Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિક્સના 7મા દિવસે, ભારતના સચિન ખિલારીએ પુરુષોના શોટ પુટ F46 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ દિવસનો પ્રથમ મેડલ છે. આ સિલ્વર મેડલ જીતવા સાથે, સચિન 40 વર્ષમાં પેરાલિમ્પિક શોટ-પુટ મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ એથ્લેટ બની ગયો છે. અગાઉ 1984માં ભારતે પુરૂષોના શોટ પુટમાં પહેલો મેડલ જીત્યો હતો. સચિનના આ મેડલ સાથે ભારતના મેડલની સંખ્યા 21 થઈ ગઈ છે. સચિન 16.32 મીટરના એશિયન રેકોર્ડ થ્રો સાથે બીજા ક્રમે રહ્યો હતો. કેનેડાના ગ્રેગ સ્ટુઅર્ટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. બ્રોન્ઝ મેડલ ક્રોએશિયાના લુકા બાકોવિકને મળ્યો હતો. સચિને અગાઉ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024માં એશિયન રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
એશિયન રેકોર્ડ તોડીને મેડલ જીત્યો
34 વર્ષીય ખેલાડીએ તેના બીજા પ્રયાસમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને પોતાનો જ 16.30 મીટરનો એશિયન રેકોર્ડ તોડ્યો. તેણે મે 2024માં જાપાનમાં યોજાયેલી વર્લ્ડ પેરા-એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને આ રેકોર્ડ બનાવ્યો હતો. ખિલારીનો સિલ્વર મેડલ ચાલુ પેરા ગેમ્સમાં પેરા-એથ્લેટિક્સમાં જીતેલો 11મો મેડલ છે. તેણે ગયા વર્ષે ચીનમાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. F46 કેટેગરી એ એથ્લેટ્સ માટે છે જેમના હાથમાં નબળાઈ હોય, સ્નાયુઓ નબળા હોય અથવા હાથમાં હલનચલનનો અભાવ હોય. આમાં, રમતવીરો ઉભા રહીને સ્પર્ધા કરે છે.
શોટ પુટમાં ત્રીજો મેડલ
સચિન ખિલારી પેરાલિમ્પિક્સના ઈતિહાસમાં શોટ પુટમાં મેડલ જીતનાર ત્રીજા ભારતીય એથ્લેટ છે. અગાઉ 1984માં જોગીન્દર સિંહ બેદીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને મહિલા એથ્લેટ દીપા મલિકે 2016 રિયો પેરાલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે આ ત્રીજો મેડલ 8 વર્ષ બાદ આવ્યો છે.