80th Independence Day: ભારત આજે 80મો સ્વતંત્રતા દિવસ રાષ્ટ્રીય ગૌરવ અને ઉત્સાહ સાથે ઉજવી રહ્યું છે. દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સમારોહનું નેતૃત્વ કરી રહ્યા છે. આ વર્ષની ઉજવણીનું વિશેષ મહત્વ છે, કારણ કે ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠ પણ આ પ્રસંગે ઉજવાઈ રહી છે.
લાલ કિલ્લા ખાતે યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં પ્રથમ વખત ઔપચારિક રીતે ‘વંદે માતરમ’નું ગાન કરવામાં આવશે. સમગ્ર સમારોહમાં દેશના યુવાનોની શક્તિ, નવી વિચારસરણી અને ભવિષ્યની આશાઓને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યમાં યુવા પેઢીની ભૂમિકા પણ ઉજાગર કરવામાં આવી રહી છે.
વડાપ્રધાનના લાલ કિલ્લા પર આગમન બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ વડાપ્રધાન ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરશે. આ ગાર્ડ ઓફ ઓનરમાં ભારતીય સેના, નૌકાદળ, વાયુસેના અને દિલ્હી પોલીસના જવાનો સામેલ રહેશે.
સમારોહ દરમિયાન વડાપ્રધાન રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે અને ત્યારબાદ 1721 ફિલ્ડ બેટરી દ્વારા 21 તોપોની સલામી આપવામાં આવશે. ધ્વજવંદન સમયે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે. ત્યારબાદ વડાપ્રધાન દેશને સંબોધિત કરશે.
સમારોહના અંતિમ તબક્કામાં આશરે 2,500 NCC કેડેટ્સ અને માય ભારતના સ્વયંસેવકો દ્વારા ‘વંદે માતરમ’ તથા રાષ્ટ્રગીતનું સામૂહિક ગાન કરવામાં આવશે.
દરમિયાન, હવામાન વિભાગે દિલ્હીમાં આજે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. શહેરમાં મહત્તમ તાપમાન 32થી 34 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની આગાહી છે.
સ્વતંત્રતા દિવસના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને લાલ કિલ્લા અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે. સુરક્ષા માટે 1,000થી વધુ AI આધારિત CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા કડક દેખરેખ સાથે વિવિધ સ્થળોએ મોકડ્રીલ પણ યોજાઈ રહી છે, જેથી સમગ્ર રાષ્ટ્રીય સમારોહ શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થઈ શકે.
આ પણ વાંચો:ભારતની શાન છે રાષ્ટ્રીય ધ્વજ, જાણો તેને લહેરાવવાનો નિયમ અને કાયદો
આ પણ વાંચો:દેશને એક સૂત્રમાં બાંધે છે તિરંગો, જાણો રાષ્ટ્રીય ધ્વજનો ઇતિહાસ
આ પણ વાંચો:કોણે વિચાર્યું હતું દેશનો અનમોલ રાષ્ટ્રધ્વજ નિર્માણ કરનાર નારીરત્નના વંશજો ગુજરાતમાં વસવાટ કરે છે!
