વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ મોદીએ લક્ષદ્વીપની કેટલીક તસવીરો શેર કરી હતી, જેના પછી લક્ષદ્વીપની તુલના માલદીવ સાથે કરવામાં આવી રહી છે. આ સરખામણી બાદ માલદીવના નેતાઓએ ભારત અને વડાપ્રધાન મોદી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી અને જેના કારણે બૉયકોટ માલદીવના ટ્રેન્ડ શરુ થયો અને અપમાનજનક ટિપ્પણી કરનાર ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરાયા હતા… હવે ભારે વિવાદ બાદ માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલયના પ્રવક્તા અબ્દુલ્લા નઝીમ ઈબ્રાહિમે કહ્યું છે રાષ્ટ્રપતિ મોઇજ્જુ અને તેમની સરકારે નિર્ણય લીધો છે કે ભારતીય સૈનિકો માલદીવમાં નહીં રહી શકે…ત્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ કહ્યું છે કે રાજનીતિ તો રાજનીતિ છે. હું ખાતરી આપી શકતો નથી કે દરેક દેશ, દરરોજ, દરેક વ્યક્તિ અમને ટેકો આપશે અથવા આપણી સાથે સંમત થશે. ત્યાંના સામાન્ય લોકોનો ભારત વિશે સારો અભિપ્રાય છે અને તેઓ ભારત સાથે સારા સંબંધોનું મહત્વ જાણે છે.
ભારત તેના પડોશી દેશ માલદીવ સાથે સંરક્ષણ સહિત અન્ય ઘણા ક્ષેત્રોમાં લાંબા સમયથી સહયોગ કરી રહ્યું છે.. નવેમ્બર 1988માં, ભારતીય સેના બળવાથી બચાવવા માટે માલદીવમાં પ્રવેશી, ત્યારથી બંને દેશો વચ્ચે સારા સંબંધો છે. 2010 અને 2016માં ભારતે માલદીવને મદદ તરીકે બે હેલિકોપ્ટર આપ્યા હતા. આ સમયે માલદીવમાં અબ્દુલ્લા યામીન અબ્દુલ ગયૂમની સરકાર હતી. 2018માં, મોહમ્મદ સોલિહની સરકારની રચનાના બે વર્ષ પછી, ભારતે માલદીવને વધુ એક નાનું વિમાન ભેટ આપ્યું હતું. સોલિહને ભારત તરફી માનવામાં આવતા હતા, તેથી જ માલદીવના વિરોધ પક્ષોએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો ત્યારે ભારતે કહ્યું હતું કે આ હેલિકોપ્ટર અને એરક્રાફ્ટનો ઉપયોગ માલદીવમાં સર્ચ-રેસ્ક્યૂ ઓપરેશન અને દર્દીઓને લાવવા માટે કરવામાં આવશે. 2021માં, માલદીવની સેનાએ કહ્યું કે આ વિમાનોના સંચાલન અને સમારકામ માટે માલદીવમાં 70થી વધુ ભારતીય સૈનિકો તૈનાત છે. આ પછી જ માલદીવમાં વિરોધ પક્ષોએ ‘ઈન્ડિયા આઉટ’ અભિયાન શરૂ કર્યું. તેમની માંગ એવી હતી કે ભારતીય સુરક્ષા દળોના જવાનોએ માલદીવ છોડવું જોઈએ. ‘ઈન્ડિયા આઉટ’ એ માલદીવમાં આ ભારતીય સૈનિકોની હાજરીની ભૂમિકાને અતિશયોક્તિપૂર્વક રજૂ કરી હતી અને તેમની હાજરીને દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવી હતી.
