- મેયરના જ વોર્ડમાં લોકોએ આક્રોશનો વ્યક્ત કર્યો
- સયાજીગંજ વિધાનસભા બેઠકના MLA સામે નારાજગી
- ગોરવા પંચવટી વિસ્તારમાં લોકોએ MLAને ઘેર્યા
- લોકોએ ગંદકી અને રોડ બાબતે ખરી ખોટી સંભળાવી
- MLAની સાથે ભાજપનાં કાઉન્સિલરોનો પણ ઘેરાવ
- રોડનાં કામનું ખાતમુહુર્ત કરવા પહોંચ્યાં હતા MLA
- ચુંટણી વખતે જ MLA દેખાતા હોવાનો લોકોનો આક્ષેપ
આવનારી વર્ષ 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. તેવામાં રાજ્ય સરકાર પણ જનતા માટે કરેલા વિકાસ લક્ષી કામોને લઈને જનતા પાસે મત માગવા જશે. તેવામાં જનતાના અધૂરા વિકાસના કામો પૂરા કરવા માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. અધૂરા વિકાસના કામોને પૂરા કરવા એ રાજ્ય સરકારની હવે પ્રાથમિકતા રહેશે.
રોડ રસ્તા ગટર પાણી વીજળી અને ગંદકી જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવી જનતા વચ્ચે જઈ શકાશે તો જ મત મેળવવામાં અને ભારતીય જનતા પાર્ટીને વધુ એક વખત સરકાર બનાવવા માટે આગળ વધી શકાય તે પ્રકારના આયોજનો કરી સરકાર રહી છે.
જોકે આવા જ એક વિકાસને કામ માટે વડોદરા શહેરના ગોરવા પંચવટી વિસ્તારમાં પહોંચેલા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા ને સ્થાનિક લોકોના આક્રોશ ના ભોગ બનવું પડ્યું હતું. મહત્વની વાત છે ગોરવા પંચવટી વિસ્તારમાં જ્યારે ધારાસભ્ય પોતે રોડ રસ્તા ના કામ માટે પહોંચ્યા હતા ત્યારે આ વિસ્તારમાં તેઓ માત્ર વિધાનસભાની ચૂંટણી ટાણે જ દેખાય છે તેવો રોષ પણ જનતામાંથી ઉઠ્યો હતો.
સ્થાનિકોએ ધારાસભ્ય સાથેસાથે ઉપસ્થિત ભાજપના આગેવાનોને પણ ઘેરી લીધા હતા અને આ વિસ્તારમાં માત્ર રોડ રસ્તા નહિ પરંતુ ગંદકી અને પાણીની સમસ્યા પણ એક મોટી તકલીફ હોવાની રજૂઆત કરી હતી. સાથેસાથે આ સમસ્યાઓના નિવારણ લાવવા માટે તેમણે ધારાસભ્યોને કહ્યું હતું. ઉપસ્થિત લોકોના આ ઘેરાવાને લઈને ધારાસભ્ય પણ એક સમયે ચોકી ગયા હતા, અને બાદમાં ઉપસ્થિત બીજા કેટલાક લોકોએ સ્થાનિકોને સમજાવી અને ખાતમુરતની પ્રક્રિયા આગળ વધારવાની કામગીરી કરી હતી. મહત્વનું છે કે વિકાસના દાવા સાથે આગળ વધી રહેલી રાજ્ય સરકાર સાચા અર્થમાં જનતાની જરૂરિયાતના કામો પૂરા કરશે તો આ પ્રકારના દ્રશ્યો ઊભા નહીં થાય પરંતુ માત્ર દાવા અને વાયદા અને ત્યારબાદ અધૂરા કામોના કારણે હવે ક્યાંકને ક્યાંક લોકોમાં પણ આક્રોશ અને અસંતોષની લાગણી છે જે બહાર આવી રહી છે અને તેનો જ ભોગ મુખ્ય આગેવાનો જ્યારે રસ્તા પર અને મત માગવા નીકળશે ત્યારે ચોક્કસથી બનવું પડશે.
જોવાનું છે કે આ પ્રકારના અસંતોષ અને અધૂરા કામો અને પડી રહેલી તકલીફોના કારણે નાગરિકોની હેરાનગતિને લઈને આવનારી વિધાનસભા 2022 ની ચૂંટણીમાં કયા પ્રકારના દ્રશ્યો ઊભા થાય છે
