IPL 2023ની 63મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 172 રન જ બનાવી શકી હતી. મુંબઈ તરફથી ઈશાન કિશને સૌથી વધુ 59 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી યશ ઠાકુર અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી હતી. 178 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સ ધમાકેદાર શરૂઆત થઈ ગઈ હતી.
રોહિત અને ઈશાને પ્રથમ વિકેટ માટે 90 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિત 25 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. પોતાની ઇનિંગ્સમાં તેણે ત્રણ સિક્સર અને એક ફોર ફટકારી હતી. ઇશાન કિશન પણ થોડા સમય બાદ આઉટ થયો હતો. તેણે 39 બોલમાં 58 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 9 બોલમાં 7 રન બનાવ્યા હતા. નેહલ વાઢેરા 20 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો.
પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે માર્કસ સ્ટોઈનિસના જોરદાર 89 રનની મદદથી મુંબઈ ઈન્ડિયન્સ સામે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી માર્કસ સ્ટોઈનિસે 47 બોલમાં 89 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી જેસન બેહરેનડોર્ફે 2 અને પીયૂષ ચાવલાએ એક વિકેટ ઝડપી હતી. લખનૌએ છેલ્લી પાંચ ઓવરમાં 69 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતા લખનૌ સુપર જાયન્ટ્સની શરૂઆત ખરાબ રહી હતી. પાવરપ્લેમાં જ ટીમે બે વિકેટ ગુમાવી દીધી હતી. જેસન બેહરનડોર્ફે દીપક હુડા અને પ્રેરક માંકડને પેવેલિયન મોકલ્યા હતા. ક્વિન્ટન ડિકોક પણ 7મી ઓવરમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી કેપ્ટન કૃણાલ પંડ્યા અને માર્કસ સ્ટોઇનિસે ઇનિંગ્સને સંભાળી અને ચોથી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી. કૃણાલ 49ના વ્યક્તિગત સ્કોર પર રિટાયર્ડ હર્ટ થયો હતો. પરંતુ બીજા છેડેથી માર્કસે પોતાની અડધી સદી પૂરી કરી અને જોરદાર બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું. પુરણે 8 રન બનાવ્યા હતા. માર્કસ સ્ટોઈનિસ 47 બોલમાં 89 રન બનાવીને અણનમ રહ્યો હતો. પોતાની ઇનિંગમાં તેણે 8 સિક્સર અને 4 ફોર ફટકારી હતી.
