કોમનવેલ્થ ગેમ્સ (CommonwealthGames)2026માં ભારત માટે જેવલિન થ્રો (javelin throw)ઈવેન્ટ ઐતિહાસિક બની ગઈ છે. ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા (NeerajChopra)એ સિલ્વર મેડલ જીત્યો, તો બીજી તરફ યુવા ખેલાડી યશવીર સિંહે શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. યશવીરે પોતાના અંતિમ પ્રયાસમાં કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ 85.41 મીટરનો થ્રો કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
પુરુષ જેવલિન થ્રોની ફાઈનલમાં યશવીર શરૂઆતમાં મેડલની રેસમાં પાછળ ચાલી રહ્યા હતા. અંતિમ રાઉન્ડ પહેલા તેઓ સાતમા સ્થાન પર હતા. પરંતુ જ્યારે તેમને મેડલ માટે એક શાનદાર પ્રયાસની જરૂર હતી, ત્યારે 24 વર્ષીય ખેલાડીએ પોતાના જીવનનો સૌથી શ્રેષ્ઠ થ્રો કર્યો.
તેમના 85.41 મીટરના આ ઐતિહાસિક થ્રોએ તેમને ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ અને દક્ષિણ આફ્રિકાના ડાઉ સ્મિટ જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડીને ત્રીજા સ્થાને પહોંચાડ્યા. અંતિમ રાઉન્ડ પૂરો થયા બાદ યશવીરે પોતાનું બ્રોન્ઝ મેડલ જાળવી રાખ્યું અને ભારતને જેવલિનમાં ડબલ પોડિયમ ફિનિશ અપાવી.
કોણ છે યશવીર સિંહ?
યશવીર સિંહ (YashveerSingh)રાજસ્થાનના જયપુરના રહેવાસી છે.
24 વર્ષીય યશવીરે 2017થી પ્રોફેશનલ જેવલિન થ્રોમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તેઓ રાજ્ય સ્તરની સ્પર્ધાઓમાં રમતા હતા, ત્યારબાદ ધીમે ધીમે તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી.
રસપ્રદ વાત એ છે કે યશવીરની પહેલી પસંદ જેવલિન નહોતી. તેઓ શરૂઆતમાં બાસ્કેટબોલમાં રસ ધરાવતા હતા, પરંતુ બાદમાં તેમણે જેવલિન થ્રોને પોતાની કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો. યશવીરના પિતા રાય સિંહ પણ ભૂતપૂર્વ રાષ્ટ્રીય સ્તરના જેવલિન થ્રોઅર રહી ચૂક્યા છે. તેમણે પોતાના પુત્રની શરૂઆતની સફરમાં મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. પિતાના અનુભવ અને માર્ગદર્શન સાથે યશવીરે જેવલિનમાં પોતાની અલગ ઓળખ બનાવી.
કોમનવેલ્થમાં ઐતિહાસિક સિદ્ધિ
યશવીર સિંહ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર ભારતના માત્ર ત્રીજા પુરુષ જેવલિન થ્રોઅર બન્યા છે. આ પહેલા કાશીનાથ નાઈકએ 2010 કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જ્યારે નીરજ ચોપરાએ 2018માં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. નીરજ ચોપરા પાસેથી મેડલની અપેક્ષા રાખવામાં આવી રહી હતી, ખાસ કરીને તેમની વિશ્વસ્તરીય સિદ્ધિઓને જોતા. જોકે, પીઠની ઈજામાંથી પરત ફર્યા બાદ પણ નીરજે સિલ્વર મેડલ જીત્યો. બીજી તરફ, યશવીરનું બ્રોન્ઝ મેડલ જીતવું ઘણા લોકો માટે આશ્ચર્યજનક રહ્યું.
ભારતના ભવિષ્યનો નવો જેવલિન સ્ટાર
નીરજ ચોપરાએ ભારતને જેવલિન થ્રોમાં વૈશ્વિક ઓળખ અપાવી છે. હવે યશવીર સિંહ જેવા યુવા ખેલાડીઓ આ રમતમાં ભારતનું ભવિષ્ય મજબૂત બનાવી રહ્યા છે. 85.41 મીટરના પોતાના શ્રેષ્ઠ થ્રો સાથે યશવીરે સાબિત કરી દીધું છે કે તેઓ લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની ક્ષમતા ધરાવે છે. કોમનવેલ્થ ગેમ્સ 2026નું આ બ્રોન્ઝ મેડલ તેમની કારકિર્દીની મોટી શરૂઆત માનવામાં આવી રહ્યું છે.
યશવીર સિંહની સફર: વર્લ્ડ ચેમ્પિયનશિપથી કોમનવેલ્થ ગેમ્સના પોડિયમ સુધીનો શાનદાર ઉછાળો
કોમનવેલ્થ ગેમ્સ 2026માં બ્રોન્ઝ મેડલ જીતનાર યશવીર સિંહની સફળતા અચાનક મળી આવેલી સિદ્ધિ નથી, પરંતુ વર્ષોની મહેનત અને સતત સુધારાનું પરિણામ છે. જેવલિન થ્રોમાં પોતાની ઓળખ બનાવી રહેલા યશવીરે છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે.
