Cricket/ પ્રવાસ અધવચ્ચે છોડી ગયેલી ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ પર ભડક્યા ઇન્ઝમામ-ઉલ-હક, જાણો શું કહ્યુ

પાકિસ્તાનનાં ભૂતપૂર્વ કેપ્ટન અને બેટ્સમેન ઇન્ઝમામ ઉલ હકે પણ ન્યુઝીલેન્ડ ક્રિકેટની ટીકા કરી છે. ઇન્ઝમામે પોતાની યુટ્યુબ ચેનલ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

Sports

ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામે વનડે સીરીઝ શરૂ થવાના થોડા કલાકો પહેલા સુરક્ષાનાં કારણો દર્શાવીને પ્રવાસ રદ કર્યો હતો. બંને દેશો વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ શુક્રવારથી રાવલપિંડીમાં શરૂ થવાની હતી, પરંતુ કિવી ટીમ ગ્રાઉન્ડ મેચ રમવા હોટેલ પહોંચી ન હોતી અને થોડા સમય બાદ સમગ્ર પ્રવાસ રદ કરવાનો એકતરફી નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો – IPL / આજથી શરૂ થશે વિશ્વની સૌથી લોકપ્રિય લીગનો બીજો તબક્કો, રોહિત-ધોનીની સેના હશે આમને-સામને

પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને ન્યુઝીલેન્ડ વડાપ્રધાનને ફોન દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ થયા નહીં. આ પછી, પાકિસ્તાનનાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કિવી ટીમ પર ગુસ્સો વ્યક્ત કર્યો અને પાકિસ્તાન ક્રિકેટની હત્યા કરવાનો પણ આરોપ લગાવ્યો. 18 વર્ષ બાદ ન્યુઝીલેન્ડની ટીમ પાકિસ્તાન પ્રવાસ પર પહોંચી પરંતુ તેનો પ્રવાસ શરૂ થતાં જ ખતમ થઈ ગયો. આવી સ્થિતિમાં પાકિસ્તાનનાં ભૂતપૂર્વ કેપ્ટન અને બેટ્સમેન ઇન્ઝમામ ઉલ હકે પણ ન્યુઝીલેન્ડ ક્રિકેટની ટીકા કરી છે. ઇન્ઝમામે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘કોઇપણ દેશ બીજા દેશ સાથે આવુ કરતો નથી જેવુ ન્યુઝીલેન્ડે પાકિસ્તાનની સાથે કર્યુ છે. તે અમારા મહેમાન હતા અને જો તેમને કોઈ સમસ્યા હોય તો તેમણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સાથે વાત કરવી જોઈતી હતી. પાકિસ્તાને ન્યુઝીલેન્ડને શ્રેષ્ઠ સુરક્ષા પૂરી પાડી હતી. 2009 માં શ્રીલંકાનાં ક્રિકેટર પર હુમલો થયો ત્યારથી અમે તમામ ટીમોને મુલાકાતી રાષ્ટ્રપતિઓ જેટલી જ સુરક્ષા આપી છે.

આ પણ વાંચો – IPL / ક્રિસ ગેલ IPL છોડી ક્યા ચાલ્યો? કહ્યુ- હુ પાકિસ્તાન જઇ રહ્યો છુ, કોણ સાથે આવશે?

એપ્રિલ 2016 થી જુલાઇ 2019 સુધી પાકિસ્તાનનાં મુખ્ય પસંદગીકાર તરીકે ફરજ બજાવતા ઇન્ઝમામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ને આ મામલામાં હસ્તક્ષેપ કરવા કહ્યું છે. તેમણે કહ્યું, ‘આઈસીસીએ આ અંગે પગલા લેવા જોઈએ. ઉપરાંત, જો ન્યુઝીલેન્ડ પાસે સુરક્ષા સંબંધિત કેટલાક ઇનપુટ છે, તો તેઓ તેને કેમ બતાવતા નથી? જો પીસીબીને ન બતાવે, તો આઈસીસીને તો બતાવે. અમારા PM એ પણ તેમની સાથે વાત કરી હતી અને તેમને ખાતરી આપી હતી. ઇન્ઝમામે કહ્યું કે, જો ન્યુઝીલેન્ડે પાકિસ્તાન સાથે તેમની ચિંતા અંગે વાત કરી હોત તો સુરક્ષા એજન્સીઓ ચોક્કસપણે તેની તપાસ કરી શકી હોત. પરંતુ મેચ પહેલા જ તેમણે કહ્યું કે તે કેટલાક ખતરાને કારણે રમી શકતા નથી. અમને કહો તો ખરા કે તમારી સમસ્યા શું છે? હું તેને પચાવી શકતો નથી.’