Banaskantha/ ઇતિહાસમાં પ્રથમ વખત ભારત-પાક. આંતરરાષ્ટ્રીય સરહદ પર યોગ દિનની ઉજવણી

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં..

Gujarat Trending Breaking News
Image 2024 06 21T093332.896 ઇતિહાસમાં પ્રથમ વખત ભારત-પાક. આંતરરાષ્ટ્રીય સરહદ પર યોગ દિનની ઉજવણી

Banaskantha News: આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં રાજ્યકક્ષાની ઉજવણી બનાસકાંઠાના નડાબેટ ખાતે કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મહાનુભાવોએ હાજરી આપી હતી.

WhatsApp Image 2024 06 21 at 7.46.18 AM ઇતિહાસમાં પ્રથમ વખત ભારત-પાક. આંતરરાષ્ટ્રીય સરહદ પર યોગ દિનની ઉજવણી

નડાબેટ ખાતે મહાનુભાવો તેમજ 2500થી વધુ લોકોએ યોગ અને પ્રાણાયામ કર્યા છે. આર્મીના જવાનો અને અધિકારીઓએ પણ યોગ કર્યા છે. મહત્વનું છે કે વર્ષ 2015માં પ્રથમ આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી  કરવામાં આવી હતી. મહર્ષિ પતંજલિએ અષ્ટાંગ યોગની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014 માં સંયુક્ત રાષ્ટ્ર્માં પ્રસ્તાવ પાસ કરાવ્યો હતો.

ઇતિહાસમાં પ્રથમવાર ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરના ઝીરો પોઇન્ટ, નડાબેટ, બનાસકાંઠા ખાતે યોગ દિવસની રાજયકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પહેલીવાર આંતરરાષ્ટ્રીય સીમા પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા યોગ દિવસની ઉજવણી નિમિત્તે શ્રીનગરથી કરાયેલા સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.

રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવતાં યોગને દૈનિક જીવનમાં અપનાવવા આહવાન કર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપણી પ્રાચીન પરંપરા સમા યોગને વૈશ્વિક ઓળખ અપાવી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં સવા કરોડ કરતાં વધુ લોકો આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા છે, એ આનંદની વાત છે. છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં યોગના પ્રચાર-પ્રસાર માટે 51 યોગ સ્ટુડિયોની સ્થાપના કરવામાં આવી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ યોગના માહાત્મ્ય વિશે વધુ વાત કરતાં જણાવ્યું હતું કે યોગ આરોગ્ય સુખાકારીનું સબળ માધ્યમ બન્યું છે. તણાવમુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે. યોગ આત્મવિશ્વાસ નહિ, આત્મસંયમ છે. સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગ સર્વોત્તમ છે. કોરોના કાળમાં યોગ ઘર ઘરમાં સ્વીકૃતિ પામ્યો હતો, એવું તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને પગલે યુનો દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આજે વિશ્વના ખૂણે ખૂણે યોગ પહોંચ્યો છે. યોગ લોકોને આરોગ્યપ્રદ જીવનશૈલીની પ્રેરણા પૂરી પાડે છે. આપણે સૌ નિયમિત યોગાભ્યાસ થકી જીવનને સાર્થક બનાવવા સંકલ્પબદ્ધ બનીએ એવું જણાવી મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના તમામ નાગરિકોને નિરામય જીવનની શુભકામનાઓ પાઠવી હતી.

વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ સીમાવર્તી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

અધ્યક્ષશ્રીએ યોગ દિવસની શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, આજે આખી દુનિયા યોગના મહત્ત્વને સમજવા લાગી છે, જ્યાં માનવતા છે ત્યાં યોગ છે. શરીરના સુખ માટે નહીં, પરંતુ સંપૂર્ણ સુખની અનુભૂતિ યોગ દ્વારા થાય છે. મનની શાંતિ, ચિત્તની શુદ્ધિ અને બુદ્ધિના વિકાસ સહિત આત્માના શાશ્વત સુખ માટે યોગ જરૂરી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલ રાજપૂતે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બનેલા તમામનું સ્વાગત કરી તેમને આવકાર્યા હતા. તેમણે આંતરરાષ્ટ્રીય યોગ પ્રોટોકોલ અનુસાર વિવિધ આસનો અને પ્રાણાયામનું નિદર્શન કરી યોગ કરાવ્યા હતા. રોજિંદા જીવનમાં યોગ અપનાવવામાં આવે તો યોગી, નિરોગી બનવાની સાથે સમાજમાં સહયોગી અને ઉપયોગી બનવાની પ્રેરણાત્મક ઊર્જા મળતી હોવાનું, તેમણે જણાવ્યું હતું.

21 મી જૂનને વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ‘સ્વયં અને સમાજ માટે યોગ’ થીમ પર રાજ્યમાં પણ વિવિધ જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યકક્ષાની ઉજવણીનું જીવંત પ્રસારણ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું હતું.

રાજ્યકક્ષાની ઉજવણીમાં યુવક સેવા અને સાંસ્કૃતિક બાબતો વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, BSF આઈ.જી. અભિષેક પાઠક, પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી કેશાજી ચૌહાણ, પ્રવીણભાઈ માળી, અનિકેત ઠાકર, લવિંગજી સોલંકી, બનાસકાંઠાના કલેકટર શ્રી વરુણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, સુઇગામ પ્રાંત અધિકારીશ્રી કાર્તિક જીવાણી સહિત અધિકારી ગણ, કર્મચારી ગણ, યોગ ટ્રેનરો, યોગ પ્રેમીઓ, યોગાભ્યાસુઓ સહિત 3000 જેટલા લોકો સહભાગી બન્યા હતા.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં રથયાત્રા પહેલા યોજાશે ભગવાનની જળયાત્રા, 22 જૂને પૂજા વિધિ કરાશે

આ પણ વાંચો: વડોદરામાં પ્રદૂષિત પાણી પીવા નાગરિકો લાચાર

આ પણ વાંચો: સિક્કિમના લાચુંગમાં વડોદરાના પરિવારને કરાયો રેસ્ક્યું