નવી દિલ્હી: દિલ્હીમાં સંસદ ભવનની બહાર એક પ્રાઇવેટ ટેક્સી સંસદ ભવનના દરવાજા પાસે રાખવામાં આવેલ બેરિકેડ સાથે અથડાઈ હતી, જેના કારણે થોડા સમય માટે હડકંપ મચી જવા પામ્યો હતો. આ ઘટના બાદ તુરંત જ સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં આવી ગઇ હતી અને તાત્કાલિક એલર્ટ જારી કરી દેવામાં આવ્યું હતું.
સસંદ ભવનના ગેટની બહાર બેરિકેડ સાથે કાર અથડાવાની ઘટના બનતા સુરક્ષા એજન્સીઓમાં જાણે કોઈ આતંકી હુમલો થયો હોય તેવી દહેશત વ્યાપી ગઇ હતી. આ ઘટના એવા સમયે સર્જાઈ હતી કે, જ્યારે સંસદનું શિયાળુ સત્રનું સેશન શરૂ થવાની તૈયારીમાં હતું. એક પ્રાઇવેટ ટેક્સી સંસદ ભવનના દરવાજે જ બેરિકેડ સાથે અથડાતા થોડા સમય માટે સ્થિતિ તંગ બની ગઇ હતી.
આ અકસ્માતની ઘટનાની જાણ થતાં જ તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઇ હતી. સીઆરપીએફની ક્વિક એકશન ટીમે તુરત જ સંસદ ભવનના ગેટ પર પોતાની પોઝિશન લઇ લીધી હતી અને પ્રવેશદ્વારને સંપૂર્ણપણે કોર્ડન કરી લીધું હતું.
આ પછી બેરિકેડ સાથે અથડાયેલી કારની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તે એક પ્રાઇવેટ ટેકસી હતી, અને આ ટેક્સીનો સાંસદો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે.
આ ઘટના એક સામાન્ય અકસ્માતની ઘટના હોવાની જાણ થયા પછી સ્થિતિ સામાન્ય બન્યા પછી જાહેર કરેલું એલર્ટ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.
આ સામાન્ય એવી ઘટનાને પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા ગંભીર બાબત ગણીને તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી. જેના કારણે સંસદ ભવનની સુરક્ષા માટે રખાયેલી સુરક્ષા એજન્સીઓની સતર્કતા સામે આવી હતી.
