Ahmedabad News: દિલ્હીમાં હોટલમાં લાગેલી આગની ગંભીર ઘટના બાદ અમદાવાદ ફાયર બ્રિગેડે શહેરની હોટલો અને કોમર્શિયલ બિલ્ડિંગોમાં વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરતી અનેક હોટલોને નોટિસ આપવામાં આવી હતી. જોકે, 7 દિવસની સમયમર્યાદા પૂર્ણ થયા છતાં ખામીઓ દૂર ન થતાં ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગે શહેરની 6 હોટલોને સીલ કરવાની કાર્યવાહી કરી છે.
આ હોટલોને સીલ કરવામાં આવી
ફાયર વિભાગ દ્વારા સીલ કરાયેલી હોટલોમાં થલતેજ, બોડકદેવ અને વસ્ત્રાપુર વિસ્તારની હોટલોનો સમાવેશ થાય છે.
હોટેલ રુદ્રા, ન્યૂ યોર્ક ટાવર, એસ.જી. હાઇવે
હોટેલ 4 ફૂડ, થલતેજ
હોટેલ કેપટાઉન, થલતેજ
અપોલો હોટેલ, બોડકદેવ
હોટેલ લેક ઇન, ગુરુકુલ રોડ, વસ્ત્રાપુર
હોટેલ ગ્રાન્ટ ઇન, બોડકદેવ
તપાસમાં શું સામે આવ્યું?
અમદાવાદ ફાયર બ્રિગેડના ડિવિઝનલ ફાયર ઓફિસર એસ.બી. જાડેજાના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન અનેક હોટલોમાં ગંભીર ફાયર સેફ્ટી ખામીઓ સામે આવી હતી. કેટલાક સ્થળોએ ફાયર સિસ્ટમ કાર્યરત નહોતી, જ્યારે રસોડામાં ઓટોમેટિક ફાયર સપ્રેશન સિસ્ટમનો અભાવ જોવા મળ્યો હતો. ઉપરાંત LPG ગેસ પાઇપલાઇનમાં લીકેજ અને અન્ય સુરક્ષા સંબંધિત ખામીઓ પણ મળી આવી હતી.
સામાન્ય ફાયર સેફ્ટી ઉલ્લંઘનો
તપાસ દરમિયાન નીચે મુજબની ખામીઓ સૌથી વધુ જોવા મળી હતી:
કિચન વિભાગ
કિચન હૂડ અને ડક્ટમાં ગ્રીસનો જથ્થો
ઓટોમેટિક ફાયર સપ્રેશન સિસ્ટમનો અભાવ
LPG પાઇપલાઇનમાં લીકેજ
ગેસ ડિટેક્ટર ન હોવા
એક્ઝોસ્ટ ડક્ટની નિયમિત સફાઈ ન કરવી
બિલ્ડિંગ વિભાગ
ઇમરજન્સી એક્ઝિટ અવરોધિત અથવા બંધ
સ્ટેરકેસમાં સામગ્રીનો જથ્થો
ફાયર ડોર બિનકાર્યરત
ફાયર એલાર્મ અને સ્પ્રિંકલર સિસ્ટમમાં ખામીઓ
ઇલેક્ટ્રિકલ વિભાગ
ઓવરલોડેડ વાયરિંગ
ખુલ્લા ઇલેક્ટ્રિકલ જોડાણો
DG સેટ રૂમમાં ફાયર પ્રોટેક્શનનો અભાવ
અર્થિંગ અને લાઇટનિંગ પ્રોટેક્શનમાં ખામી
ફાયર વિભાગની ચેતવણી
ફાયર વિભાગે જણાવ્યું છે કે “ફાયર સેફ અમદાવાદ” અભિયાન હેઠળ તમામ હોટલો, રેસ્ટોરન્ટ, ગેસ્ટ હાઉસ, બેન્ક્વેટ હોલ અને કોમર્શિયલ બિલ્ડિંગોએ અગ્નિ સુરક્ષા સંબંધિત તમામ નિયમોનું કડક પાલન કરવું જરૂરી છે. જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગંભીર ઉલ્લંઘન કરનાર સંસ્થાઓ સામે સીલિંગ, દંડ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સુરક્ષા સર્વોપરી
ફાયર વિભાગે તમામ સંચાલકોને માન્ય ફાયર NOC, કાર્યરત ફાયર એલાર્મ સિસ્ટમ, સ્પ્રિંકલર સિસ્ટમ, ઇમરજન્સી એક્ઝિટ અને સ્ટાફ માટે નિયમિત ફાયર ડ્રિલ જેવી વ્યવસ્થાઓ જાળવવા અપીલ કરી છે. વિભાગનું કહેવું છે કે આગ જેવી દુર્ઘટનાઓ અટકાવવા માટે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન અનિવાર્ય છે.
