Entertainment News: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને ભાજપના નેતા Mithun Chakraborty ની તબિયત બગડતા તેમને કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સર્જરી (Surgery) સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. સર્જરી બાદ તેમની તબિયત સ્થિર હોવાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું છે. અભિનેતાની હોસ્પિટલમાં ભરતીના સમાચાર સામે આવતા ચાહકોમાં ચિંતા ફેલાઈ હતી, જ્યારે અનેક રાજકીય નેતાઓ અને શુભેચ્છકો પણ તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
Mithun Chakraborty ની તબિયત લથડી, ડૉક્ટરોએ આપ્યું હેલ્થ અપડેટ
મિથુન ચક્રવર્તીને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાને કારણે કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગુરુવારે ડૉક્ટરોએ તેમની સફળ સર્જરી કરી હતી. હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તેમના શરીરમાં અગાઉ અકસ્માત બાદ લગાવવામાં આવેલી મેટલ પ્લેટ દૂર કરવામાં આવી છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ ઓપરેશન સફળ રહ્યું છે અને હાલ તેમની સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર છે. સારવાર બાદ તેઓ ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે અને ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે.
હોસ્પિટલમાં નેતાઓ અને શુભેચ્છકોની મુલાકાત
મિથુન ચક્રવર્તીની હોસ્પિટલમાં ખસેડાયાના સમાચાર મળતા જ પશ્ચિમ બંગાળના ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારી (Suvendu Adhikari) તેમને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. મુલાકાત બાદ તેમણે મીડિયાને જણાવ્યું કે અભિનેતાની તબિયત હવે સારી છે અને ડૉક્ટરોની ટીમ સતત તેમની દેખરેખ રાખી રહી છે. આ બીજી વખત છે જ્યારે શુભેન્દુ અધિકારી મિથુન ચક્રવર્તીની હોસ્પિટલમાં મુલાકાતે પહોંચ્યા છે. અગાઉ વર્ષ 2024માં હાથની ઓર્થોપેડિક સર્જરી દરમિયાન પણ તેમણે હોસ્પિટલમાં જઈ અભિનેતાની મુલાકાત લીધી હતી.
પાંચ દાયકાથી વધુનો સફળ ફિલ્મી સફર
મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) છેલ્લા પાંચ દાયકાથી ભારતીય ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. તેમણે વર્ષ 1976માં મૃણાલ સેનની ફિલ્મ ‘મૃગયા’થી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી, જેના માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો. વર્ષ 1982માં આવેલી ‘ડિસ્કો ડાન્સર’ ફિલ્મે તેમને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવી હતી. ત્યારથી તેમણે લગભગ 350થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને ભારતીય સિનેમાના સૌથી લોકપ્રિય અભિનેતાઓમાં સ્થાન મેળવ્યું છે.
સ્વસ્થ થયા બાદ ફરી મોટા પડદા પર કરશે વાપસી
સર્જરી બાદ મિથુન ચક્રવર્તી સ્વસ્થ થઈ રહ્યા છે અને ડૉક્ટરોની સલાહ મુજબ થોડા સમય માટે આરામ કરશે. સ્વાસ્થ્ય સંપૂર્ણ સુધર્યા બાદ તેઓ ફરી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત થશે. તેમની આગામી ફિલ્મોમાં સની દેઓલ સાથેની બંટવારા 1947 (Bantwara 1947) અને રજનીકાંતની બહુચર્ચિત ફિલ્મ જેલર 2 (Jailer 2) સામેલ છે. ચાહકો તેમના ઝડપથી સ્વસ્થ થઈ ફરી મોટા પડદા પર જોવા આતુર છે.
