Rajkot News : ગોંડલમાં રાજકુમાર જાટના રહસ્યમય મોતનો મામલો વધુ ગરમાયો છે. આ કેસમાં ન્યૂરો સર્જન ડો. હેમાંગ વસાવડાનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે, જેનાથી સમગ્ર ઘટના પર અનેક સવાલો ઊભા થયા છે. ડો. વસાવડાએ ફોરેન્સિક રિપોર્ટ પર આશ્ચર્ય વ્યક્ત કરતાં તેને શંકાસ્પદ ગણાવ્યો છે.
ડો. વસાવડાએ જણાવ્યું કે તેમની 3 દાયકાની મેડિકલ કારકિર્દીમાં તેમણે આવો રિપોર્ટ ક્યારેય જોયો નથી. તેમણે ફોરેન્સિક રિપોર્ટમાં અનેક એવા મુદ્દાઓ દર્શાવ્યા છે, જે શંકા ઉપજાવે તેવા છે. તેમનું સૌથી મોટું અવલોકન એ છે કે વાહન દ્વારા એક જ ટક્કરથી વ્યક્તિને 42 જેટલી ઇજાઓ થવી શક્ય નથી. સામાન્ય રીતે, જ્યારે કોઈ વ્યક્તિને વાહન ટક્કર મારે છે, ત્યારે તે દૂર ફેંકાય છે અથવા તો વાહનની નીચે આવી જાય છે, પરંતુ એક જ ટક્કરમાં આટલી બધી ઇજાઓ થવી અશક્ય છે.
ડો. વસાવડાએ વધુમાં જણાવ્યું કે આ કેસમાં પહેલો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પણ સામે આવવો જરૂરી છે, જેનાથી મૃતકની ઈજાઓ વિશે વધુ માહિતી મળી શકે. તેમણે ફોરેન્સિક રિપોર્ટમાં ગુદાના ભાગે બોથડ પદાર્થથી ઈજાની નોંધ હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે, જે આ કેસને વધુ જટિલ બનાવે છે.
તેમણે એવો પણ દાવો કર્યો કે રિપોર્ટમાં ડોક્ટરોએ પોતાની સેઈફ સાઈડ રાખેલી છે અને વાહન અકસ્માતને કારણે આ ઈજાઓ થઈ હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી. ડો. વસાવડાના જણાવ્યા અનુસાર, મૃતકની તમામ ઈજાઓ ફ્રેશ હતી, જે ઘટનાના તાત્કાલિક સમયગાળામાં જ થઈ હોવાનું સૂચવે છે.
ડો. વસાવડાના આ નિવેદન બાદ રાજકુમાર જાટના મોતની તપાસ નવી દિશામાં જઈ શકે છે. તેમના નિવેદનથી એ સ્પષ્ટ થાય છે કે ફોરેન્સિક રિપોર્ટમાં કેટલીક એવી વિસંગતતાઓ છે, જેના કારણે આ મોતને માત્ર એક સામાન્ય અકસ્માત ગણવું મુશ્કેલ છે. હવે પોલીસ અને તપાસ એજન્સીઓ માટે આ રિપોર્ટ અને ડો. વસાવડાના નિવેદનને ધ્યાનમાં રાખીને વધુ ઊંડી તપાસ કરવી જરૂરી બની ગઈ છે, જેથી રાજકુમાર જાટના મોતનું સાચું કારણ સામે આવી શકે.
આ ઘટનાએ ગોંડલ શહેરમાં ચકચાર મચાવી દીધી છે અને જાટ સમાજ માંગ કરી રહ્યા છે કે આ કેસની તટસ્થ અને ઝીણવટભરી તપાસ થવી જોઈએ, જેથી મૃતકના પરિવારને ન્યાય મળી શકે. ડો. વસાવડાના નિવેદન બાદ આ કેસમાં નવો વળાંક આવે તેવી શક્યતા છે. અને શું આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી થશે કે પછી તંત્રને આ કેસને પણ સૂશાંતના કેસની જેમ ફાઈલ કલોઝ કરશે…હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા આ મામલે આગળની કાર્યવાહીમાં શું તપાસ હાથ ધરવામાં આવશે.
@ DHRUV KUNDEL
આ પણ વાંચો: ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે હવે ફરિયાદ નોંધાઈ
આ પણ વાંચો: રાજકુમાર જાટની મારપીટ થયાને હવે ફોરેન્સિક રિપોર્ટનું પણ સમર્થનઃ રતનલાલ
આ પણ વાંચો: રાજકુમાર જાટના મોતનાં મામલે ફોરેન્સિક રિપોર્ટમાં થયો ખુલાસો
