Navsari News: નવસારીમાં રાત્રિ દરમિયાન જ છ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા સવાર સુધીમાં શહેર પાણીમાં જોવા મળ્યું હતું. રાત્રિ દરમિયાન જ કેટલાય વિસ્તારોમાં અને કેટલાય ઘરોમાં પાણી ભરાતા સવારે તંત્ર ચોમેર દોડતું થયું હતું. સ્થાનિકોની ઘરવખરી પલળી જતાં ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરાયું હતું.
વહીવટીતંત્રએ રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદની દરકાર ન કરી, જેથી હાલ ચારેતરફ પાણી ભરાયા છે. નવસારીની શાળા કોલેજોમાં રજા જાહેર ન કરતા વિદ્યાર્થીઓ અટવાયા છે. શાળાની અનેક સ્કૂલ વેન બસ રસ્તા બંધ થતા અટવાઈ હતી. પાણીમાં ગરકાવ થયેલા રસ્તાને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. સ્થિતિને જોઈ શાળાઓએ મોડે મોડે રજા જાહેર કરી હતી. તંત્ર દ્વારા હજી પણ શાળા કોલેજ બંધ કરવા મુદ્દે કોઈ નિર્ણય જાહેર કરાયો ન હતો.
નવસારીમાં રાત્રે દસ વાગ્યાથી સવાર સુધીમાં 6 ઈંચથી વધુ વરસાદ નોધાયો. આ કારણે પૂર્ણા નદી ભયજનક સપાટીથી એક ફૂટ ઉપર વહી રહી છે. પૂર્ણા નદીના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘુસ્યા છે. નવસારી સહિત ઉપરવાસના જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર્ણ નદીમાં પૂરની સ્થિતિ ઉદભવી છે.
પુર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ નજીક પહોંચી છે. નવસારીની પુર્ણા નદી ભયજનક સપાટી વટાવી જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. શાંતાદેવી, ગધેવાન, ભેસ્તખાડા, મહાવીર સોસાયટી, માછીવાડ, કાશીવડી જેવા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. તંત્ર મોડે મોડે એલર્ટ થતાંની સાથે કામગીરીમાં જોતરાયું છે, ઉપરવાસ વરસાદ ના પગલે હજી પાણી વધુ ભરાય એવી શક્યતા છે.
નવસારી જિલ્લામાં છઠ્ઠા દિવસે પણ ભારે વરસાદને કારણે શહેર સહિત જિલ્લામાં પૂરની સ્થિતિ છે. જિલ્લાની ત્રણ લોકમાતાઓમાં જળસ્તર વધતા શહેરના દશેરા ટેકરી શાંતાદેવી રોડ રિંગ રોડ કમેલા દરવાજા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થતાં લોકોને સતત રહેવા સાથે અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
આ ઉપરાંત નવસારી જિલ્લા તંત્ર દ્વારા નદીઓની સપાટી અને વરસાદ ઉપર ચાંપતી નજર સાથે જ અધિકારીઓને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં સવારે 6:00 વાગ્યે પુરા થતા 24 કલાકમાં નવસારીમાં 6.66 ઇંચ ઇંચ, જલાલપોરમાં 5.41 ઇંચ ગણદેવીમાં 5.12 ઇંચ ચીખલીમાં 2.25 ઈંચ ખેરગામ 2.16 ઈંચ અને વાંસદામાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે હજી પણ જિલ્લામાં વરસાદ અવિરત ચાલુ છે અને લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે. દ.ગુજરાતના 14 તાલુકામાં 3 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં આવ્યા પૂર, NDRF એ138 નાગરિકોનું કર્યું રેસ્ક્યુ
આ પણ વાંચો: અમદાવાદીઓને ઉકળાટમાંથી રાહત આપતો વરસાદ, ઘાટલોડિયામાં ફ્લેટની સીડી તૂટી
આ પણ વાંચો: વડોદરા 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, લોકોને મગરોનો લાગતો ડર
