવત દૂર કરવાની માંગ પણ કરવામાં આવી છે.
IDBI Bankના ખાનગીકરણનો વિરોધ
હડતાળ દરમિયાન IDBI બેન્કના(Bank) ખાનગીકરણનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. બેન્ક યુનિયનોનું કહેવું છે કે કર્મચારીઓ સાથે જોડાયેલા વિવિધ સેવાકીય પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે. યુનિયનોના જણાવ્યા મુજબ સરકાર સાથે અગાઉ ચર્ચાઓ અને સમજૂતી થઈ હોવા છતાં કેટલીક માંગણીઓનો યોગ્ય અમલ થયો નથી.
માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન ઉગ્ર બનશે
યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક(Bank) યુનિયન્સ એટલે કે UFBUના નેતૃત્વ હેઠળ આ આંદોલન ચાલી રહ્યું છે. યુનિયનના પદાધિકારીઓના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય નાણા મંત્રાલય અને સેન્ટ્રલ લેબર કમિશનર સાથે બેઠકો થઈ હોવા છતાં હજુ સુધી સંતોષકારક ઉકેલ આવ્યો નથી. જો સરકાર દ્વારા વહેલી તકે માંગણીઓ અંગે સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસની હડતાળ કરવાની ચીમકી આપવામાં આવી છે. ત્યારબાદ ઓક્ટોબરથી અનિશ્ચિત મુદતની હડતાળ તરફ આગળ વધવાની ચેતવણી પણ યુનિયનો દ્વારા આપવામાં આવી છે.
આ પણ વાંચો:ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન દ્વારા કરાયું હળતાલનું એલાન, બદલીની ખબરથી ઉશ્કેરાયા
આ પણ વાંચો:ભારત બંધ હળતાલમાં 30 કરોડ કામદારો જોડાશે, બેંક-પરિવહન પર અસર
આ પણ વાંચો:એક, બે કે ત્રણ નહિં પરંતુ પૂરા 12 દિવસ મે મહિનામાં બેન્ક બંધ રહેશે…આ રહ્યું રજાઓનું કેલેન્ડર…