કોમનવેલ્થ ગેમ્સ પહેલા પણ યશવીર અનેક પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તેમણે 2025 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ, 2025 એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ અને 2025 નીરજ ચોપરા ક્લાસિક જેવી મોટી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
2025ની એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં યશવીરે
દક્ષિણ કોરિયાના ગુમીમાં યોજાયેલી સ્પર્ધામાં પાંચમું સ્થાન મેળવ્યું હતું. આ પ્રદર્શનના આધારે તેમણે વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કર્યું હતું. જોકે, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેઓ ફાઈનલમાં સ્થાન બનાવી શક્યા નહોતા અને ગ્રુપ-2માં 18 ખેલાડીઓમાંથી 15મા સ્થાને રહ્યા હતા. પરંતુ આ નિષ્ફળતાએ યશવીરને રોક્યા નહીં. તેમણે સતત પોતાની ટેકનિક, ફિટનેસ અને પ્રદર્શન પર કામ કર્યું અને 2026માં વધુ મજબૂત વાપસી કરી. કોમનવેલ્થ ગેમ્સમાં 85.41 મીટરના પોતાના જીવનશ્રેષ્ઠ થ્રો સાથે તેમણે સાબિત કરી દીધું કે તેઓ વિશ્વ સ્તરના ખેલાડીઓ સામે ટક્કર આપવા સક્ષમ છે.
2022માં જ દેખાડી હતી પ્રતિભા
યશવીરની પ્રતિભા ઘણા વર્ષો પહેલા જ જોવા મળી હતી. વર્ષ 2022માં તેમણે ઇન્ડિયન અંડર-20 ફેડરેશન કપમાં ભાગ લીધો હતો અને તે સમયે ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાનો મીટ રેકોર્ડ તોડીને પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. આ સિદ્ધિએ બતાવી દીધું હતું કે યશવીર ભવિષ્યમાં ભારતીય જેવલિન માટે એક મહત્વપૂર્ણ નામ બની શકે છે. સમય જતાં તેમણે પોતાના પ્રદર્શનને સતત સુધાર્યું અને હવે કોમનવેલ્થ ગેમ્સના પોડિયમ સુધી પહોંચીને પોતાની અલગ ઓળખ બનાવી છે.
રૂમેશ પથિરાજે ગોલ્ડ જીત્યો, નીરજ ચોપરાએ સિલ્વર સાથે રચ્યો ઇતિહાસ
કોમનવેલ્થ ગેમ્સ 2026ની પુરુષ જેવલિન થ્રો સ્પર્ધામાં શ્રીલંકાના રૂમેશ પથિરાજે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. પથિરાજે 89.75 મીટરના વિશાળ થ્રો સાથે ઐતિહાસિક જીત મેળવી હતી.
સ્પર્ધામાં વર્લ્ડ લીડર તરીકે ઉતરેલા પથિરાજે બીજા રાઉન્ડમાં જ પોતાની જીત લગભગ નક્કી કરી દીધી હતી. તેમણે 89 મીટરથી વધુનો શાનદાર થ્રો કર્યો હતો. ખાસ વાત એ રહી કે તેમનો આ જ એકમાત્ર માન્ય થ્રો હતો, કારણ કે ત્યારબાદના તમામ પ્રયાસો ફાઉલ રહ્યા હતા. તેમ છતાં તેમનો પહેલો મોટો પ્રયાસ તેમને ગોલ્ડ મેડલ અપાવવા માટે પૂરતો સાબિત થયો. બીજી તરફ, ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પણ શાનદાર વાપસી કરી હતી. 2018ના ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ આ તેમની કોમનવેલ્થમાં વાપસી હતી.
પીઠની ઈજામાંથી પરત ફર્યા બાદ રમતા નીરજે બીજા રાઉન્ડમાં સિઝનનો શ્રેષ્ઠ 85.83 મીટરનો થ્રો કર્યો હતો. આ પ્રદર્શન સાથે તેમણે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો અને કોમનવેલ્થ ગેમ્સમાં પોતાનો બીજો મેડલ જીત્યો. આ રીતે ભારત માટે જેવલિન થ્રોનું આ આયોજન યાદગાર બની ગયું. એક તરફ અનુભવ અને સફળતાના પ્રતિક નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો, તો બીજી તરફ યુવા યશવીર સિંહે બ્રોન્ઝ મેડલ સાથે પોતાની આગમનની ઘોષણા કરી. બંને ખેલાડીઓના પોડિયમ ફિનિશથી ભારતીય જેવલિનનું ભવિષ્ય વધુ ઉજ્જવળ દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચો :જોસ બટલર ઇતિહાસ રચવાની અણી પર, અડધી સદી ફટકારીને કિરોન પોલાર્ડના દંતકથાસમાન રેકોર્ડની વધુ નજીક પહોંચ્યો.
આ પણ વાંચો :ભારત માટે ખુશખબર! નીરજ ચોપરા સહિત ત્રણેય જાવેલિન સ્ટાર્સ ફાઇનલમાં પહોંચ્યા
આ પણ વાંચો :CWG 2026 : દિલીપ ગાવિતના ગોલ્ડ બાદ ભારત 8મા સ્થાને, જાણો કોને જીત્યા કયા મેડલ
