Jagannath Rath Yatra 2026: વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથની રથયાત્રા-2026 દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પુરી જિલ્લા પ્રશાસને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રથયાત્રા દરમિયાન પુરી શહેર અને તેની આસપાસના પાંચ કિલોમીટર વિસ્તારને ‘નો-ફ્લાઈંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે.
16 જુલાઈથી 27 જુલાઈ સુધી ડ્રોન પર પ્રતિબંધ
જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ 16 જુલાઈથી 27 જુલાઈ 2026 દરમિયાન કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને પૂર્વ મંજૂરી વિના ડ્રોન અથવા અન્ય માનવરહિત હવાઈ સાધન (UAS) ઉડાડવાની મંજૂરી રહેશે નહીં.
લાખો શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને નિર્ણય
પ્રશાસને જણાવ્યું છે કે રથયાત્રા, બહુડા યાત્રા તેમજ અન્ય ધાર્મિક વિધિઓ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ પુરી પહોંચે તેવી શક્યતા છે. મોટી સંખ્યામાં ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા જાળવવા અને કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પાંચ કિલોમીટર વિસ્તારમાં સંપૂર્ણ પ્રતિબંધ
આ સમયગાળા દરમિયાન પુરી શહેર તથા તેની આસપાસના પાંચ કિલોમીટર વિસ્તારમાં ડ્રોનનું ઉડ્ડયન, સંચાલન અથવા લોન્ચિંગ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. જોકે, સરકારી અને અધિકૃત એજન્સીઓને જરૂરી મંજૂરી સાથે ડ્રોનના ઉપયોગમાં છૂટ આપવામાં આવશે.
અધિકૃત કામગીરી માટે મળશે મંજૂરી
સુરક્ષા દેખરેખ, હવાઈ મોનિટરિંગ, ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી, મેપિંગ, દસ્તાવેજીકરણ તેમજ આપત્તિ વ્યવસ્થાપન જેવા સત્તાવાર કાર્યો માટે જિલ્લા પ્રશાસન અને પોલીસની મંજૂરી બાદ જ ડ્રોનનો ઉપયોગ કરી શકાશે.
નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી
પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે નિયમોનો ભંગ કરીને ડ્રોન ઉડાડનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આવા કિસ્સાઓમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-2023, વિમાન અધિનિયમ-1934, વિમાન નિયમો-1937, ડ્રોન નિયમો-2021 તેમજ અન્ય લાગુ કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
નોડલ અધિકારીની નિમણૂક
ડ્રોન સંચાલન સંબંધિત મંજૂરી અને સંકલન માટે વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટ (રેવન્યુ) સુશાંત કુમાર પતિને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અધિકૃત એજન્સીઓએ ડ્રોન સંચાલન માટે તેમની પાસેથી જરૂરી મંજૂરી લેવી પડશે.
વિશ્વના સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાંની એક રથયાત્રા
ઉલ્લેખનીય છે કે ભગવાન જગન્નાથની રથયાત્રા વિશ્વના સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાંની એક છે. દર વર્ષે લાખો ભક્તો પુરીમાં ઉમટી પડે છે, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ અગાઉથી જ વ્યાપક આયોજનમાં લાગી ગઈ છે.
