Dharma & Bhakti/ 7 કરોડ વર્ષ જૂનું સોમનાથ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ, જાણો શા માટે અને કેવી રીતે થઈ હતી સ્થાપના!

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ (Somnath Mahadev)નો 7 કરોડ વર્ષ જૂનો ઈતિહાસ, ચંદ્રદેવની શાપમુક્તિની પૌરાણિક કથા, ચારેય યુગમાં નિર્માણ, નાગર શૈલીનું સ્થાપત્ય, બાણસ્તંભનું રહસ્ય અને સરદાર પટેલ દ્વારા પુનઃનિર્માણની સંપૂર્ણ માહિતી વાંચો આ વિગતવાર અહેવાલમાં.

Dharma & Bhakti Aaj Nu Rashifal Top Stories Trending
Somnath Mahadev – The First Jyotirlinga

 Dharma & Bhakti News : અફાટ અરબી સમુદ્રના કિનારે આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ (First Jyotirlinga )સોમનાથ મહાદેવ (Somnath Mahadev )નું મંદિર વિશ્વભરના શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક પૌરાણિક ‘પ્રભાસ તીર્થ'(Prabhas Tirtha) ક્ષેત્રમાં મહાદેવ સાક્ષાત્ બિરાજમાન છે. દંતકથાઓ અને પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ પવિત્ર શિવલિંગની સ્થાપના સ્વયં ચંદ્રદેવે (સોમ) કરી હતી, જેના કારણે તેઓ ‘સોમનાથ મહાદેવ’ તરીકે પૂજાય છે. શ્રાવણ માસમાં અહીં લાખો ભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આવો જાણીએ સોમનાથ જ્યોતિર્લિંગ વિશેની કેટલીક અત્યંત રોચક અને પૌરાણિક વાતો.

Somnath Mahadev : પૌરાણિક કથા: ચંદ્રદેવની શાપમુક્તિ અને સોમનાથની સ્થાપના

દંતકથા અનુસાર, ચંદ્રદેવના લગ્ન પ્રજાપતિ દક્ષની 27 પુત્રીઓ (જે ૨૭ નક્ષત્રો તરીકે ઓળખાય છે) સાથે થયા હતા. જોકે, ચંદ્રદેવ માત્ર રોહિણી પ્રત્યે જ વધુ આસક્ત હતા અને અન્ય 26 પત્નીઓની અવગણના કરતા હતા. આ જોઈને વ્યથિત થયેલા સસરા દક્ષે ચંદ્રદેવને ‘તેજહીન’ અને ‘ક્ષીણ’ થવાનો શાપ આપ્યો. શાપના કારણે ચંદ્રદેવનું તેજ ધીમે-ધીમે ઘટવા લાગ્યું.

આ સંકટમાંથી બચવા ચંદ્રદેવે બ્રહ્માજીની સલાહ લીધી. બ્રહ્માજીના સૂચન મુજબ, તેઓ પ્રભાસ તીર્થ પર આવ્યા અને અરબી સમુદ્રના કિનારે ભગવાન શિવની કઠોર તપશ્ચર્યા શરૂ કરી. ચંદ્રદેવની અટલ ભક્તિથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને શાપમાંથી મુક્તિ આપી અને આશીર્વાદ આપ્યા. ચંદ્રદેવની વિનંતી પર, ભગવાન શિવ ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિર થયા. ચંદ્રદેવનું બીજું નામ ‘સોમ’ હોવાથી આ સ્થાન ‘સોમનાથ’ તરીકે જગતભરમાં પ્રખ્યાત થયું.

MAHADEV

ચારેય યુગમાં મંદિરનું નવનિર્માણ

‘સોમનાથ પ્રશસ્તિ’ (ઈ.સ. ૧૨૨) અનુસાર, સોમનાથનું આ ભવ્ય શિવાલય ચારેય યુગમાં અલગ-અલગ સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવ્યું હતું.

સતયુગ: ચંદ્રદેવે (સોમ) આ મંદિર સંપૂર્ણપણે સોનાથી બનાવડાવ્યું હતું.

ત્રેતાયુગ: લંકાપતિ રાવણે આ મંદિર ચાંદીમાંથી બનાવડાવ્યું હતું.

દ્વાપરયુગ: ભગવાન શ્રીકૃષ્ણે આ મંદિર ચંદનના લાકડામાંથી તૈયાર કરાવ્યું હતું.

કલિયુગ: સોલંકી વંશના રાજા ભીમદેવે આ મંદિર પથ્થરોથી બનાવડાવ્યું હતું

શ્રાવણના ત્રીજા દિવસે થઈ હતી પહેલી પ્રાણ-પ્રતિષ્ઠા

પ્રાચીન શાસ્ત્રીય ગ્રંથો (Ancient classical texts)પર આધારિત સંશોધનો દર્શાવે છે કે સોમનાથ જ્યોતિર્લિંગની સૌપ્રથમ પ્રાણ-પ્રતિષ્ઠા અત્યંત પૌરાણિક કાળમાં થઈ હતી. વારાણસીની જગદગુરુ શંકરાચાર્ય વૈદિક શોધ સંસ્થાનના અધ્યક્ષ સ્વામી ગજાનંદ સરસ્વતીજીના જણાવ્યા અનુસાર, સ્કંદ પુરાણના પ્રભાસખંડની પરંપરા મુજબ, આ પ્રથમ મંદિરનું નિર્માણ આશરે 7,33,25,105 વર્ષ પહેલાં વૈવસ્વત મન્વંતરના દસમા ત્રેતાયુગમાં શ્રાવણ માસના ત્રીજા દિવસે કરવામાં આવ્યું હતું.

