Ahmedabad News/ ગુજરાત હાઇકોર્ટમાં ફાયર સેફ્ટી મુદ્દે મહત્વની સુનાવણી: ગગનચુંબી ઇમારતોમાં દર ત્રણ માળે એક રિફ્યૂજ ફ્લોરનો નિયમ આવશે, નવા CGDCRની તૈયારી

ગુજરાત હાઇકોર્ટમાં ફાયર સેફ્ટી (Fire Safety) મુદ્દે મહત્વપૂર્ણ સુનાવણી. રાજ્ય સરકાર નવા CGDCR હેઠળ ગગનચુંબી ઇમારતોમાં દર ત્રણ માળે રિફ્યૂજ ફ્લોર, ફાયર નિયમોમાં સુધારા અને કાયમી ડિરેક્ટરની નિમણૂક સહિતના મહત્વના ફેરફારો કરશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
અમદાવાદ કોમનવેલ્થ 2030ને ધ્યાનમાં રાખી Fire Safety ના નિયમોમાં મોટા ફેરફાર

Ahmedabad News: રાજકોટ TRP ગેમ ઝોન અને અમદાવાદ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ જેવી દુર્ઘટનાઓ બાદ ગુજરાતમાં ફાયર સેફ્ટી (Fire Safety)ના અમલ અને નિયમોને વધુ અસરકારક બનાવવા અંગે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઈ હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠ સમક્ષ થયેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે ફાયર સેફ્ટી (Fire Safety)ને વધુ મજબૂત બનાવવા માટે આગામી સમયમાં નવા CGDCR (Comprehensive General Development Control Regulations) અમલમાં લાવવાની તૈયારી અંગે માહિતી આપી હતી.

ગગનચુંબી ઇમારતોમાં દર ત્રણ માળે રિફ્યૂજ ફ્લોરની જોગવાઈ

સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ 2030 જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓને ધ્યાનમાં રાખીને નવા CGDCR તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ નવા નિયમો હેઠળ ગગનચુંબી ઇમારતોમાં દર ત્રણ માળ પછી એક રિફ્યૂજ (ખાલી) ફ્લોર રાખવાની જોગવાઈ કરવામાં આવશે, જેથી આગ અથવા અન્ય ઈમરજન્સી દરમિયાન લોકોને સુરક્ષિત સ્થળ મળી રહે અને રેસ્ક્યૂ કામગીરી સરળતાથી થઈ શકે.

નાના પ્લે-ગ્રુપ અને ફટાકડાની દુકાનો માટે પણ નિયમોમાં સુધારાની માંગ

સુનાવણી દરમિયાન પાર્ટી-ઇન-પર્સન અમિત પંચાલે (Amit Panchal) રજૂઆત કરી હતી કે હાલના નિયમો મુજબ 500 ચોરસ મીટરથી નાની ફટાકડાની દુકાનો માટે ફાયર NOC ફરજિયાત નથી.તેમજ ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ચાલતા પ્લે-ગ્રુપ અને બાલવાડીઓમાં પણ નિયમિત ફાયર ઇન્સ્પેક્શન થતું નથી. આ બાબત ગંભીર હોવાનું જણાવી નિયમોમાં સુધારા કરવાની માંગ કરવામાં આવી હતી.

હાઇકોર્ટના ફાયર વિભાગને લઈને સવાલો

સુનાવણી દરમિયાન હાઇકોર્ટે (Gujarat High Court) રાજ્યના ફાયર વિભાગની કામગીરી અંગે પણ મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા હતા. ખાસ કરીને ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસિસમાં કાયમી ડિરેક્ટરની નિમણૂક હજુ સુધી ન થવા અંગે કોર્ટે સરકાર પાસે સ્પષ્ટતા માંગી હતી.સરકારે કોર્ટને ખાતરી આપી કે ટૂંક સમયમાં કાયમી ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવશે અને ફાયર વિભાગને વધુ સશક્ત બનાવાશે.

જાહેર સ્થળોએ મોકડ્રીલ યોજવા સૂચન

હાઇકોર્ટે રાજ્ય સરકારને જાહેર સ્થળોએ નિયમિત ફાયર મોકડ્રીલ યોજવા અને સામાન્ય નાગરિકોમાં આગ સમયે બચાવ અંગે જાગૃતિ વધારવા માટે પણ સૂચન કર્યું હતું.

Fire Safety: ફાયર સર્વિસનું ત્રિસ્તરીય માળખું

સુનાવણી દરમિયાન સરકારે ફાયર સર્વિસના વહીવટી માળખાની પણ માહિતી આપી.

મહાનગરપાલિકા વિસ્તાર: મ્યુનિસિપલ કમિશનર જવાબદાર રહેશે.

નગરપાલિકા વિસ્તાર: કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી અને અર્બન ડેવલપમેન્ટ વિભાગ દેખરેખ રાખશે.

ગ્રામ્ય અને પંચાયત વિસ્તાર: ડાયરેક્ટર ઓફ ફાયર સર્વિસ અને સ્ટેટ કન્ટ્રોલિંગ બોડી કામગીરી સંભાળશે.

સરકારે જણાવ્યું કે ફાયર સેફ્ટી (Fire Safety) અંગેની સમીક્ષા માટે પ્રિન્સિપાલ સેક્રેટરી દર 15 દિવસે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજે છે.

આગામી સુનાવણી પર નજર

હાઇકોર્ટે ફાયર સેફ્ટી (Fire Safety) સંબંધિત મુદ્દાઓ પર સરકારને જરૂરી કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી છે. સમગ્ર મામલે આગામી સુનાવણીમાં વધુ પ્રગતિ અંગેની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.


આ પણ વાંચો:AMCની પોતાની કચેરીમાં જ ફાયર સેફ્ટીના ધજાગરા, 4 મહિનાથી એક્સપાયર્ડ ફાયર એક્સટિંગ્વિશર

આ પણ વાંચો:અમદાવાદમાં આયતન એકેડેમી,એલન, આકાશ સહિત 17 કોચિંગ ક્લાસને ફાયર સેફ્ટી નોટિસ

આ પણ વાંચો:અમદાવાદમાં ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ: થલતેજ, બોડકદેવ અને વસ્ત્રાપુરની 6 હોટલો સીલ