National News/ અમીરો પર બેન્કો મહેરબાન અને ગરીબોને ધક્કા! SBI ની લોન નીતિ પર ભડકી સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) ની ભેદભાવભરી નીતિ પર આકરી ટીકા કરી છે. વગર તપાસે મોટા માથાઓને કરોડોની લોન આપવા અને હપ્તો ન ભરનારી હરિયાણાની કંપનીની પ્રોપર્ટી જપ્ત કરવાનો આદેશ આપ્યો છે.

NATIONAL Top Stories India
SBI

Supreme Court Slams SBI 2026: દેશની સર્વોચ્ચ અદાલતે (Supreme Court) સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) સહિત દેશની તમામ સરકારી બેન્કોની કામ કરવાની પદ્ધતિ અને ભેદભાવભરી નીતિ સામે ભારે નારાજગી વ્યક્ત કરી લાલ આંખ કરી છે. સુપ્રીમ કોર્ટે ખૂબ જ આકરા શબ્દોમાં બેન્કોની ટીકા કરતા જણાવ્યું છે કે, આ બેન્કો સામાન્ય નાગરિકોને પોતાની નાની-નાની જરૂરિયાતો માટે લોન આપવાના નામે ભારે હેરાન-પરેશાન કરે છે, જ્યારે મોટા ઉદ્યોગપતિઓ પર વગર તપાસે કરોડો-અબજો રૂપિયાની લહાણી કરી રહી છે.

સામાન્ય માણસ માટે લોઢાના ચણા, અમીરો માટે નિયમો નેવે!

જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે સુનાવણી દરમિયાન ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, હાલમાં બેન્કિંગ સેક્ટરમાં આ એક અત્યંત ગંભીર અને ચિંતાજનક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

દેશના સામાન્ય નાગરિક કે ગરીબ વર્ગને પોતાના અંગત કામ કે વ્યવસાય માટે નાની લોન લેવી હોય, તો બેન્કોના ચક્કર કાપી-કાપીને લોઢાના ચણા ચાવવા પડે છે. અનેક કડક પ્રક્રિયાઓ અને ધક્કા ખાધા બાદ પણ તેમને લોન મળવી મુશ્કેલ બને છે.

બીજી તરફ, મોટા-મોટા અમીર ઉદ્યોગપતિઓ અને મોટી કંપનીઓને કોઈપણ પ્રકારની ઊંડી તપાસ કે યોગ્ય વિચાર-વિમર્શ વગર કરોડો રૂપિયાની લોન આસાનીથી પાસ કરી દેવામાં આવે છે. ચિંતાની વાત એ છે કે, થોડા જ સમયમાં આ લોન ડૂબી જાય છે (NPA થઈ જાય છે), જે આડકતરી રીતે દેશના અર્થતંત્રને મોટું નુકસાન પહોંચાડે છે.

SBI
supreme-court-slams-sbi-over-loan-rules

₹8.09 કરોડની લોન લીધી અને એક પણ હપ્તો ન ભર્યો!

સુપ્રીમ કોર્ટે જે કેસના આધારે આ ફટકાર લગાવી છે તે વિવાદ હરિયાણાની એક કંપની સાથે જોડાયેલો છે:

આ કંપનીએ વર્ષ 2019માં એસબીઆઈ (SBI) પાસેથી 8.09 કરોડ રૂપિયાની મોટી લોન લીધી હતી. પરંતુ લોન પાસ થતાં જ કંપનીએ તેનો એક પણ હપ્તો ચૂકવ્યો ન હતો, જેથી બેન્કે આ ખાતાને ટૂંક સમયમાં જ NPA (ડૂબત ખાતું) જાહેર કરવું પડ્યું હતું.

આશરે 6 વર્ષ સુધી હાથ અધ્ધર રાખ્યા બાદ આ કંપની કોર્ટના શરણે પહોંચી હતી અને એવી ચાલાકીભરી દલીલ કરી કે તે વ્યાજ વગર માત્ર મૂળ રકમ (Principal Amount) જ ચૂકવવા તૈયાર છે. સુપ્રીમ કોર્ટે કંપનીની આ શરત માનવાનો સાફ ઇનકાર કરી તેની અરજી ફગાવી દીધી છે.

SBI ના અધિકારીઓ પણ રડારમાં

સર્વોચ્ચ અદાલતે આ કેસમાં કડક વલણ અપનાવતા ડિફોલ્ટર કંપનીની તમામ સંપત્તિ (પ્રોપર્ટી) તાત્કાલિક જપ્ત કરવાનો મોટો આદેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે લોન પાસ કરનારા SBIના જવાબદાર અધિકારીઓની ઘોર બેદરકારીની પણ આકરી ટીકા કરી છે.

કોર્ટે ટકોર કરી છે કે હવે સમય આવી ગયો છે કે બેન્કો પોતાની લોન આપવાની અને તેની વસૂલાત (રિકવરી) કરવાની આખી પ્રક્રિયાને સરળ, નિષ્પક્ષ અને માનવીય બનાવે, જેથી તેનો ખરો ફાયદો આર્થિક રીતે નબળા વર્ગને મળી શકે, નહીં કે માત્ર મોટા ઉદ્યોગપતિઓને.


આ પણ વાંચો :બૅન્કોની દાદાગીરી પર RBI નો હથોડો! મરજી વગર વીમો આપ્યો તો ચૂકવવું પડશે વળતર

આ પણ વાંચો :RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટ 5.25% પર રાખ્યો યથાવત,GDP ગ્રોથનું અનુમાન ઘટાડ્યું

આ પણ વાંચો :ઈરાન યુદ્ધના લીધે ભારતમાં મોંઘવારી વધશે અને GDP ગ્રોથ ઘટશે, RBI એ જાહેર કર્યો નવો રિપોર્ટ