કેવું છે સોમનાથ મંદિરનું માળખું?

સોમનાથ મંદિરનું ભવ્ય સ્થાપત્ય અને ભૌગોલિક સ્થાન અત્યંત વિશિષ્ટ છે.

ઊંચાઈ અને પરિમાણ: મંદિરની જમીનથી શિખર સુધીની ઊંચાઈ 155 ફૂટ છે. શિખર પર 37 ફૂટ ઊંચો ધ્વજદંડ અને 104 ફૂટ લાંબી ધ્વજા લહેરાય છે.

સાત માળ: મંદિરમાં કુલ સાત માળ છે, જેમાં ગર્ભગૃહ અને તેની ઉપરના છ માળનો સમાવેશ થાય છે.

સભા અને નૃત્ય મંડપ: મંદિરના સભાગૃહ અને નૃત્ય મંડપમાં ત્રણ-ત્રણ માળ છે. ગર્ભગૃહના શિખર પર 10 ટન વજનનો પથ્થરનો કળશ સ્થાપિત છે. સભામંડપ અને નૃત્ય મંડપના ઘુમ્મટ પર 1001 કળશ કોતરવામાં આવ્યા છે.

બાણસ્તંભનું રહસ્ય: મંદિરના આ સ્થાપનની સૌથી મોટી ભૌગોલિક વિશેષતા એ છે કે ત્યાંથી દક્ષિણ ધ્રુવ સુધી દરિયાઈ માર્ગે સીધી લીટીમાં જઈએ તો વચ્ચે ક્યાંય પણ જમીનનો કોઈ ટુકડો આવતો નથી.

MAHADEV

કેવો છે સોમનાથ મંદિરનો વાસ્તુ વૈભવ?

સોમનાથ મંદિરનું સ્થાપત્ય વાસ્તુવિદ્યાના ઉત્કૃષ્ટ નમૂના સમાન છે

નાગર શૈલી: આ મંદિરનું બાંધકામ ભારતીય સ્થાપત્યની ‘નાગર શૈલી’માં કરવામાં આવ્યું છે. વાસ્તુવિદ્યા અનુસાર, શિવ પ્રાસાદના પાંચ પ્રકારો (વૃષભ, ગિરીકુટ, કૈલાસ, અમરલ અને મેરૂ) માંથી વર્તમાન સોમનાથ મંદિર ‘કૈલાસ મહામેરૂ પ્રાસાદ’ તરીકે ઓળખાય છે.

ખગોળીય રહસ્ય: આ મંદિરની એક મોટી ખાસિયત એ છે કે કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ આકાશનો ચંદ્ર અને ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગ બંને એક જ સીધી રેખામાં આવી જાય છે. આ દ્રશ્ય એવું લાગે છે જાણે મહાદેવ સાક્ષાત્ ધરતી પર અવતર્યા હોય.

આક્રમણો, ભગ્ન અવશેષો અને પુનઃનિર્માણનો ઈતિહાસ

વિધર્મી આક્રમણકારોએ આ ભવ્ય મંદિરને અનેકવાર લૂંટ્યું અને ખંડિત કર્યું. ઈ.સ. 1026 માં મહમૂદ ગઝની, ઈ.સ. 1347 માં અલ્લાઉદ્દીન ખિલજીના સરદાર અફઝલ ખાન, તેમજ ઈ.સ. 1390, 1451, 1490, 1511, 1530 અને 1701 માં ઔરંગઝેબ સહિતના આક્રમણકારોએ મંદિર પર હુમલા કર્યા.

સરદાર પટેલનો સંકલ્પ

આટલી પછડાટો પછી પણ મંદિર પુનઃ સ્થાપિત થતું રહ્યું. 13 નવેમ્બર 1947 ના રોજ ખંડિત સોમનાથ મંદિરની મુલાકાત લઈ સરદાર વલ્લભભાઈ પટેલે મંદિરના પુનઃનિર્માણનો ઐતિહાસિક સંકલ્પ લીધો.

પુનઃપ્રાણ-પ્રતિષ્ઠા: સરદાર પટેલના સંકલ્પ સાથે આધુનિક મંદિર તૈયાર થયું અને 11 મે 1951 ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી.

આજે સોમનાથ મંદિર અડીખમ ઊભું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)સોમનાથ ટ્રસ્ટના ચેરમેન છે. પરિસરમાં શ્રીકપર્દી વિનાયક અને શ્રીહનુમાનજીનું મંદિર પણ છે. દરરોજ સાંજે મંદિર રોશનીથી ઝળહળી ઉઠે છે અને રાત્રે 8:00 થી 9:00 દરમિયાન ઓપન એર થિયેટરમાં ભવ્ય ‘લાઈટ એન્ડ સાઉન્ડ શો’ યોજાય છે.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :