જબલપુર: મધ્યપ્રદેશના જબલપુરમાં શનિવારે Congress અધ્યક્ષ રાહુલ ગાંધીના રોડ શો દરમિયાન કંઇક એવુ થયું હતું કે, અચાનક બનેલી આ ઘટનાથી રેલીમાં ઉપસ્થિત રહેલા સૌ કોઈ ગભરાઇ ગયા હતા. રોડ શો દરમિયાન રાહુલ ગાંધી જ્યારે મિની બસમાં સવાર હતા ત્યારે તેમનાથી થોડા જ દૂરનાં અંતરે અચાનક આગ લાગી હતી. આ આગ કેમ લાગી તે એકદમ તો કોઇ જ સમજી ન શક્યું કે આ શું થયું છે?
આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણી સંદર્ભે શનિવારે જબલપુર ખાતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રોડ શો માટે આવ્યા હતા. તેમનો રોડ શો ચાલી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ સમર્થકો દ્વારા રાહુલ ગાંધીની આરતી ઉતારવા માટે થાળી લાવવામાં આવી હતી. આ આરતીની થાળી પાસે ગેસ ભરેલા ફુગ્ગા પણ રાખવામાં આવ્યાં હતાં.
આ દરમિયાનમાં આરતીની થાળીમાં રહેલા દીવાઓની આગની જ્વાલા જેવી ફુગ્ગા પર લાગી કે તરત જ તે ફુગ્ગાઓ ફૂટવા લાગ્યા હતા અને હવામાં મોટી આગની જ્વાલા ફેલાઈ હતી.

સામાન્ય રીતે જોવામાં સામાન્ય ગણવામાં આવી રહેલી આ ઘટનાને કેટલાક લોકો દ્વારા રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક તરીકે પણ માનવામાં આવી રહી છે. જો કે, આ ઘટના અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ‘ધડાકો ખૂબ નાનો અને સામાન્ય હતો.’
આ રોડ શો અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જબલપુરની પાસે આવેલા ગ્વારી ઘાટ પર નર્મદા મૈયાની પૂજા પણ કરી હતી. રાહુલ ગાંધીની સાથે મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથ અને કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારના દિવસે જ રાહુલ ગાંધી એક દિવસની મધ્યપ્રદેશ મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મુરૈનામા જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે પીએમ મોદી પર જોરદાર પ્રહારો કર્યા હતા.
તેમણે કહ્યું કે હિન્દુસ્તાનમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર જમીનમાં થયો છે અને તેનું નુકસાન ખેડૂતો ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, અમે જનતાના અધિકારની લડાઇ લડી રહ્યાં છીએ.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ગાંધીજી હિંદુસ્તાનની આઝાદી માટે અંગ્રેજો સાથે લડ્યા હતાં. તેમનો હેતુ હતો કે તેમને હક મળશે. અંગ્રેજોના ગયા પછી ઘણાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. દેશમાં ઘણી પ્રગતિ થઇ છે. લોકોને વોટનો અધિકાર આપવામાં આવ્યો છે. દેશનું સંવિધાન બન્યું છે. આજે આપણને જે પણ અધિકારો મળે છે તે ભારતના સંવિધાનને કારણે મળી રહ્યા છે.
