Not Set/ રશિયામાં મોસ્કો ફોર્મેટ બેઠકમાં આજે ભારત અને તાલિબાન આમને સામને

આજે 20 ઓક્ટોબર રશિયાની રાજધાનીમાં મોસ્કો ફોર્મેટ બેઠકમાં ભારતના પ્રતિનિધિ અને તાલિબાની અધિકારીઓ સામ સામે આવશે

Top Stories India
mosco રશિયામાં મોસ્કો ફોર્મેટ બેઠકમાં આજે ભારત અને તાલિબાન આમને સામને

અફઘાનિસ્તાનની પર સત્તા મેળવ્યા બાદ પહેલીવાર ભારત અને તાલિબાનો વચ્ચે એક બેઠક થવા જઇ રહી છે ,આજે 20 ઓક્ટોબર રશિયાની રાજધાનીમાં મોસ્કો ફોર્મેટ બેઠકમાં ભારતના પ્રતિનિધિ અને તાલિબાની અધિકારીઓ સામ સામે આવશે.જેમાં અફઘાનિસ્તાનની સુરક્ષાની સ્થિતિ અને એક સમાવિષ્ટ સરકારની રચના અંગે ચર્ચા થવાની ધારણા છે. 5 ઓગસ્ટના રોજ તાલિબાન દ્વારા અશરફ ગની સરકારને ઉથલાવ્યા બાદ આ ‘મોસ્કો ફોર્મેટ’ નું આ પ્રથમ સંસ્કરણ છે.

રશિયાએ માહિતી આપી છે કે 10 દેશો અને તાલિબાનનું પ્રતિનિધિમંડળ મોસ્કો ફોર્મેટની બેઠકમાં અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ભાગ લેશે. આ બેઠક આજે એટલે કે 20 ઓક્ટોબરે યોજાવાની છે, જેમાં ભારત પણ મહત્વની ભૂમિકા ભજવશે. ભારતે આ બેઠકમાં ભાગ લેવા માટે હા પાડી દીધી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે 20 ઓક્ટોબરે અફઘાનિસ્તાન મુદ્દે મોસ્કો ફોર્મેટ પર બેઠક માટે આમંત્રણ મળ્યું છે અને અમે તેમાં ભાગ લઈ રહ્યા છીએ. એટલું જ નહીં, પાકિસ્તાન અને ચીન પણ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.

મોસ્કો ફોર્મેટની ત્રીજી બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંયુક્ત સચિવ જેપી સિંહ કરશે, જે વિદેશ મંત્રાલયમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન-ઈરાન ડેસ્કના વડા છે. મોસ્કોમાં બેઠક દરમિયાન ભારતીય ટીમ અને તાલિબાન વચ્ચે અનૌપચારિક સંપર્કની શક્યતાને નકારી શકાય નહીં. સ્પુટનિક અહેવાલ આપે છે કે મોસ્કોમાં બેઠકમાં સૈન્ય, અફઘાનિસ્તાનની રાજકીય પરિસ્થિતિ, એક સમાવિષ્ટ સરકારની રચના અને માનવીય કટોકટીને રોકવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

રશિયાના વિદેશ મંત્રી સેર્ગી લાવરોવ બેઠકમાં ભાગ લેનારાઓને સંબોધિત કરશે. રશિયન વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે અફઘાનિસ્તાનમાં લશ્કરી અને રાજકીય વિકાસની સંભાવનાઓ અને સમાવેશી સરકારની રચના અંગે ચર્ચા કરવામાં આવશે.તાલિબાન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વચગાળાની અફઘાન સરકારના નાયબ વડાપ્રધાન અબ્દુલ સલામ હનાફી કરશે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ કહાર બલ્ખીએ ટ્વિટર પર આ માહિતી લખી છે.