આપને જણાવી દઈએકે માલદીવમાં ચાલી રહેલા ભારત વિરોધી અભિયાન પાછળ 4 કારણો આપવામાં આવી રહ્યા છે જેમાં પ્રથમ છે.. હેલિકોપ્ટરને લઈને વિવાદ, મોહમ્મદ મોઇઝ્ઝુની પાર્ટી માલદીવમાં હાજર ભારતના બે એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALF) ધ્રુવને લઈને લાંબા સમયથી વિરોધ કરી રહી હતી. હવે સત્તામાં આવ્યા બાદ તેમની પાર્ટીએ ભારતીય સૈનિકોને પરત મોકલવાનો નિર્ણય કર્યો છે…મનોહર પર્રિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસના સંશોધક ગુલબીન સુલ્તાનાના જણાવ્યા અનુસાર, મોઇજ્જુના પક્ષે આ બે હેલિકોપ્ટરનો એમ કહીને વિરોધ કર્યો હતો કે તે લશ્કરી હેલિકોપ્ટર છે. આ દ્વારા ભારત માલદીવમાં પોતાની સૈન્ય હાજરીને મજબૂત કરી રહ્યું છે…જ્યારે ભારત સરકારે કહ્યું છે કે આ હેલિકોપ્ટર માત્ર માનવીય સહાય તરીકે આપવામાં આવ્યા છે.
તો બીજુ કારણ ભારત અંગે પારદર્શિતાનો અભાવ હોઈ શકે છે. માલદીવના ઈતિહાસકાર રશીદા એમ દીદીએ 2022માં તેમના એક લેખમાં લખ્યું હતું કે માલદીવ દરિયાઈ સુરક્ષા માટે ભારત પર ખૂબ જ નિર્ભર છે. ભારત, માલદીવ અને શ્રીલંકાના સૈનિકો મળીને દરિયાઈ તસ્કરી અને દરિયાઈ ગુનાને નિયંત્રિત કરે છે. જો કે, મોહમ્મદ સોલિહની સરકાર તેના લોકોને આ જણાવવામાં નિષ્ફળ રહી. સોલિહ સરકારની ભારત અંગેની નીતિમાં પારદર્શિતાના અભાવે મોહમ્મદ મોઇઝઝુને મજબૂત બનાવ્યા અને મોઇઝ્ઝુ ભારત વિરોધી પ્રચાર કરવામાં સફળ રહ્યા હતા.
માલદીવની નવી પોલીસ એકેડમી પણ વિવાદનું એક કારણ માનવામાં આવી રહ્યું છે. માલદીવના ઈતિહાસકારનું કહેવું છે કે ભારતની મદદથી માલદીવના અદ્દુમાં એક નવી પોલીસ એકેડમી બનાવવામાં આવી રહી છે. આમાં માલદીવ પોલીસને માત્ર ટ્રેનિંગ જ નહીં અપાય પરંતુ અહીં કાયદાનો પણ અભ્યાસ કરી શકાશે. આ એકેડમી કેમ્પસની વિશાળતાને કારણે માલદીવમાં મોહમ્મદ મોઇઝ્ઝુની પાર્ટી તેનો વિરોધ કરી રહી છે. તેઓનો આરોપ છે કે આ કેમ્પસમાં 150થી વધુ ભારતીય અધિકારીઓને સમાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એક રીતે, આનાથી દેશમાં ભારત સરકારના લોકોની હાજરી વધશે, જે માલદીવ માટે ખોટું છે. તો UTF હાર્બર પ્રોજેક્ટ પર કરારને પણ વિવાદનું કારણ માનવામાં આવી રહ્યું છે. માલદીવની રાજધાની માલેની નજીક, ઉથુરુ થિલા ફાલ્હુ ખાતે એક બંદર બાંધવામાં આવનાર છે. ભારતે આ બંદર બનાવવા માટે ફેબ્રુઆરી 2021માં માલદીવ સાથે કરાર કર્યો છે. આ કરાર દ્વારા ભારતને આ બંદરની સંભાળ અને જાળવણી કરવાનો અધિકાર મળવાનો છે.ભારત સરકારે સમજૂતી સમયે સ્પષ્ટ કર્યું હતું કે આ બંદર બનાવવાનો હેતુ તેને ભારતીય નૌકાદળ માટે બેઝ બનાવવાનો નથી. મોહમ્મદ મોઇઝુએ આ કરારને એવી રીતે રજૂ કર્યો કે જાણે ભારત માલદીવના આ બંદર પર તેનું નૌકાદળનું બેઝ બનાવશે.
