સંઘર્ષગ્રસ્ત સુદાનમાં ફસાયેલા 360 ભારતીયોને જેદ્દાહથી દિલ્હી એરપોર્ટ પર આવી પહોચ્યા છે. આ પહેલા બુધવારે એરફોર્સના બે એરક્રાફ્ટે 250થી વધુ ભારતીયોને જેદ્દાહ ખસેડ્યા હતા. મંગળવારે નૌકાદળના જહાજ INS સુમેધા દ્વારા 278 નાગરિકોને જેદ્દાહ લાવવામાં આવ્યા હતા. આ રીતે, ઓપરેશન કાવેરી હેઠળ, લગભગ 530 ભારતીયોને સુદાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢીને જેદ્દાહ લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી દિલ્હી ખસેડવામાં આવશે
#WATCH | Indian nationals evacuated from Sudan, narrate their ordeal in the conflict-torn country. pic.twitter.com/c6zcN84r9G
— ANI (@ANI) April 26, 2023
ઉલ્લેખનીય છે કે ઓપરેશન કાવેરી મિશન હેઠળ સુદાનમાંથી બહાર કાઢવામાં આવેલા ભારતીયોને સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં સ્થાપિત કેન્દ્રમાં તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. INS સુમેધા પછી, ભારતીયોની બીજી અને ત્રીજી બેચને બુધવારે એરફોર્સ એરક્રાફ્ટ C-130J દ્વારા જેદ્દાહ લાવવામાં આવી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે, 121 લોકોને પહેલા C-130J એરક્રાફ્ટ દ્વારા જેદ્દાહ લઈ જવામાં આવ્યા, ત્યારબાદ 135 લોકોને. બુધવારે તેમણે ટ્વીટ કર્યું કે ઓપરેશન કાવેરી ઝડપથી ચાલી રહ્યું છે.
વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન મિશનને ઝડપી બનાવવા જેદ્દાહ પહોંચી ગયા છે. તેમણે બુધવારે કહ્યું કે જેદ્દાહથી 360 લોકોને વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવી રહ્યા છે. લડાઈ લડી રહેલા સૈન્ય અને અર્ધલશ્કરી દળો વચ્ચે 72 કલાકના યુદ્ધવિરામ બાદ ભારતે સુદાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની કામગીરી ઝડપી બનાવી છે. નોંધનીય છે કે સુદાનમાં 13 દિવસના સંઘર્ષમાં 400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં એક ભારતીય પણ સામેલ છે. જ્યારે સંઘર્ષ શરૂ થયો ત્યારે સુદાનમાં ત્રણ હજારથી વધુ ભારતીયો ફસાયેલા હોવાની માહિતી મળી હતી.
