Gandhinagar News: દાહોદમાં મનરેગા કૌભાંડથી લઈને તંત્ર છેવટે જાગ્યું છે. આ કૌભાંડને લઈને હવે ગાંધીનગરથી તપાસ શરૂ થઈ છે. દેવગઢ બારીયા તેમજ ધાનપુરમાં આ કૌભાંડ અંગે તપાસ નોંધાઈ હતી. આ કૌભાંડમાં 71 કરોડની ગેરરીતિની ફરિયાદ હજી સુધી નોંધાઈ છે.
મનરેગા કૌભાંડને લઈને સરકારે તપાસનો આદેશ આપ્યો છે. ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. તપાસ માટે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ માટે હવે સફાળું જાગી ઉઠેલું તંત્ર મનરેગા કૌભાંડમાં 2020થી લઈને 2025 સુધીના કામની તપાસ કરશે. એકલા દેવગઢ બારિયામાં જ બે હજારથી વધારે કામની તપાસ કરવામાં આવશે.
આ ઉપરાંત ધાનપુર તાલુકામાંથી 300 જેટલા કામની તપાસ કરવામાં આવનાર છે. દેવગઢ બારીયામાંથી 10 જેટલી જુદી-જુદી ટીમ બનાવવામાં આવી છે. દાહોદમાં ચાલતા મનરેગા કૌભાંડમાં થયેલી ગેરરીતિમાં મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો હાલમાં જેલના સળિયા ગણી રહ્યા છે. તેમની સામેની તપાસમાં અન્ય એજન્સીઓને સાક્ષી બનાવવામાં આવી રહી છે.
આના પગલે આ પ્રકારના કામોમાં બોગસ બિલો મંજૂર કરનારાઓમાં પણ ફફડાટ જોવા મળ્યો છે. ગાંધીનગરથી તપાસ શરૂ થતા અગાઉ રાજકીય તાકાત પર મુસ્તાક કર્મચારીઓમાં પણ હવે ચિંતા પેઠી છે. તેઓને પણ ડર લાગી રહ્યો છે કે ક્યાંક તેમની સામે પણ પગલાં ન લેવાઈ શકે.
આમ આગામી દિવસોમાં આ મનરેગા કૌભાંડનો મુદ્દો રાજકીય બનવાની સાથે તેના પગલે રાજકીય સંઘર્ષના સ્વરૂપમાં પણ જોવા મળી શકે છે. આ ઉપરાંત બીજી ધરપકડો પણ આ મુદ્દે થાય તો આશ્ચર્ય નહીં થાય. અત્યાર સુધીની થયેલી ધરપકડો આ કૌભાંડમાં પાશેરામાં પહેલી પૂણી હોવાનું કહેવાય છે.
આ પણ વાંચોઃ દાહોદ મનરેગા કૌભાંડમાં ફરાર આરોપી કિરણ ખાબડ પણ પોલીસ સકંજામાં
આ પણ વાંચો: દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના રાજીનામાની ઉઠી માગ
આ પણ વાંચો: દાહોદ મનરેગા કૌભાંડ: બળવંત ખાબડની એજન્સીને આટલા રૂપિયા ચુકવાયા!