ત્યારે હવે માલદીવમાંથી સૈનિકો પાછા હટાવવા એ ભારત માટે આંચકો છે લાગ્યાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે વિદેશી નિષ્ણાત અને જે.એન.યુના પ્રોફેસર રાજનનું કહેવું છે કે મને નથી લાગતું કે માલદીવના આ નિર્ણયથી ભારતને બહુ નુકસાન થશે. તેનું કારણ એ છે કે ભારત માલદીવ કરતાં ઘણી મોટી શક્તિ છે…
આપને જણાવી દઈએ કે માલદીવનો આ નિર્ણય ભારતને ત્રણ રીતે આંચકો આપી શકે છે. હિંદ મહાસાગરના મોટા ભાગોમાં ભારતનું વર્ચસ્વ છે… ત્યારે આ ક્ષેત્ર ચીનની નબળી કડી છે. ચીનની સૌથી મોટી સમસ્યા છે મલક્કા ચોક પોઇન્ટ. ચીનના તમામ મોટા કોમર્શિયલ જહાજો અહીંથી પસાર થાય છે. જો માલદીવમાંથી ભારતીય સૈનિકો હટી જશે તો હિંદ મહાસાગરના આ વિસ્તારમાં ચીનની હરકતો પર નજર રાખવી મુશ્કેલ બની જશે. આ સંદર્ભમાં ભારત નુકસાનમાં છે.તો બીજી તરફ ભારતીય ટાપુ પર ભારતીય સૈનિકો અને રડાર તૈનાત છે. આના માધ્યમથી ભારત માટે હિંદ મહાસાગર ક્ષેત્ર પર નજર રાખવી અને સંદેશાવ્યવહાર જાળવી રાખવાનું સરળ બને છે. હવે ભારત માલદીવમાં તેના રડાર સ્ટેશનો ગુમાવશે અને આ ભારત માટે આંચકો છે અને ભારત તેનો મોટાભાગનો વેપાર સમુદ્ર મારફતે કરે છે ત્યારે આવી સ્થિતિમાં માલદીવની આસપાસના દરિયાઈ માર્ગની સુરક્ષા જોખમમાં આવી શકે છે. જો ચીનની પકડ વધુ મજબુત થશે તો ચીન માટે માલદીવમાંથી ભારત પર નજર રાખવી સરળ બની જશે.
તો ભારતીય સૈનિકોને હટાવવાથી માલદીવને પણ નુકશાન થઈ શકે છે. વિદેશી નિષ્ણાતના જણાવ્યા અનુસાર, મોહમ્મદ મોઇઝ્ઝુની પાર્ટીએ ચીની ફંડિંગથી માલદીવમાં ચૂંટણી લડી હતી અને જીતી હતી. તેમની પાર્ટીનું સમગ્ર ચૂંટણી અભિયાન ભારત વિરોધી હતું આવી સ્થિતિમાં ભારતીય સૈનિકોને હાંકી કાઢવાનો નવી સરકારનો નિર્ણય આશ્ચર્યજનક નથી. માલદીવ જેવા નાના દેશો માટે પોતાની સ્વતંત્રતા સાચવવી મુશ્કેલ હોય છે. મોઇજ્જુને લાગે છે કે આમ કરવાથી તેમને ચીન તરફથી તમામ પ્રકારનું સમર્થન મળશે. જો કે, આવું થતું નથી. જેમ જેમ આંતરરાષ્ટ્રીય રાજકારણ બદલાય છે, તેમ લગભગ બધું બદલાય છે. જેના કારણે આવા દેશોને નુકસાન પણ સહન કરવું પડે છે…રશિયા અને યુરોપ વચ્ચે અટવાયેલું યુક્રેન તેનું જીવંત ઉદાહરણ છે.
વિદેશી નિષ્ણાત બ્રહ્મા ચેલાનીના જણાવ્યા અનુસાર માલદીવની વસ્તી લગભગ 5 લાખ છે. માલદીવનું સમગ્ર અસ્તિત્વ ભારત પર નિર્ભર છે. આમ છતાં ચીનથી પરત ફર્યા બાદ તેઓ જે પ્રકારના નિવેદનો આપી રહ્યા છે, આવી હિંમત ચીનની ઉશ્કેરણી વિના શક્ય જણાતી નથી. તે ભારતીય સૈનિકોને પરત મોકલીને પોતાનું ચૂંટણી વચન પૂરું કરી શકે છે, પરંતુ તેનાથી ભારત કરતાં માલદીવને વધુ નુકસાન થશે. આ નિર્ણયથી હિંદ મહાસાગરમાં ચીનની દખલગીરી વધશે. જો આમ થશે તો માલદીવ અમેરિકા, ફ્રાન્સ અને અન્ય યુરોપિયન દેશોથી દૂર થઈ જશે.આ સિવાય માલદીવ માટે હિંદ મહાસાગર ક્ષેત્રમાં થઈ રહેલી તસ્કરી અને ગુનાઓને રોકવું મુશ્કેલ બનશે. માલદીવમાં ભારતની મદદથી ચાલી રહેલ UTF હાર્બર પ્રોજેક્ટ અને અડ્ડુમાં બની રહેલી પોલીસ એકેડમીનું કામ પણ બંધ થઈ શકે છે. નવેમ્બર 2022માં ભારતે માલદીવને 828 કરોડ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે, ભવિષ્યમાં માલદીવને આપવામાં આવતી આ નાણાકીય સહાય પર પણ પ્રતિબંધ લગાવી શકાય છે.
તો બીજી તરફ પૂર્વ વડાપ્રધાન બેગમ ખાલિદા ઝિયાના નેતૃત્વમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી એ ભારત વિરોધી અભિયાન શરૂ કર્યું છે. બીએનપીનું આ આંદોલન ગયા વર્ષે માલદીવમાં મોહમ્મદ મુઈઝ્ઝુની પાર્ટી પીએનસી દ્વારા ચલાવવામાં આવેલા અભિયાન જેવું જ છે, જેમાં તેણે ‘ઈન્ડિયા આઉટ’નો નારો આપ્યો હતો અને દેશમાં ભારતીય દખલગીરી ઘટાડવાની વાત કરી હતી. આ આંદોલન અને પછી મુઈઝુની જીત બાદ બંને દેશોના સંબંધોમાં ઘણી કડવાશ આવી ગઈ છે. આ પ્રકારનું આંદોલન શરૂ કરવાનો BNPનો નિર્ણય એ બાંગ્લાદેશમાં ભારત વિરોધી ભાવનાઓને ઉશ્કેરવાનો પ્રયાસ છે, જે ભવિષ્યમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે…એક અહેવાલ મુજબ ‘ઈન્ડિયા આઉટ’ આંદોલન તારિક રહેમાન ચલાવી રહ્યા છે. તારિક ખાલિદા ઝિયાના પુત્ર અને બીએનપીના કાર્યવાહક અધ્યક્ષ છે. રહેમાને પક્ષના સભ્યોને બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી અને ભારત વિરોધી ભાવનાઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે માલદીવની જેમ ભારત વિરોધી ચળવળ ચલાવવાનો નિર્દેશ આપ્યો છે. બીએનપીના સાયબર સેલે પણ સોશિયલ મીડિયા પર આ અભિયાન શરૂ કર્યું છે. પાર્ટીની સાયબર વિંગના સભ્યો સોશિયલ મીડિયા દ્વારા હિન્દુ વિરોધી અને ભારત વિરોધી નફરત ફેલાવી રહ્યા છે.
બીએનપીના કાર્યકરો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે ભારત ક્યારેય બાંગ્લાદેશનું મિત્ર નથી, તેઓ આપણા દેશને પોકળ કરી રહ્યા છે. BNP કાર્યકર્તાઓ ભારત સાથે સારા સંબંધો જાળવવા બદલ સત્તાધારી અવામી લીગ અને વડાપ્રધાન શેખ હસીનાને પણ નિશાન બનાવી રહ્યા છે. તેઓ ભવિષ્યમાં સત્તામાં આવશે તો બાંગ્લાદેશમાં ભારતની દખલગીરી ઘટાડવાનું પણ વચન આપી રહ્યા છે…આવી સ્થિતિમાં હવે માલદીવમાં ઈન્ડિયા આઉટ કેમ્પેઈન બાદ મુઈઝુને મળેલી સફળતાને જોતા BNP એ પણ આ પ્રકારના અભિયાન તરફ પગલું ભર્યું છે…